Homeવીકએન્ડફરતાં ગગનચુંબી મકાનો

ફરતાં ગગનચુંબી મકાનો

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

વિચાર સારો છે. બહુમાળી મકાનોમાં રહેતા લોકો સમયાંતરે નાટકીય બદલાવ ઈચ્છવા માંડે છે. આવા સમયે જો તેમના આવાસ ચારેદિશામાં એક સપાટી પર જ એક ધરી આસપાસ ૩૬૦ અંશ પર ગોળ ફરતાં થાય તો બદલાવની સાથે રોમાંચ પણ મળે.
બ્રાઝિલના પરાના ક્ષેત્રમાં આ પ્રમાણેનું મકાન સન-૨૦૦૧માં બનાવાયેલું. સ્થપતિ બ્રુનોડે ફ્રાન્કો દ્વારા ડિઝાઈન કરાયેલ આ સ્યુટ વોલાર્ડ નામના મકાનમાં દરેક માળ તેના એલિવેશનના લાંબા પટ્ટામાં પ્રત્યેક મિનિટે આશરે ૬ મીટર જેટલું ફરે છે.
આ ઝડપે આ મકાનના પ્રત્યેક માળને એક ૩૬૦ અંશનું ચક્કર પૂરું કરતાં ૩ કલાક જેટલો સમય લાગે છે. જોકે એમ જણાય છે કે ચક્કર મારવાની આ ઝડપ નિયંત્રિત કરી શકાતી હશે-કારણ કે તે પણ એક પ્રકારનો બદલાવ જ ગણાય. ૧૧ માળના આ ટાવરની આ પ્રકારની ચલિતતાને કારણે તે વિશ્ર્વ વિખ્યાત તો થયેલ છે પણ સાથે સાથે આ પ્રકારની રચના માટે અન્ય ને પ્રેરણા પણ મળી છે.
આ પ્રેરણાને પરિણામે જ, કદાચ સ્થપતિ ડેવિડ ફીશરે સન ૨૦૦૮માં ૪૨૦ મીટર ઊંચા ડાયનેમિક-ચલિત ટાવરની કલ્પના કરી હતી. તેના આ સ્વપ્નને પૂરું કરવા તેણે બધાં જ પાસાંને યોગ્ય રીતે ધ્યાનમાં રાખી ગગનચુંબી ઈમારતની રચના કરી જે સન-૨૦૧૦માં પૂર્ણ કરવાની તેની ગણતરી હતી. પણ કમનસીબે આજની તારીખ સુધી પણ કોઈ બાંધકામ શરૂ નથી થઈ શક્યું, અરે આ બાંધકામ માટે સૂચિત સ્થાન પણ નિર્ધારિત નથી કરાયું. અત્યારે તો એમ જણાય છે કે આ રચનાને મૂર્તિમંત કરવા દુનિયાનો કોઈ વિકાસકર્તા તૈયાર નહીં હોય.
છતાં પણ તેની રચના રસપ્રદ છે. આ વિશ્ર્વનું એવું મકાન હશે કે જે બહુમાળી-ગગનચુંબી હોવા ઉપરાંત તેના ૯૦ પ્રતિશત જેટલા પૂર્જા કોઈ ફેક્ટરીમાં તૈયાર કરાશે. પછી આ પૂર્જાને મકાનના સ્થાને લાવી તેને સાઈટ પર બનાવાયેલ ૧૦ પ્રતિશત માળખાગત ભાગ સાથે જોડી દેવાશે. આ પ્રકારની ગોઠવણથી ૪૨૦ મીટર એટલે ૧૪૦ માળને સમકક્ષ બાંધકામ પ્રમાણમાં ઝડપથી પૂર્ણ થાય અને તેમાં ગુણવત્તા પણ સારી જળવાય.
આ મકાનના ૪૦ જેટલા ફેક્ટરીમાં બનાવાયેલ પૂર્જાની વિવિધ પ્રકારની
સંભવિત ગોઠવણથી આવાસ રચનામાં વૈવિધ્ય પણ આવે. વળી મૂળ માળખાગણ રચના માત્ર ૧૦ પ્રતિશત જ હોવાથી તેમાં ભારવાહક વ્યવસ્થા વધુ અસરકારક પણ બનાવી શકાત.
આ મકાનના વપરાશ તથા રાખરખાવમાં સૂર્ય તથા પવન ઊર્જાનો જ પૂર્ણપણે ઉપયોગ થાય તેવું પ્રાવધાન રખાયું છે. તે ઉપરાંત પણ આ મકાનમાં સર્જાતી ઊર્જા થોડી વધે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે. આ મકાનની રચના એ રીતે સૂચિત કરાઈ છે કે તેમાં ગુરુત્વાકર્ષણના બળ સાથે પવનના દબાણની અસર પણ નહિતર રહે. મુખ્યત્વે આવાસ માટે સૂચિત આ રચનાનું યાંત્રિક પાસું પણ સબળ છે. આટલા ઊંચા મકાનના માળને ધરી સમાન મુખ્ય માળખાની ચારે તરફ ફેરવવા માટે બળ ઉપરાંત યાંત્રિક ચોક્સાઈ પણ જોઈએ. આ બધું ગોઠવણી મુજબ નિર્ધારિત કરવું પડે.
જટિલતા ઘણી છે પણ વિજ્ઞાન અને ઈજનેરી જ્ઞાન સહાયક હોય તો ક્યાંય વાંધો ન આવે તે ઉપરાંત આજનું આઈટી ક્ષેત્ર તો આવા બધા પ્રશ્ર્નોના ઉકેલ માટે જ હોય તેમ જણાય છે.
જે પ્રકારની ગણતરી પાછળ એક જમાનામાં દિવસો જતા રહેતા તે ગણતરી આજના કોમ્પ્યુટરના સોફ્ટવેર મિનિટોમાં પતાવી દે છે અને તે પણ વધુ ચોક્સાઈથી આ ફરતાં ગગનચુંબી સ્થાપત્ય કળા, ઈજનેરી જ્ઞાન તથા કોમ્પ્યુટરની સહાયતાના સમન્વય સમાન છે. આમ તો સ્થાપત્યની રચના પાછળ સ્થિરતા અગત્યની છે. આજે પણ મકાન થોડું પણ ‘હલે’ તો માનવી ગભરાઈ જાય. મકાન જે તે સ્થાને સ્થિર અને મજબૂત હોવું જોઈએ.
સ્થાપત્યની આવી મૂળ જરૂરિયાત સામે આવાં ચલિત મકાનો નવો રોમાંચ ઊભો કરે. આવાં મકાનો સમાજમાં – વ્યક્તિ સમૂહ દ્વારા સ્વીકારાય જતાં હોય છે તેનું મુખ્ય કારણ તેની ચલિતતાનો પ્રકાર અને ઝડપ છે. આ મકાનોના જે તે તળ-ફલોર એ રીતે નથી ફરતા કે જેથી તેમાં કોઈ આંચકા આવે કે અન્ય પ્રકારની મુશ્કેલી ઊભી થાય. આ માળની ફરવાની ઝડપ પણ અતિ નિયંત્રિત હોય છે. આપણને રિવોલ્વિંગ રેસ્ટોરાંનો અનુભવ તો છે જ. આ પ્રકારના રેસ્ટોરાંમાં ખાવાનું પડી જતું નથી કે નથી ઢોળાઈ જતું. અહીં જમવામાં પણ અન્ય કોઈ અગવડતા નથી પડતી. બધું જ જેમનું તેમ વ્યવસ્થિત થયા કરે છે. વેઈટરને પણ કંઈ તકલીફ નથી પડતી. બધું જ એમ જ નિયંત્રણમાં રહે છે. આ પ્રકારની રચનામાં તળની ઝડપ યોગ્ય માત્રામાં રહેતી હોવાથી બહારના બદલાતાં દૃશ્યને માણવાની મઝા રહે છે.
ફરતા ગગનચુંબીની રચનામાં યાંત્રિક ગોઠવણ મહત્ત્વની બની રહે છે અને મકાનની રચના મુખ્યત્વે તેનાથી જ નિર્ધારિત થાય છે. આ રચના જ મકાનનો આકાર તથા પ્રમાણમાપ નક્કી કરે છે એમ કહેવાય. આ યાંત્રિક ગોઠવણ જ માળખાકીય રચનાને પણ ખાસ અસર કરે છે. ઉપયોગિતા પછી તેમાં ગોઠવાતી જાય છે.
આ પ્રોજેક્ટ, ઘણી સંભાવનાઓ હોવા છતાં હજુ શરૂ પણ નથી શક્યો તે બાબત પ્રશ્ર્નો સર્જે છે. શું તેની કિંમત ઈચ્છનીય માત્રા કરતાં ઘણી વધી જાય છે! શું મકાનની મજબૂતાઈ માટે લાંબે ગાળે પ્રશ્ર્નો સર્જાય છે! શું ચલિત-ફરતી રેસ્ટોરાં ચાલે પણ આવાસ માટે આવી રચના ઈચ્છનીય નથી! શું આવી રચનાથી ઊભો થયેલ રોમાંચ ઉપયોગકર્તા માટે લાંબો ન ચાલે તેમ જણાય છે! શું આ પ્રકારની રચનામાં રોકાણને પ્રમાણસર આર્થિક, માનસિક તે સામાજિક વળતર મળવાની સંભાવના માટે પ્રશ્ર્નો છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular