ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઊંચી સપાટીએથી પાછા ફરતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસાના સુધારા સાથે ૭૭.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૮.૦૫ના બંધ સામે સુધારાના ટોને ૭૭.૯૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૦૩ અને ઉપરમાં ૭૭.૮૭ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી સાત પૈસાના સુધારા સાથે ૭૭.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિક અને વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટ અને ફેડરલ રિઝર્વે અમેરિકાનો આર્થિક વૃદ્ધિદર ૧.૭ ટકા કરતાં નીચે રહેવાની ધારણા મૂકતા રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના ફોરેક્સ અને બુલિયન વિભાગના વિશ્ર્લેષક ગૌરાંગ સોમૈયાએ જણાવ્યુ હતું. દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૭.૪૨ પૉઈન્ટનો અને ૫૬.૬૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી ૦.૩૭ ટકા ઘટીને ૧૦૪.૩૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧૧ ટકા ઘટીને ૧૧૨.૯૯ પ્રતિ બેરલ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.