ડૉલર સામે રૂપિયો ૨૬ પૈસા ગબડીને ૮૦ની સપાટીએ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૬ પૈસાના ઘટાડા સાથે ૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું કે રોકાણકારો ફેડરલના નીતિવિષયક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તેમ જ ક્રૂડતેલના ભાવ ૯૨ ડૉલર આસપાસ રહ્યા હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૭૪ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૮૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૦.૦૧ અને ઉપરમાં ૭૯.૭૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૬ પૈસા ગબડીને ૮૦ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે ઑગસ્ટ મહિનામાં રૂપિયો ઘટીને ૮૦.૧૫ની ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો હતો. ફેડરલની બેઠકનાં વ્યાજ વધારા અંગેના નિર્ણય પૂર્વે અને રશિયાએ સૈન્યદળ રવાના કર્યાના અહેવાલ સાથે યુદ્ધના ભણકારા વાગતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મદબૂત વલણ રહેતાં રૂપિયો તૂટ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૩૧ ટકા વધીને ૧૧૦.૫૫ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી ૨.૩૬ ટકા ઘટીે બેરલદીઠ ૯૨.૭૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૬૨.૯૬ પૉઈન્ટનો અને ૯૭.૯૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૧૯૬.૧૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.