મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૧૩ પૈસાના સુધારા સાથે રૂ. ૮૨.૭૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૩ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૭૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૭૩ અને ઉપરમાં ૮૨.૫૯ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૩ પૈસા વધીને ૮૨.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૧ ટકાના ઘટાડા સાથે ૧૦૩.૭૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫૦ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૮૪.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૪.૪૨ પૉઈન્ટનો અને ૨૦ પૉઈન્ટનો સુધારો નોંધાવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૩૨.૧૫ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.
ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો
RELATED ARTICLES