ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક નિર્ણાયક બેઠક પૂર્વે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો કોન્સોલિડ થવા મથી રહ્યો હતો અને સત્ર દરમિયાન ૨૩ પૈસા મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી સાત પૈસાના સુધારા સાથે ૭૯.૭૪ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૮૧ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૭૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૭૭ અને ઉપરમાં ૭૯.૫૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાત પૈસા વધીને ૭૯.૭૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફેડરલની બેઠકના આરંભ પૂર્વે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૨ ટકા વધીને ૧૦૯.૮૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના ફોરેક્સ તથા બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી થોડા સત્ર સુધી રૂપિયામાં કોન્સોલિડેશનનું વલણ જળવાઈ રહેશે અને રૂપિયાની રેન્જ ૭૯.૪૦થી ૮૦.૦૫ આસપાસની રહે તેવી શક્યતા છે. દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૭૮.૫૧ પૉઈન્ટનો અને ૧૯૪ પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૧૨.૩૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
જોકે, ડૉલર ઈન્ડેક્સમાં સુધારા ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧૪ ટકા વધીને બેરલદીઠ ૯૨.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.