રૂપિયામાં ૪૬ પૈસાનો કડાકો, સોનાચાંદીમાં નરમાઇ

વેપાર વાણિજ્ય

મુંબઇ: ફોરેકસ માર્કેટમાં રૂપિયામાં ૪૬ પૈસાનો કડાકો બોલી ગયો હતો. વિદેશી હૂંડિયામણમાં સતત જાવક અને ક્રૂડ ઓઇલના ભાવના વધારાને કારણે વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૭૮.૮૩ની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો હતો. સત્ર દરમિયાન રૂપિયો ૭૮.૮૫ની સર્વકાલિન નીચી સપાટીને અથડાયો હતો. વૈશ્ર્વિક સ્તરે ગોલ્ડના ભાવમાં વધારો થયો હોવા છતાં સ્થાનિક બજારમાં સોનાચાંદીના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. જી-સેવન રાષ્ટ્રો રશિયન સોના પર પ્રતિબંધ લાદશે એવી અટકળો વચ્ચે સોનાચાંદીના ભાવમા આવેલો સુધારો પરપોટા જેવો સાબિત થયો હતો અને બંને કિમતી ધાતુના ભાવમાં મંગળવારે પીછેહઠ જોવા મળી હતી. મુંબઇના ઝવેરી બજારમાં કામકાજની શરૂઆત મંદીના માહોલમાં થઇ હતી, સોનાચાંદીના ભાવ નીચા મથાળે ખૂલ્યા હતા. ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામે રૂ. ૫૧૦૯૪ના પાછલા બંધ સામે રૂ. ૫૫ના ઘટાડા સાથે રૂ.૫૧૦૩૯ની સપાટીએ ખૂલ્યા હતા. જ્યારે ૯૯૫ ફાઇનનેસ ધરાવતા સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૦,૮૮૯ના પાછલા બંધ સામે રૂ. ૫૪ના ઘટાડા સાથે રૂ. ૫૦૮૩૫ની સપાટીએ ખૂલ્યા હતા. હાજર ચાંદીમાં પણ પીછેહઠ જોવા મળી હતી. .૯૯૯ ટચની ચાંદી રૂ. ૬૦,૮૩૨ પ્રતિ કિલોના પાછલા બંધ સામે રૂ. ૩૪૪ના ઘટાડા સાથે રૂ. ૬૦૪૮૮ની સપાટીએ ખૂલી હતી. સત્રના અંત સુધીમાં મંદીજન્ય માહોલમાં ભાવ ઓર ઘટ્યા હતા અને શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૧૦૯૪ના પાછલા બં સામે ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫ના ઘટાડા સાથે રૂ. ૫૧૦૨૯ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૪ પ્રતિ દસગ્રામના ઘટાડા સાથે રૂ. ૫૦૮૨૫ની સપાટીએ સ્થિર થયાં હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.