મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બેતરફી વધઘટ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૨૬ પૈસાના ઘટાડા સાથે ૮૧.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૪૨ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૧.૪૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૭૭ અને ઉપરમાં ૮૧.૪૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૨૬ પૈસા ઘટીને ૮૧.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૧૦૨.૧૫ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૧ ટકા ઘટીને બેરલદીઠ ૮૭.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૭.૦૮ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં સાધારણ ૦.૨૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વધુ રૂ. ૨૧૯.૮૭ કરોડની વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.