ડૉલર સામે તળિયું શોધતો રૂપિયો: વધુ ૧૮ પૈસા ગબડીને ૭૯ની પાર

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા ગબડીને ૭૯.૦૩ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૮૫ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૭૮.૮૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૭૮.૮૬ અને ઐતિહાસિક નીચી ૭૯.૦૫ની સપાટી સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૮ પૈસા ગબડીને ૭૯.૦૩ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે ડૉલર સામે અન્ય એશિયન ચલણો નબળા પડતાં રૂપિયામાં પણ ધોવાણ થયું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે ત્રિમાસિકગાળાના અંતે ડૉલરમાં ઊંચી માગ અને ઓછી પ્રવાહિતાને કારણે મજબૂત વલણ જોવા મળ્યું છે. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વે નાણાનીતિ તંગ કરતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોનો બાહ્યપ્રવાહ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવી રહ્યો છે. અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો ઘટીને ૭૯.૧૦ સુધી પહોંચે તેવી શક્યતા છે, જ્યારે ૭૮.૩૮ મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૩ ટકા વધીને ૧૦૪.૬૪ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩૪ ટકા વધીને બેરલદીઠ ૧૧૮.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે રૂ. ૧૫૦.૪૮ પૉઈન્ટનો અને ૫૧.૧૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૪૪.૪૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. આમ આ તમામ પરિબળોને કારણે રૂપિયામાં ધોવાણ જળવાઈ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.