મુંબઈ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અંદાજપત્રના પ્રસ્તાવોની રજૂઆત બાદ આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો ૨૦ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ગઈકાલના બંધથી પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૧.૯૩ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે ફોરેક્સ ટ્રેડરો અને રોકાણકારો વેપારથી દૂર રહ્યા હતા. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૮૮ના બંધ સામે સુધારા સાથે ૮૧.૭૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૦૩ અને ઉપરમાં ૮૧.૬૮ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૧.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. અંદાજપત્રના વક્તવ્યમાં નાણાં પ્રધાને નાણાકીય વર્ષ ૨૦૨૩ના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે ૬.૪ ટકાનો મૂક્યો હતો તે ઘટાડીને ૫.૯ ટકા મૂકયો હતો. તેમ જ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષીય ખાધ જીડીપીના ૪.૫ ટકાના સ્તરે લાવવાનો અંદાજ મૂક્યો હોવાથી સત્રના આરંભે રૂપિયાને મજબૂતી મળી હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. ઈક્વિટી માર્કેટમાં આરંભિક સુધારો ધોવાઈ જવાની સાથે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૪૩૯.૬૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.