લોકલ ટ્રેનના છાપરે બેસીને ટ્રાવેલ કરવાનું યુવકને ભારે પડ્યું, ૨૦ વર્ષનો યુવક ૮૦ ટકાથી વધુ દાઝ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનના રૂફટોપ (છાપર પર ચઢીને) પર ટ્રાવેલ કરવાને કારણે ૨૦ વર્ષનો યુવક ૮૦ ટકાથી વધુ દાઝી ગયો હતો, જ્યારે ટ્રેનસેવા પર પણ અસર પડી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

યુવકની ઓળખ અમન શેખ (૨૦) તરીકે કરવામાં આવી છે, જ્યારે તે જોગેશ્ર્વરી યાર્ડ નજીકનો રહેવાસી છે. લોકલ ટ્રેનના રૂફટોપ પર ટ્રાવેલ કરતી વખતે તે ઓવરહેડ ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટના સંપર્કમાં આવ્યો હતો, પરિણામે એ જ વખતે ગંભીર રીતે દાઝી ગયો હતો. વીજળીનો કરન્ટ લાગ્યા પછી તે ટ્રેક પર પટકાયો હતો. સોમવારે સવારના દસ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, ત્યાર બાદ જોરદાર ધડાકા સાથે યુવક ટ્રેક પર પટકાયો હતો, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

શેખને કઈ રીતે અકસ્માત થયો તે અંગે વિશેષ જાણકારી નથી, પરંતુ કદાચ ટ્રેનની રૂફટોપ પર બેસવાને કારણે અકસ્માતનો ભોગ બન્યો છે. અકસ્માત પછી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તથા લગભગ ૮૦ ટકાથી વધુ દાઝી ગયો છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનો પચીસ હજાર વૉલ્ટના પાવરથી દોડાવાય છે ત્યારે લોકલ ટ્રેનના રૂફટોપ પર બેસીને ટ્રાવેલ કરવાનું જીવલેણસમાન છે, તેથી પ્રશાસન દ્વારા આ મુદ્દે જાગૃતિ કેળવવામાં આવ્યા પછી પણ જો કોઈ ટ્રાવેલ કરે તો તે ફક્ત મોતને આમંત્રણ આપવા સમાન છે, તેથી તેના પર નિયંત્રણ જરૂરી છે, એમ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.