ગીતા-મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે ભગવાનની સર્વની હિતકામનાને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ સર્વ સુખનાં મૂળ સુધી પહોંચવાનું માર્ગદર્શન આપી રહ્યા છે. આ માર્ગદર્શનને વિસ્તારથી સમજીએ.
દુનિયામાં બધી જ વ્યક્તિઓ માટે બધી જ સગવડ-સુવિધા સુલભ નથી, જેમ પ્રત્યેક વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક લાવવો તે સુલભ નથી, દરેક વ્યાપારીને કરોડપતિ થવું તે સુલભ નથી, પ્રત્યેક સંગીતકારને વિશ્ર્વશ્રેષ્ઠ બનવું તે સુલભ નથી તથા દરેક ઉમેદવારને ટિકિટ મળે જ અથવા તો પોતે ચૂંટાય જ તે સુલભ કે સરળ નથી. તમામ વ્યક્તિ માટે કોઈક વસ્તુ સુલભ છે તો કોઈક વસ્તુ પ્રાપ્ત કરવી દુર્લભ છે. હા, દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ બનવું તે દુર્લભ બાબત છે.
દુર્લભતા-સુલભતા વ્યક્તિ વ્યક્તિએ જુદી પણ હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે અતિ ધન કમાઈને ધન્ય થવું, કીર્તિ કમાઈને કૃતકૃત્ય થવું તથા સત્તા પામીને સર્વશ્રેષ્ઠ બનવું વગેરે બધી જ બાબત દુર્લભ માની મનુષ્ય તે માટે પ્રયત્ન કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો ધન દુર્લભ હોત તો સમ્રાટ સિકંદરના ખજાનામાંથી અબજોની મિલકત આપતાં પણ તે સિકંદર મોતના મુખમાંથી ન બચ્યો. આવા શબ્દો જ અત્યારે અસ્તિત્વમાં ન હોત, અનેક પારિતોષિક પ્રાપ્ત કરનાર સંગીતકાર તથા નૃત્યકાર માઈકલ જેક્સનના મુખમાંથી નિરાશાના શબ્દો તથા આખોમાંથી પશ્ર્ચાત્તાપનાં આસું ન સર્યાં હોત.
સત્તામાં જ સંપૂર્ણતા હોત તો નેપોલિયન રાજાનું જીવન એ સુખમાં જ સર્યું હોત. તેના મુખમાંથી ૬ દિવસ પણ મેં સુખના જોયા નથી તેવા ઉદ્ગારો ઉદ્ઘાટિત થયા જ ન હોત. આ પ્રત્યક્ષ ઉદાહરણ આપણે શર્ટના ખિસ્સામાં જ લઈને ફરીએ છીએ, પરંતુ જો આ બધી બાબતોમાંથી સુખ પ્રાપ્ત થાય છે તો વીજળીના ચમકારાની જેમ, પાણીના પરપોટાની જેમ ક્ષણભરમાં જતું પણ રહે છે.
જેમ મૂળમાં પાણી સીંચીએ તો સમગ્ર વૃક્ષ ને પાન, ડાળી કે ફળ-ફૂલ સુધી પહોંચી જાય, તેમ એવી એક વસ્તુ પામવી, જેને પામવાથી બધી જ વસ્તુ પ્રાપ્ત થાય તેને પ્રાપ્ત કરવી દુર્લભ છે. જે સર્વનું કારણ હોય, જેને પામ્યા પછી બીજું કંઈ પામવાનું બાકી રહેતું નથી, જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.
તેમ જણાવતાં ભગવાન શ્રીકૃષ્ણ દસમા અધ્યાયના બીજા શ્ર્લોકમાં અર્જુનને
જણાવે છે કે
नै मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः।
अहमादिहिं देवानां महर्षीणां च सर्वशः॥
અર્થાત્, પરમાત્મા સર્વના કારણ છે. જેને જાણવા અતિ દુર્લભ છે. જે સર્વના કારણ છે. જેણે ભગવાનને જાણ્યા છે તે ધન વગર પણ ધન્ય થયા છે, કીર્તિ વિના પણ કૃતકૃત્ય થયા છે અને સત્તા સિવાય પણ સર્વશ્રેષ્ઠ છે. માટે જ, નિર્ધન હોવા છતાં પરમાત્માને જાણનાર નરસૈયા નરસિંહ મહેતાનાં અને ભક્ત તુકારામનાં ભજનો તથા ગાથા આજે સર્વત્ર ગવાય છે.
રાજરાણી હોવા છતાં, રત્નના ભંડાર હોવા છતાં, મીરાબાઈને મન તો ‘પાયોજી મૈંને રામરતન ધન પાયો’ના પ્રમાણ આજે સર્વત્ર ગુંજે છે. સત્તા ન હોવા છતાં પણ જલારામ કે બાપા બજરંગ દાસની મઢૂલી અને મૂર્તિઓ આશ્રમોમાં તથા ગામોગામ ચોકમાં જોવા મળે છે. અરે સુવિધાના નામે શૂન્ય તથા સૂવા માટે નદીકિનારા ને રેતી અને ઓઢવા માટે ફાટેલી ગોદડી અથવા તો આકાશની સાદડી, ખાવા માટે ભિક્ષા પાત્ર જ હોવા છતાં પણ સ્વામી નિષ્કુળાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી પ્રેમાનંદના મુખેથી આનંદ અને સુખની છોળો ઊઠતી.
ભૂધર મળતાં ભલુ થયું…
પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ…
કંગાલ પણું તો રહ્યું નથી…
કોઈ મા કહેશો કંગાલ…
પ્રેમાનંદ ભયો કૃતારથ,
ગોવિંદ ગોવિંદ ગાયો…
કીધો મારો જન્મ સફળ…
રાજ મારે દિન દિન દિવાળી…
બી.એ.પી.એસ. સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે બધા જ પ્રશ્ર્નોનું સમાધાન તો માત્ર ભગવાન જ છે, તેથી તેઓના જીવનમાં આવેલ દરેક પ્રસંગમાં આનંદ અનુભવાયો છે. પછી એ માન હોય કે અપમાન, સુખ હોય કે દુ:ખ, વ્યવસ્થા હોય કે અવ્યવસ્થા, તેઓએ સદા પરમાત્માનો આનંદ જ અનુભવ્યો છે. માટે જ, આજે વિશ્ર્વ તેમનો શતાબ્દી મહોત્સવ ઊજવવા માટે અતિ ઉત્સાહમાં છે.
આ પ્રમાણો કોઈ પૌરાણિક કાળનાં નહીં, પરંતુ ૨૦મી સદીનાં જ છે. માટે જ પરમાત્માને જાણ્યા પછી ધન્યતા, કૃતાર્થતા અને સર્વશ્રેષ્ઠતાના અનુભવ પ્રત્યક્ષ સિદ્ધ છે. સર્વ કારણ જાણીને મૂળમાં પાણી નાખીએ. જીવનવૃક્ષને ચિરકાળ સુધી વિકસાવવું કે પછી પરમાત્માને ન જાણીને પાંદડે પાણી નાખી જીવનવૃક્ષનું ઉત્થાન સીમિત, ભારે, નિરાશાયુક્ત અને મર્યાદિત રાખવું છે તે પસંદગી પોતાની છે.