(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલના ભાવમાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી વધુ આઠ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૨ના મથાળે બંધ રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૬૪ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૨.૬૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૧ અને ઉપરમાં ૮૨.૬૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી આઠ પૈસા ઘટીને ૮૨.૭૨ના મથાળે બંધ રહ્યો હતો.
ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા રોજગારીના ડેટામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું. જોકે, અમેરિકાના ચોથા ત્રિમાસિકગાળાનો જીડીપી અંદાજિત ૨.૯ ટકા અને આગલા બીજા ત્રિમાસિકગાળાના ૩.૨ ટકા સામે ઘટીને ૨.૭ ટકાના સ્તરે રહ્યો હોવાથી ડૉલરમાં મજબૂતી મર્યાદિત રહી હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૦ ટકા વધીને ૧૦૪.૬૯ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૦૮ ટકા વધીને બેરલદીઠ ૮૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૪૧.૮૭ પૉઈન્ટનો અને ૪૫.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪૧૭.૨૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નરમ
RELATED ARTICLES