ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા તૂટ્યો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં આગામી બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવાનો નિર્દેશ આપ્યો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૯૪ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૦૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૨૬ અને ઉપરમાં ૭૮.૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૧૩ની સપાટીએ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગઈકાલે કંપનીઓની દરિયાપારના ધિરાણની મર્યાદા વધારવાની સાથે સરકારી બૉન્ડમાં દરિયાપારના રોકાણના ધોરણો હળવા કર્યા હોવા છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયાની રેન્જ ૭૯.૦૫થી ૭૯.૮૦ આસપાસની રહે તેવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.