રૂપા રાણી: લૉન બૉલમાં ભારતને સોનેરી સિદ્ધિ અપાવનારી મહત્ત્વની કડી

લાડકી

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી લૉન બૉલ ખેલાડી રૂપા રાણી તિર્કીના ઉત્સાહનો કોઈ જ પાર નથી અને આ સફળતા મેળવવા માટે તેણે ખૂબ જ પરિશ્રમ કર્યો છે. આ સફળતાનો સ્વાદ ચાખવા માટે તેણે કેમ્પમાં રોજ ૮-૮ કલાક પ્રેક્ટિસ કરી છે. ત્યાં સુધી કે જાન્યુઆરીમાં હજી તેનાં લગ્નને એક જ મહિનો થયો હતો, છતાં તેને પ્રેક્ટિસ માટે કેમ્પમાં પાછી બોલાવી લેવામાં આવી હતી.
કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પહેલી વખત ભારતે લૉન બૉલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ એક એવી સિદ્ધિ છે કે જેના પર લોકો માટે વિશ્ર્વાસ કરવાનું અઘરું થઈ રહ્યું છે. મેડલ હાંસિલ કરનારી ટીમમાં સ્કિપ સદસ્યા તરીકે રૂપા રાણી તિર્કીનો સમાવેશ પણ થાય છે અને આ જ રૂપા રાણી આપણી આજની કવર સ્ટોરીની હિરોઈન પણ છે…
કોમનવેલ્થ ગેમ્સમાં મળેલી આ સોનેરી સફળતા બાદ તેના ઉત્સાહનો કોઈ પાર નથી અને એ વિશે વાત કરતાં રૂપા રાણી જણાવે છે કે ‘આ મારી એકલીની સિદ્ધિ નથી. આ એક સહિયારી સિદ્ધિ છે, પણ મને એનો વિશેષ આનંદ એટલે છે કે આખરે અમારા બધાની મહેનત રંગ લાવી ખરી… અમે બધાએ પારાવાર સંઘર્ષ અને પરિશ્રમ કર્યો છે આ મુકામ સુધી પહોંચવા માટે. જાન્યુઆરી મહિનામાં હજી તો મારાં લગ્નને એક જ મહિનો થયો હતો અને મને કેમ્પમાં પ્રેક્ટિસ માટે પાછી બોલાવી લેવામાં આવી.’
રૂપા પોતાનાં નવાં નવાં લગ્ન, નવા પરિવાર કે ઘર વિશે કંઈ પણ વિચાર્યા વિના બસ પતિની એક ‘હા’ પર બેગ પેક કરીને કેમ્પમાં પહોંચી ગઈ. ‘હજી પણ મને એ ક્ષણ બરાબર યાદ છે જ્યારે લૉન બૉલમાં ગોલ્ડ મેડલ જીતી એ સમયે મારા હાથમાં તિરંગો અને આંખોમાં આંસુ હતાં. મેં મારી જોબમાંથી પાંચ મહિનાની રજા લીધી હતી અને આખું ધ્યાન બસ લૉન બૉલ પર જ આપવાનું નક્કી કર્યું હતું.
આ પહેલાં મેં ૨૦૧૦માં પણ કૉમનવેલ્થ ગેમ્સ માટે ટ્રાય કરી હતી અને આ સ્પૉર્ટ્સમાં એન્ટ્રી લીધી હતી. જોકે એ વખતે અમને કોઈ મેડલ નહોતો મળ્યો, પણ મને વિશ્ર્વાસ હતો કે એક દિવસ અમે ચોક્કસ જ અમારા લક્ષ્યમાં સફળ થઈશું.
પરિશ્રમ અને ટીમ સાથે કલાકોની પ્રેક્ટિસનું પરિણામ આખરે અમને મળ્યું,’ એવું વધુમાં જણાવે છે રૂપા રાણી.
લૉન બૉલ તરફ કઈ રીતે આકર્ષણ થયું અને કઈ રીતે આ સ્પૉર્ટ્સ રમવાનું શરૂ કર્યું એ સવાલના જવાબમાં તે જણાવે છે કે ‘૨૦૦૭નું વર્ષ હતું અને આસામમાં નેશનલ ગેમ્સ ચાલી રહી હતી.
આ ગેમ્સમાં લૉન બૉલનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો એ જ સમય હતો કે જ્યારે પહેલી વખત મને આ ગેમનો પરિચય થયો. જ્યારે મેં લૉન બૉલને રમવાનો પ્રયાસ કર્યો ત્યારે મને લાગ્યું કે હું સ્પોર્ટ્સ વધુ સારી રીતે રમી શકું છું.’
ઝારખંડ પાછી ફરતાં જ સરકાર દ્વારા તેને સન્માનિત કરવામાં આવી અને પ્રોત્સાહિત કરવામાં આવી, જેને કારણે તેનો જુસ્સો ઓર વધી ગયો. હવે રૂપાને પોતાનું લક્ષ્ય સામે દેખાઈ રહ્યું હતું અને તેણે આ સ્પૉર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આજે પરિણામ તો આપણા બધાની આંખોની સામે છે જ.
આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં રૂપાનાં લગ્ન થયાં અને લગ્ન કરીને તે ઝારખંડના પશ્ર્ચિમ સિંહભૂમ જિલ્લામાં આવેલા ચાઈબાસા ગામમાં તેના પતિ સાથે રહે છે. અહીં તેના પતિ રોડ ક્ધસ્ટ્રક્શનનું કામ કરે છે.
વાતનો દોર આગળ વધારતાં રૂપા જણાવે છે કે ‘લગ્નને હજી એક જ મહિનો થયો હતો અને મારા પતિને એમ પણ સ્પૉર્ટ્સમાં ખાસ કોઈ રસ નથી. જ્યારે કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ
લેવાની વાત આવી તો મેં એમને કહ્યું કે ભવિષ્યનું તો મને કંઈ ખબર નથી, પણ મને આ વખતે રમી લેવા દો. મારી વાત સાથે તેઓ સહમત થયા અને કહ્યું કે જા, તારી ઈચ્છા છે તો રમી લે… તેમના આ નિર્ણયને કારણે જ કદાચ
અમે લોકો અમારા દેશ માટે ગોલ્ડ જીતી લાવ્યા છીએ. મારા પતિને મારા પર જેટલો ગર્વ છે એના કરતાં વધારે ગર્વ મને મારા પતિ પર
થાય છે.’
તમારી જાણ માટે કે લૉન બૉલ્સ સિવાય રૂપા કબડ્ડી પણ રમે છે અને ઘણા લોકોનું એવું માનવું છે કે રૂપાએ કબડ્ડી રમવાનું છોડી દીધું છે, પણ એવું નથી. એ વિશે
વાત કરતાં તે જણાવે છે કે ‘હું આજે પણ કબડ્ડી રમું છું.
કોઈ પણ સ્પૉર્ટ્સમાં રસ હોવો એ અલગ વાત છે, પણ મૂળ વાત તો એ છે કે ઝારખંડમાં કબડ્ડી માટે જોઈએ એવું વાતાવરણ, ટ્રેઈનિંગ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે હું ઈન્ડિવિડ્યુઅલ ગેમ્સમાં સારું પર્ફોર્મ કરવા માગતી હતી અને એ તક મને લૉન બૉલ્સને કારણે મળી. હું એકલી એવી ખેલાડી નથી કે જેને રસ કોઈ બીજા સ્પૉર્ટ્સમાં હોય અને લૉન બૉલ્સમાં સારું પર્ફોર્મ કરી રહી છું.’
રૂપાનો મોટા ભાગનો સમય ઝારખંડના રાંચીમાં જ પસાર થયો છે અને ત્યાં રામગઢમાં તેની નોકરી પણ છે. તેણે તેની બીપીએડ એટલે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની ડિગ્રી દિલ્હી યુનિવર્સિટીમાંથી લીધી છે. રૂપાને બાળપણથી જ સ્પૉર્ટ્સમાં ખૂબ રસ હતો અને એટલે જ જ્યારે કારકિર્દી બનાવવાની વાત આવી તો ફિઝિકલ એજ્યુકેશન એમાં પણ ટૉપ પર હતું. રમતમાં આગળ વધવા માટે ડિસિપ્લિન અને સખત પરિશ્રમની તૈયારી હોવી જોઈએ એટલું જ નહીં, પણ તમારા સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ તમારી અંદર આ ગુણ તો હોવા જ જોઈએ.
‘કોરોનાકાળ ચોક્કસ જ આપણા બધા માટે મુશ્કેલ સમય લઈને આવ્યો હતો, પણ પ્રેક્ટિસની વાત કરીએ તો આ સમય અમારા જેવા સ્પૉર્ટ્સપર્સન માટે એકદમ સોનેરી હતો, કારણ કે મારી જોબને એક જ વર્ષ થયું હતું એવામાં પાંચ મહિનાનો બ્રેક મળે એ અઘરું હતું, પરંતુ કોરોનાને કારણે એ શક્ય બન્યું. સવારે ચાર અને સાંજના ચાર એમ દિવસમાં આઠ કલાક ગેમની પ્રેક્ટિસમાં પસાર કરવા મળ્યા,’ કહે છે રૂપા રાણી.
અત્યાર સુધી ભારતમાં લૉન બૉલ માટે સ્પોન્સર મેળવવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી, પણ રૂપા રાણીને પૂરો ભરોસો છે કે કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૦૨૨ની આ સોનેરી સિદ્ધિ લૉન બૉલ ગેમનાં મૂળિયાં ભારતમાં વધુ મજબૂત કરશે અને એક દિવસ એવો પણ આવશે કે ભારતમાં આ સ્પૉર્ટ્સ ઈંગ્લેન્ડના ફૂટબોલની જેમ જ લોકપ્રિય થશે. આપણે આશા રાખીએ કે આ જીતની સાથે જ ભારતમાં પણ લૉન બૉલ તરફ ખેલાડીઓ અને દર્શકોનો લગાવ અને જોડાણ જળવાઈ રહે અને દિવસે ને દિવસે તે વધુ ને વધુ મજબૂત થતો જાય…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.