ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે સરકારે તેલની નિકાસ અને સોનાની આયાતમાં ઘટાડો કરવા માટે લીધેલા પગલાંને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૨ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને રૂપિયો ૭૮.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૦૬ના બંધ સામે સુધારાના ટોને ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૧૨ અને ઉપરમાં ૭૮.૯૪ સુધી મજબૂત થયા બાદ અંતે સત્રની ઊંચી ૭૮.૯૪ની સપાટીએ જ બંધ રહ્યો હતો.
સરકારે ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવા માટે આજે સોના પરની આયાત જકાતમાં પાંચ ટકાનો વધારો કરવા ઉપરાંત તેલની નિકાસ માટે પણ પગલાં લીધા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૩૦ ટકા વધીને ૧૦૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૭૯ ટકા વધીને બેરલદીઠ ૧૧૦.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૧૧૧.૦૧ પૉઈન્ટનો અને ૨૮.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૧૩૮.૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં મોટો ઉછાળો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.