Homeલાડકીપથ્થર પડવાનો જેવો અવાજ આવે એટલે દોડવાનું, ક્યારેક તો પથ્થર એટલો ઝડપથી...

પથ્થર પડવાનો જેવો અવાજ આવે એટલે દોડવાનું, ક્યારેક તો પથ્થર એટલો ઝડપથી આવે કે દોડવાનો સમય પણ ન રહે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

સંતકુટીર સરસ છે. સાંજે ચાલીને આવ્યા છીએ શરીર ગરમ થઈ ગયું છે, પણ કુટીરમાં આવતા જ ઠંડકનો અનુભવ થયો. પણ આ અનુભવ વધારે સમય સુખદાઈ થઈ શક્યો નહીં. જેમ જેમ શરીરની ગરમી ઓછી થતી ગઈ, તેમ તેમ હિમાલયી ઠંડીનું સામ્રાજ્ય કુટીરમાં ફેલાવા લાગ્યું. કુટીરની બહાર તો ઠંડું વાતાવરણ જામતું જતું હતું. થોડી વાર થઈ ત્યાં તો ગિરનારી બાબાએ સંતકુટીરમાં પ્રવેશ કરતા જ અભિવાદન કર્યું. ‘જય ગિરનારી’ એમ વિચાર્યું આ હિમાલયમાં ‘જય ગિરનારી’ ક્યાંથી. અહીં તો ‘જય ગંગે’ ‘નમો નારાયણ’ જેવા શબ્દોથી અભિવાદન થાય છે. કોઈ પણ સંત મહાત્માઓને ‘કેમ છો?’ એમ ન પુછાય. તે તે સંપ્રદાયના સાધુ સંતો માટે અભિવાદનના જુદા જુદા શબ્દો હોય છે. નર્મદા ક્ષેત્રમાં ‘હરનર્મદે’ કરીને અભિવાદન કરવામાં આવે તો, ગંગાક્ષેત્રમાં ‘જયગંગા મૈયા કી’. ગિરનારમાં ‘જય ગિરનારી’ તો આબુગિરિમાં ‘નમો નારાયણ’. આપણે જૈન સાધુઓ માટે ‘શાતામાં છો’ કે ‘મત્થએણ વંદામિ’ તો દિગંબર જૈનોમાં ‘નમોસ્તુભ્યમ્’ આદિ જુદા જુદા સંપ્રદાયના જુદાં જુદાં અભિવાદન વચનો હોય. પણ હિન્દુ સાધુને ‘કેમ છો’ એમ તો પુછાય નહીં.
ગિરનારી બાબાનું પ્રતિ અભિવાદન કર્યું. ત્યાં તો બાબાજી કહે ‘अरे बाबाजी! ये चटाई निकाल क्यों दी? रात को सब कुछ ठंडा हो जाएगा, नीचे कुछ बिछाइये, चटाई न चले तो पट्टे भी है।’
અમે કહ્યું ‘અમારી પાસે અમારાં ઉપકરણો છે, તેનો જ ઉપયોગ કરીશું. કદાચ જરૂર પડશે તો ઢાળવાનો ઉપયોગ કરશું. તે પછી ભોજનનું આમંત્રણ આપ્યું, પણ જૈન સાધુ રાત્રિ ભોજન કરે નહીં એ વાત એમને યાદ અપાવી. અમે તો પૂછ્યું ‘बाबाजी! आप तो रहते हो हिमालय में तो गिरनार बाबा के नाम से कैसे?’ તેમણે કહ્યું ‘मैं गुजरात के गिरनार में कई वर्ष रहा हूँ। कुछ वर्ष से यहाँ आया हूँ। गंगा मैया का भजन करता हूँ। आये गये की भक्ति करता हूँ। जब तक हिमालय रहेगा तब तक रहूँगा। बाकी तो मैया की मरजी. आप गुजरात से पैदल चलकर आये हैं। आपकी सेवा करना यानि प्रभु की सेवा करना। आप जैसे साधु इस दुनिया में अब नहीं रहे।’ અમે કહ્યું, ‘हमारे भगवान महावीर स्वामी का यही उपदेश है। उन्होंने यही कहा है – साधुओं! आपको जहाँ भी जाना है पैदल चल कर ही जाना है। वाहन का उपयोग बिलकुल करना नहीं है। साधु छोटे से छोटे व्यक्ति को मार्गदर्शन करेगा। ’ ગિરનારી બાબા કહે”यही तो सबसे अच्छा है, आप पधारे तो आनंद हुआ। आये हो तो दो-चार दिन रुक जाते।’’અમે કહ્યું, ‘बाबाजी! रुकेंगे तो पहुंचेगे कैसे, चारो धाम होकर दिल्ली पहुंचना है।’ બાબાજી કહ્યું तो ठीक है जैसी गंगा मैया की इच्छा! फिर कभी आओ तो दो-चार दिन यहाँ रहना।’ અમે હકારમાં માથું હલાવીને સમ્મતિ આપી, પણ સાધુ જીવન છે કોણ ક્યારે ક્યા સ્થાને વિહાર કરવાનો હોય એ તો કોને ખબર? ભવિષ્ય માટે જેટલું વિચારીએ એવું ન પણ થાય? જેવી દાદાની ઈચ્છા – બાબાજી વિદાય થયા. રૂમની બહાર આવીને જોયું તો આખું વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું. ઘડિયાલમાં ૧૦ વાગવામાં થોડીક મિનિટો બાકી હતી. અહીં તો અંધારું થવાની શરૂઆત જ પોણા આઠ-આઠ વાગે થાય. અમે પ્રતિક્રમણ કરીને આવતી કાલે વિહારની પૂર્વ તૈયારીરૂપ સંથારામાં લંબાવ્યું. હિમાલયની શીળી છાયામાં ક્યારે આ દુનિયાથી પરોક્ષ થઈ જવાયું કંઈ ખબર પડી નહીં.
સાંજે ૭ કિ.મી. વિહાર કરી અને ભંડારી ગેસ્ટહાઉસ આવ્યા. ગેસ્ટહાઉસનો માલિક ભાવિક હતો. તરત રૂમ ખોલી આપી. સાધુના આચારની વાતો સાંભળીને ગળગળો થઈ ગયો. એક પણ પૈસો લીધો નહીં. અને ઉપરથી આમંત્રણ આપ્યું કે પાછા અહીં જ પધારજો. આ હિમાલયને ટકાવી રાખનાર એવા જ તો ઉદારદિલ વ્યક્તિઓ છે. નહીં તો અહીં તો રોજ નાના ભૂકંપ ચાલુ જ છે. રસ્તે ચાલતા ઉપરથી કાંકરા-માટી કે પથ્થરા પડતા હોય ત્યારે ખબર પડી જાય અંદર કંઈક હલચલ થઈ છે.
રસ્તા પર ચાલતા સૌથી વધારે ધ્યાન રાખવું પડે ઉપરથી પડતા પથ્થરોનું. બે-ત્રણ કિ.મી. ચાલીએ ત્યાં પથ્થરો પડતા જોવા મળે. ક્યારેક તો આપણાં ઉપર પડી જાય સાવધાનીથી આગળ વધવાનું. ઉપરથી પથ્થર પડતા હોય ત્યારે બધા યાત્રિકોએ સાથે ચાલવું નહીં. સૌ ૨૦-૨૦ મીટરના અંતરે ચાલે, જેથી કોઈ ઉપર પથ્થર પડતો દેખાય તો તરત જોરથી અવાજ કરે. જેવો અવાજ આવે એટલે દોડવાનું. અમે પણ આ રીતે ધ્યાન રાખતા, ક્યારેક તો એટલો ઝડપથી પથ્થર આવે કે દોડવાનો સમય પણ ન રહે. ૮-૧૦ વાર તો હું પત્થરથી બચી ગયો. હું ચાલતો હોઉં અને માત્ર અડધો ફૂટ પાછળ ‘ધડામ’ કરતો પત્થર પડે. એક ડગલું પણ મોડું થયું હોય તો? વિચાર કરતા જ મનમાં એક લખલખું આવી જાય. નાના નાના પથ્થર માથા ઉપર પડે તો પણ માણસને તમ્મર આવી જાય. આવા મોટા પથ્થર પડે તો તો ‘પથ્થર નીચે અને માણસ ઉપર’. મોટા પથ્થરો એકલા તો આવે જ નહીં એ સાથે નાના નાના પથ્થરને પણ ભેગા લેતા આવે. જાણે પથ્થરોનો નાનકડો વરસાદ. જોકે આંખ કરતાં કાનને વધારે સાવધ રાખવા પડે. આંખો તો રોડ, વાહનો, ઊંડી ખીણનું ધ્યાન રાખે, પણ કાન તો ઉપરથી કોઈ પથ્થર ગગડતો આવતો નથી ને? એનું સતત ધ્યાન રાખે. હિમાલય યાત્રામાં સુરક્ષા માટે આંખ અને કાન આ બન્ને ઈન્દ્રિયો વધુ સતેજ અને સતર્ક જોઈએ. જોકે એ વાત ભૂલવા જેવી નથી હિમાલયમાં આવનારા યાત્રિક ગમે તેટલી તૈયારી કરીને યાત્રા કરતો હોય, પણ કોઈક અદૃશ્ય શક્તિની સહાયતા ન હોય તો આ યાત્રા શક્ય નથી. પહેલા જ દિવસથી અમારી સાથે એવા અણગમતા વિઘ્ન કરતા પ્રસંગો બનતા રહે છે. અમારી યાત્રાને અટકાવવા પ્રયત્ન કરતા કુદરતી વિઘ્નોની વચ્ચે અમે સાવ સાજા નવરા નિશ્ર્ચિંત પણ આગળ વધી રહ્યા છીએ. કારણ કે અમને ખબર છે અમારા હૃદયમાં ‘જેણે’ આ હિમાલય યાત્રા કરવાનો વિચાર મૂક્યો છે તે જ અમને ‘અહીં’ સુધી સુરક્ષિત લાવ્યા છે. અને ‘તેને’ જ અમારી સુરક્ષાની ચિંતા કરવાની છે અને ‘તે’ જ અમારી યાત્રા કરાવશે. અમારે ચિંતા શાની? બીજા દિવસે સમયસર અમે નીકળ્યા,
બાબાજીએ પાછા પધારવાનું આમંત્રણ આપ્યું. અમે આગળ વધ્યા.
હવે જ અમારી ખરેખરી પરીક્ષા હતી. આટલા દિવસ તો રસ્તો સામાન્ય ચઢાણવાળો કે સમતલ આવતો. આજ તો મજા કરાવી દીધી. સતત ઊભું ચઢાણ ૪ કિ.મી. ચાલતા તો હાંફી ગયા. પણ એક વાત હજુ સારી હતી. ગંગા સાંકડી અને ઊંડી થતી ગઈ. મોટા મોટા તોતિંગ પહાડો એકદમ નજીક આવી ગયા. વનસ્પતિ જગત સાવ બદલાઈ ગયું. ગંગનાની પહેલા જે વનસ્પતિઓ જોવા મળી એનાથી સાવ જુદી જ અહીં જોવા મળી અને જાતજાતના ભાતભાતના છોડવા જોવા મળ્યા. ચીડ ઓછા થઈ ગયા છે. ગંગનાનીથી આગળ ચાલતા અંધારું વધી ગયું. એટલે કે પહાડો એટલા પાસે હોય કે માત્ર મધ્યાન્હ સમયે જ સૂર્ય ધરતી પર પધારે બાકી નગશ્રેણીની પાછળ પાછળ ચાલ્યા કરે. ઈશત્શ્યામદ્યુતી સૂર્યની આભમાં સવાર સાંજ ચાલવાનું થતું. એક તરફ અડીખમ ઊભા ઉત્તુંગ પહાડ વચ્ચે નાની-ઊંડી ગંગા, વધારે ઘેરા અવાજે ડુંગરા ગજવતી નીકળતી હતી અને બાજુમાં આ રોડ અમને આગળ વધારી રહ્યો હતો. ૪ કિ.મી. ચાલ્યા પછી ૨ કિ.મી. સતત ઉતરાણ આવ્યું. છેક ગંગાની સાથે માર્ગ એક થઈ ગયો. અમારે ગંગા પાર કરવાની હતી. ગંગા પર પુલ બાંધેલ. એ પાર કરીને પાછું નીચે ઊતરવાનો જાણે બદલો લેતા હોય તે રીતે સતત ૬ કિ.મી. સુધી ઊંચું ચઢાણ ચઢીને એવા તો થાકી ગયા કે જાણે પગ ‘એકી-બેકી’ રમવા લાગ્યા. આગળ તો હવે ચલાય તેમ જ નથી. ત્યાં એક ‘ગંગા દર્શન’ કરીને સ્થાન આવ્યું. ત્યાં જ આજના ડેરા તંબુ નાખ્યા. જોકે આ રેસ્ટ હાઉસ પણ નથી અને રિસોર્ટ પણ નથી. પહેલા કોઈ રોડનું કામ કરનારાઓ માટે પાર્ટીશનના રૂમો બનાવેલા છે તે આજે જેમ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular