દુનિયાના દેશમાં કોરોના વાઈરસનું સક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ચીનમાં કફોડી હાલત છે, ત્યારે નિષ્ણાતોએ કહ્યું છે કે નવા વર્ષમાં પરિસ્થિતિ વધારે વકરી શકે છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોવિડ-19 સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પહેલી જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડ વગેરે છ દેશમાંથી ભારત આવનારા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓને પોતાનો નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. 24મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાંથી આવનારા પ્રવાસીઓમાંથી 2 ટકા રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એના સિવાય એરપોર્ટ પર કોવિડ પ્રોટોકોલનું પાલન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે, જ્યારે એરપોર્ટમાં પ્રવેશ કરનારાનું પણ હેલ્થ અધિકારી દ્વારા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.