ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા નરમ

વેપાર વાણિજ્ય

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં સુધારો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા નબળો પડીને ૭૯.૬૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાના પ્રાથમિક અહેવાલોને ધ્યાનમાં લેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૪૫ના બંધ સામે નરમાઈના ટોને ૭૯.૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૭૧ અને ઉપરમાં ૭૯.૬૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૯ પૈસાના ઘટાડા સાથે ૭૯.૬૪ના મથાળે બંધ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલ રિઝર્વે ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવશે, પરંતુ આક્રમકતા ઓછી રહે તેવો અણસાર આપતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૦ ટકા વધીને ૧૦૬.૬૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૫૮ ટકા વધીને બેરલદીઠ ૯૫.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૭.૮૭ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૨.૨૫ પૉઈન્ટનો સુધારો તેમ જ ગઈકાલે ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩૪૭.૨૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.