ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલી પીછેહઠ ઉપરાંત ડૉલરમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૭૯.૦૩ની ઐતિહાસિક નીચી સપાટીએથી પાંચ પૈસા પાછો ફરીને ૭૮.૯૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટને અંતે સાધારણ નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૦૩ના બંધ સામે સુધારાના ટોને ૭૮.૯૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૮.૯૯ અને ઉપરમાં ૭૮.૯૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી પાંચ પૈસાના સુધારા સાથે ૭૮.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
છેલ્લા કેટલાક સત્રથી રૂપિયામાં થયેલા ધોવાણ બાદ આજે થોડાઘણાં અંશે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો બાહ્ય પ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આગામી ટૂંકા સમયગાળા માટે ડૉલર સામે રૂપિયામાં ૭૮.૩૮ની સપાટી મહત્ત્વની ટેકાની અને ૭૯.૧૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૬ ટકા વધીને ૧૦૫.૧૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧૭ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૬.૦૬ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮.૦૩ પૉઈન્ટનો અને ૧૮.૮૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૫૧.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.