બેતરફી વધઘટના અંતે ડૉલર સામે રૂપિયામાં ૧૬ પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે બૅન્ચમાર્ક વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યાના અહેવાલ ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૭૪.૭૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૧૬ પૈસાના સુધારા સાથે ૭૯.૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૪૦ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૨૯ અને ઉપરમાં ૭૮.૯૪ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૬ પૈસા વધીને ૭૯.૨૪ના મથાળે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રિપો રેટમાં ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪૦ નિર્ધારિત કર્યા હતા. મે મહિનાથી અત્યાર સુધીમાં સતત ત્રીજી વખત રિપો રેટમાં વધારો કરતાં કુલ ૧૪૦ બેઝિસ પૉઈન્ટ વધાર્યા છે અને વ્યાજદરની આ સપાટી ઑગસ્ટ, ૨૦૧૯માં જોવા મળી હતી. આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૫ ટકા વધીને ૧૦૫.૯૫ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨૦ ટકા વધીને બેરલદીઠ ૯૪.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૯.૧૩ પૉઈન્ટનો અને ૧૫.૫૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.