Homeએકસ્ટ્રા અફેરભારતના શાસકો પીઓકે લેવાની હિંમત નથી બતાવતા

ભારતના શાસકો પીઓકે લેવાની હિંમત નથી બતાવતા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓને ચૂંટણી વખતે જ પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (ઙજ્ઞઊં) યાદ આવે છે પણ ભારતીય લશ્કર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (ઙજ્ઞઊં)ને ભૂલતું નથી. ચૂંટણી વખતે રાજકારણીઓ ભારતીય લશ્કર પીઓકેને પાચું લેવાના હોંકારાપડકારા કરે છે પણ પછી ઘરે જઈને ગોદડું ઓઢીને સૂઈ જાય છે.
હમણાં હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રચાર વખતે કાંગડામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક રેલીને સંબોધતાં પીઓકેનો મુદ્દો ઉખેળેલો. રાજકીય રેલીમાં કોઈ નેતાના નામના નારા લાગે કે બીજું કંઈ થાય એ બધું સ્ક્રીપ્ટેડ હોય છે. એવી પહેલાંથી લખાયેલી સ્ક્રીપ્ટ પ્રમાણે લોકોએ નારા લગાવેલા કે, હવે પીઓકે પણ ભારતમાં જોઈએ. રાજનાથસિંહે જાણે મોલમાંથી ચોકલેટ લઈ આવવાના હોય એ રીતે કહી દીધું કે, ધીરજ રાખો, બહુ જલદી પીઓકે લઈ લઈશું.
હિમાચલમાં મતદાન પણ પતી ગયું ને રાજનાથ પીઓકેને ભૂલીને ઘરે બેઠા છે પણ ભારતીય લશ્કર નથી ભૂલ્યું. ભારતીય લશ્કરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર કર્યો છે કે, ભારતીય લશ્કર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આંચકી લેવા તેયાર બેઠું છે ને ભારત સરકાર જ્યારે આદેશ આપશે ત્યારે ભારતીય લશ્કર તૂટી પડશે. પીઓકે ભારતનું જ છે ને તેને પાછું લેવાનો ભારતીય સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ભારતીય લશ્કર કેન્દ્ર સરકારના દરેક આદેશના પાલન માટે તૈયાર છે તેથી જ્યારે પણ સરકાર આદેશ આપશે ત્યારે લશ્કર સંપૂર્ણ તૈયારી સાથે તૂટી પડશે એવો હુંકાર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કર્યો છે.
પાકિસ્તાન પીઓકેનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓને મોકલવા કરે છે. પાકિસ્તાન માટે પીઓકે લોંચ પેડ છે અને અત્યારે લોંચ પેડ પર લગભગ ૧૬૦ આતંકી ભારતમાં ઘૂસવા તૈયાર બેઠા છે એવા અહેવાલ છે. બલ્કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જ આ દાવો કર્યો છે. તેમના દાવા પ્રમાણે, ૧૩૦ આતંકીઓ પીર પંજાલની ઉત્તરમાં અને ૩૦ પીર પંજાલની દક્ષિણમાં હાજર છે. પાકિસ્તાને પીઓકેને ગિલગિટ અને બાલ્ટિસ્તાન એમ બે ભાગમાં વહેંચી દીધું છે. બંને ભાગમાં આતંકવાદી કેમ્પ ધમધમે છે.
આ વિસ્તારમાં કુલ ૮૨ પાકિસ્તાની આતંકવાદી અને ૫૩ સ્થાનિક આતંકવાદીઓ છુપાયેલા છે એવો લશ્કરનો દાવો છે. આ પૈકી ૩૫ ટકા યુવાનો ૨૦ વર્ષથી ઓછી ઉંમરના આતંકવાદી છે. આ સિવાય પાકિસ્તાન સતત ડ્રગ્સ મોકલવાની કોશિશ પણ કરી રહ્યું છે અને ભારતીય લશ્કરે કરોડો રૂપિયાની એવી દવાઓ જપ્ત કરી છે કે જે વાસ્તવમાં ડ્રગ્સ છે. પાકિસ્તાન દરરોજ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો કરે છે ને ભારતીય લશ્કર તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવે છે.
અત્યારે ભારતીય લશ્કર આતંકવાદીઓ અને દાણચોરો બંનેને મારી રહ્યું છે તેથી ભારત પર ખતરો નથી પણ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીઓકે પર આક્રમણનો મુદ્દો કેમ છેડવો પડ્યો એ સમજવા જેવું છે. ભારતીય લશ્કર પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યું છે પણ આ રીતે સતત લડાઈ લડવી લશ્કરને ના પરવડે કેમ કે તેમાં ભારતીય જવાનો પણ માર્યા જાય છે. ભારતીય લશ્કરે જંગી પ્રમાણમાં દારૂગોળો ને બીજાં સંશાધનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
આ ઉપરાંત સતત સતર્ક પણ રહેવું પડે છે ને તેના કારણે લશ્કર ને કંટાળો આવી રહ્યો છે. લશ્કરમાં એવી પ્રબળ માન્યતા છે કે, આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવી દેવો જોઈએ અને પીઓકે પર કબજો કરીને કાયમ માટે કંકાસ બંધ કરી દેવો જોઈએ. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આડકતરી રીતે આ જ સૂચન કર્યું છે.
ભારતીય લશ્કરે પહેલાં પણ આ સૂચન કર્યું છે પણ કમનસીબે આપણા શાસકો એ હિંમત બતાવી શકતા નથી. દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સપનું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારતમાં ભેળવીને અખંડ કાશ્મીર પર ભારતનો કબજો કરવાનું હતું. જનરલ રાવતે ભારતના સત્તાધીશોને પીઓકે પર કબજો કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવા બહુ પાણી ચડાવ્યું હતું પણ કમનસીબે તેમના પ્રયત્નો સફળ ના થયા.
જનરલ રાવતે લશ્કરી વડા હતા ત્યારે સંકેત આપી દીધેલો કે, ભારત સરકાર એક ઈશારો કરશે કે તરત ભારતીય લશ્કર ઓપરેશન પાર પાડીને પીઓકેને ભારતમાં ભેળવી દેશે. જનરલ રાવતે સાફ શબ્દોમાં કહેલું કે, આપણી સંસદે વરસો પહેલાં જ સમગ્ર કાશ્મીર ભારતનું છે એવો ઠરાવ કર્યો હતો તેથી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનું જ છે તેમાં કોઈ શંકા નથી. ભારતનું લશ્કર એવું જ માને છે પણ લશ્કર પાસે નિર્ણય લેવાની સત્તા નથી.
ભારતમાં સંસદ સર્વોપરી છે અને ભારતની સંસદ ઈચ્છતી હોય કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારત સાથે ભેળવી દેવાય તો સંસદ અમને માત્ર આદેશ આપે અને ગણતરીના દિવસોમાં પીઓકે પર ભારતનો કબજો હશે. અખંડ કાશ્મીરનું સપનું સાકાર થશે. કમનસીબે આપણા સત્તાધીશો કે સંસદ એ હિંમત ના બતાવી શક્યા.
જનરલ રાવત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ હતા ત્યારે લશ્કરી વડા બનેલા જનરલ મનોજ મુકુંદ નારવણેએ પણ વારંવાર આ વાત કરી હતી. તેમણે તો સતત આતંકવાદ ફેલાવતા પાકિસ્તાની લશ્કરને આડકતરી ચીમકી જ આપી હતી કે, અમે ચૂપ છીએ તેનો અર્થ એવો ના કાઢશો કે અમે કશું કરી શકતા નથી. આ તો અમે શિસ્તમાં બંધાયેલા છીએ તેથી કશું કરતા નથી, બાકી તમને પીંખી નાંખતાં અમને વાર ના લાગે.
જનરલ નારવણેએ આપણા શાસકોને પણ કહેલું કે, તમે હિંમત બતાવો તો પીઓકે પાછું લેવા માટે અમે તૈયાર જ બેઠા છીએ. ભારતના લશ્કરમાં તો પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું મેળવવાની તાકાત છે જ પણ એ માટે જરૂરી લશ્કરી કાર્યવાહી કરવાનો આદેશ આપવાની હિંમત તમારે બતાવવી પડે. તમે એ હિંમત બતાવો ને આદેશ કરો તો અમને જરાય વાર નહીં લાગે.
મોદી સરકર એ વખતે પણ હિંમત નહોતી બતાવી શકી. હવે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફરી એ જ વાત કરી છે ત્યારે મોદી સરકાર શું કરે છે એ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular