ડૉલર સામે રૂપિયો વધુ ૩૮ પૈસા ગબડીને નવા તળિયે

દેશ વિદેશ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે ૪૩ પૈસા તૂટીને ૭૯.૩૮ની નવી નીચી સપાટી સ્પર્શીને અંતે ગઈકાલના બંધથી ૩૮ પૈસાના ઘટાડા સાથે ૭૯.૩૩ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૮.૯૫ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૦૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૩૮ અને ઉપરમાં ૭૯.૦૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૮ પૈસા ગબડીને ૭૯.૩૩ના મથાળે બંધ રહ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૮૯ ટકાની તેજી સાથે ૧૦૬.૦૭ની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયામાં મોટું ગાબડું પડ્યું હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો દબાળ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૦૦.૪૨ પૉઈન્ટ અને ૨૪.૫૦ પૉઈન્ટનો જોવા મળેલો ઘટાડો ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૧૪૯.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧૦ ટકા ઘટીને બેરલદીઠ ૧૧૨.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.