ફિલ્મોમાંથી રોમાન્સ ગાયબ થયો ને વરસાદી ગીતોનો દુષ્કાળ પડ્યો

મેટિની

પૂજા શાહ

છેલ્લે કઈ ફિલ્મ તમે જોઈ જે લવસ્ટોરી હતી…છેલ્લા ઘણા સમયથી ફિલ્મોના વિષયો અલગ થઈ ગયા છે. પશ્ર્ચિમી ફિલ્મોની અસર કહો કે ભારતીય દર્શકોનો બદલાતો રસ કહો, પણ ફિલ્મોના વિષયોમાં છેલ્લા દસેક વર્ષમાં ધરખમ ફેરફારો આવ્યા. હીરો-હીરોઈનનો રોમાન્સ હવે કાં તો દેખાતો જ નથી અને કાં તો સેક્સના રૂપમાં જ દેખાઈ છે. આ સાથે અમુક ખાસ વિષયવસ્તુઓને ચમકાવતી ફિલ્મો, બાયોગ્રાફી પર બનતી ફિલ્મોએ માઝા મૂકી છે. આ સાથે વેબસિરીઝ અને ઓટીટી પ્લેટફોર્મમાં પણ પ્રેમકહાણીઓને ખાસ કંઈ સ્થાન મળતું નથી. આ સાથે હવે સામાજિક જીવનમાં પણ પ્રેમ કે રોમાન્સની વ્યાખ્યા જ ઘણી બદલાઈ ગઈ છે. આથી સ્વાભાવિક રીતે તેની અસર ફિલ્મોમાં જોવા મળશે.
રોમાન્સ તો ગાયબ થયો પણ સાથે સાથે રોમાન્સની ઋતુ વરસાદ પણ ગાયબ થયો ને વરસાદી ગીતો પણ.
એક સમયે વરસાદ ફિલ્મોમાં અને ફિલ્મીસંગીતમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો અને આ વરસાદી ગીતો સાંભળનારને પણ રોમાન્ટિક બનાવી દેતાં. આ ગીતોની ખરી મજા તેનું સંગીત કે ફિલ્માંકન ન હતું, પરંતુ હતા તેને શબ્દો. જેના શબ્દોમાં જ તમને ભીંજવી દેવાની અને તળબોળ કરવાની તાકાત હતી. વરસાદી મૌસમની મજાના, તો વિરહના કે વરસાદ માટે તરસતી તરસી આંખોના એમ વરસાદી ગીતોમાં પણ વિવિધતા હતી.
૬૦થી માંડીને નેવુંના દાયકા સુધીનાં વરસાદી ગીતોની યાદી ઘણી લાંબી છે, પણ દરેક સંગીતપ્રેમીને યાદ રહી જાય તેવાં ગીતો જોઈએ તો બરસાત ફિલ્મનું …બરસાત મે હમસે મિલે…ગીત કર્ણપ્રિય તો છે જ, પણ નાયિકાની નાયક માટેની પ્રતીક્ષા પણ દર્શાવે છે…દેર ના કરના કહીં યે આશ તૂટ જાય, સાંસ છૂટ જાય…વિરહની વેદના વર્ણવે છે તો સલીલ ચૌધરીની સદાબહાર રચના અને શૈલેન્દ્રના શબ્દોથી બનેલું ઓ સજના બરખા બહાર આયી…નાયિકાની આ ઋતુમાં એકલતા બતાવે છે અને નાયકને મળવાની બેચેની. ઐસી રિમઝિમ મેં ઓ સજન પ્યાસે પ્યાસે મેરે નયન તેરે હી ખ્યાબ મેં ખો ગયે…શું શબ્દો ને શું ભાવ. તો આનંદ બક્ષીએ લખેલું રાજેન્દ્રકુમાર અને બબીતાનું રોમાન્ટિક રેઈન સોંગ…રિમઝિમ કે ગીત સાવન ગાયે, હાયે ભીગી ભીગી રાતો મેં, આજે પણ શરીર મનમાં ઉન્માદ જગાવવા કાફી છે. આવું મસ્તીવાળું ગીત એક લડકી ભીગી ભાગી સી…મજરૂહ સુલતાનપુરીની કલમે લખાયું હતું. ગઝલ અને પ્રેમગીતો માટે જાણીતા મજરૂહનું આ ગીત ભારે લોકપ્રિય થયું હતું.
આ બધું કૃત્રિમ રીતે હીરો-હીરોઈન પર વરસતા પાણીને નહીં, પરંતુ દિલખુશ શાયરની કલમમાંથી ટપકતા ઈશ્ક કે રોમાન્સને આભારી છે. મૌશ્મી ચેટરજી અને જિતેન્દ્ર પર ફિલ્માવેલું પ્યાસા સાવનનું સંતોષ આનંદે લખેલું મેઘા રે મેઘા રે, મત પરદેશ જા રે…કે પછી કવિ યોગેશે લખેલું અમિતાભ અને મૌશ્મી પર અલગ અલગ ફિલ્માવેલું રિમઝિમ ગિરે સાવન…કોઈના પણ મદહોશ મનમાં પ્રેમની આગ પ્રગટાવવા કાફી છે. રિમઝિમ ગિરે સાવન…જે લતાના અવાજમાં ગવાયેલું છે તેનું ફિલ્માંકન સાઉથ મુંબઈમાં થયું છે. એક સમયે વરસાદમાં પણ મુંબઈ આહલાદક લાગતું તે જોવું હોય તો આ ગીત અચૂક જોવા જેવું ખરું. આવું જ આનંદ બક્ષીએ લખેલું નટખટ ગીત ફિલ્મ ચૂપકે ચૂપકેનું અબ કે સજન સાવનમે પણ ઘણું લોકપ્રિય થયું હતું. એક ગીત જે ભજવીને અભિનેત્રી સ્મિતા પાટીલને સારું ન હોતું લાગ્યું તે ગીત દર્શકોને ખૂબ ગમ્યું હતું. આજ રપટ જાયે તો હમે ન ઉઠ્ઈયો, અન્જાને લખ્યુું હતું. તો રાખી પર ફિલ્માવેલું કવિ નિરજની કલમથી ટપકેલું મેઘા છાયે આધી રાત બૈરન બન ગઈ નિંદિયા પણ પ્રચલિત થયું હતું.
આ સાથે ડમડમ ડીગા ડીગા, છોટી સી કહાની સે બારીશો કે પાની સે, ભીગી ભીગી રાતો મેં, બાદલ યૂં ગરજતા હૈ, સાવન કા મહિના, મે.. ઘા રે મેઘા તેરા મન તરસા રે, આઈ બરખા બહાર પડે અંગના પુહાર, જેવા અનેક ગીતો ફિલ્મોની સફળતાનો એક ભાગ હતા. હીરો-હીરોઈનની પહેલી મુલાકાત કે પછી પહેલા આલિંગનનું કારણ વરસાદ બનતો. વરસાદ હંમેશાં પ્રેમની પ્રેમની અભિવ્યક્તિની ઋતુ તરીકે ઓળખાય છે. માત્ર ફિલ્મી ગીતકારો જ નહીં, કવિઓ અને સર્જકોએ પોતાના સર્જનમાં ક્યાંકને ક્યાંક આ ઋતુઓની રાણીને નવાઝી જ છે.
ઘણી નવી પરણેલી યુવતીઓએ લગ્નજીવનની શરૂઆતમાં ફિલ્મ રોટી, કપડા ઔર મકાનનું વર્મા મલિકે લખેલું ગીત તેરી દો ટકયાદી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે…ગાયું જ હશે. ઘણા શાસ્ત્રીય સંગીત સાથેના વરસાદી ગીતો પણ છે. કહા સે આયે બદરા-ગીતકાર ઈન્દુ જૈન, ઘર આજા ઘિર આયે બદરા સાવરિયાં-ગીતકાર શૈલેન્દ્ર, ગરજત બસત સાવન આયો રે, જેવા ગીતો એક સમયે ધીમો ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ધીમા અવાજે સાંભળવાની મજા જ કંઈ ઓર હોય છે. આ સાથે અમુક નોનફિલ્મી ગીતોએ પણ લોકોના મોઢે ગવાતા હતા. જગજીતસિંહનું ગાયેલું અલ્લાહ મેઘ દે, પાની દે…કે પછી શુભા મુગ્ગદુલનું અબ કે સાવન ઐસે બરસે અથવા સાવન બીતો જાયે, આજે પણ સંભળાય છે.
ધીમે ધીમે ફિલ્મોમાંથી વરસાદ ઓછો થઈ ગયો. નેવુંના દસકમાં ફિલ્મ ચાંદનીનું ગીતાકાર આનંદ બક્ષીએ લખેલું લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ ખૂબ જ લોકપ્રિય થયું. શિવહરીના સંગીત અને સુરેશ વાડેકરના મખમલી અવાજે સૌને ઝબોળી દીધાં હતા. તે બાદ ૨૧મી સદીમાં જાવેદ અખ્તરે લખેલા
બે ગીતો
લગાન ફિલ્મના ઘનન ઘનન ઘન ઘિર આયે બદરા…ગીતે ધૂમ મચાવી. આર.ડી. બર્મને સંગીતબદ્ધ કરેલા ફિલ્મ ૧૯૪૨ અ લવસ્ટોરીના રીમઝીમ રીમઝીમ રૂમઝૂમ રૂમઝૂમ ગીતે વરસાદમાં મળતા યુવાહૈયાઓની વાત કરી હતી. તે બાદ દિલ તો પાગલ હૈના કોઈ લડકી હૈ જબ લો હસતી હૈ… (આનંદ બક્ષી), ઐશ્વર્યા-અભિષેકની ગુરુનું બરસો રે મેઘા મેઘા-ગુલઝારના લખેલા ગીતો ગમે તેવા હતા. ગુલઝાર સાહેબનું ઈજાઝતના શબ્દો કેમ ભુલાય…એક અકેલી છત્રીમેં જબ આધે આધે ભીગ રહે થે…
રવિના પર ફિલ્માવેલા ટીપ ટીપ બરસા પાની (આનંદ બક્ષી), અક્ષય કુમાર અને કાજોલના યે દિલ્લગી ફિલ્મનું દેખો ઝરા દેખો બરસા કી ઝડી (સમીર) વગેરે ફિલ્મોમાં વરસાદના ગીતોએ સ્થાન મેળવ્યું. આમિર ખાનની ફના ફિલ્મનું યે સાઝિશ યે બુંદો કી કોઈ ખ્વાહીશ હૈ ચુપ ચુપ સી (પ્રસુન જોશી), બાગીનું ઝુલ્ફો સે બાંધ લીયે બાદલ…મેં નાચુ આજ છમ છમ છમ (કુમાર), યે બારીશ કા પાની (અરાફત મહેમૂદ-તનીશ્ક બાગચી) જેવા ગીતો ક્યારેક ક્યારેક એક છુટાછવાયા ઝાંપટાની જેમ આવી જાય છે, પણ તેના શબ્દોમાં હવે એ ભીનાશ ઓછી થઈ ગઈ છે, જે પહેલા હતી. આથી વરસાદ આવે કે તરત જૂના ગીતો યાદ આવી જાય છે. આનું એક કારણ એ પણ છે કે આજની પેઢી અને ખાસ કરીને શહેરી પેઢી વરસાદની ઋતુને માણવાનું જ ચૂકી જાય છે. તેમનો દોષ નથી. શહેરોમાં વરસાદી સિઝનમાં જે હાલાકીનો સામનો કરવો પડે છે તે ગીત-સંગીત તો શું દિવસનો ચૈન અને રાતની ઊંઘ હરામ કરી દેનારો છે. આ સાથે પ્રદુષણને લીધે પહેલો વરસાદ પણ ભારે પડતો હોય છે અને ગંદકીને લીધે બીમારીનો ડર હોય છે. પણ આ બધુ ફિલ્મોને નડતું નથી.
ઋતુઓ, તહેવારો ભારતીય સમાજનો મહત્વનો હિસ્સો છે અને તેને ફિલ્મોમાં જોવી દર્શકોને ગમતી હોય છે. જોકે ફિલ્મી ગીતો સાંભળવા ગમે તો વરસાદનું પોતાનું પણ એક સંગીત છે. ગમે તેટલી ભાગદોડવાળી જિંદગી હોય તેમ છતાં વહેલી સવારે કે શહેર સૂઈ જાય ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં વરસાદનો અવાજ ચાની ચૂસકી સાથે સાંભળજો થાકેલું મન અને શરીર એક અનેરો રોમાંચ અનુભવશે. વરસાદને સંગીત સાથે સંબધ છે એ વાતની પ્રતીતી થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.