Homeવીકએન્ડગાંધીધામ-આદિપુર (કચ્છ)ની સ્થાપનામાં સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની ભૂમિકા

ગાંધીધામ-આદિપુર (કચ્છ)ની સ્થાપનામાં સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની ભૂમિકા

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

અખંડ ભારતના બે ભૌગોલિક ભાગમાં વિભાજન થયું તે અગાઉ સિંધી પ્રજા જે સિંધમાં વસતી હતી. તેમને ભાગલાનો અણસાર ‘ભારત છોડો’ ૧૯૪૨ના આંદોલન વખતે આવી ચૂક્યો હતો. એટલે ત્યારથી હિન્દુ પ્રજાએ સિંધમાંથી ભારત તરફ તથા અન્ય દેશો તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. ૧૯૪૭માં સ્થાનાંતરણની ભારે શરૂઆત થઇ. સરકારે આ સ્થાનાંતરિત -નિરાશ્રિતો માટે ભારતમાં અનેક સ્થળોએ શિબિરો શરૂ કરી હતી. અંગ્રેજ સૈનિકો દ્વારા ખાલી કરવામાં આવેલા સ્થળોએ હિન્દુ પ્રજા (સિંધથી આવેલા)ઓને વસાવવામાં આવ્યા હતા. ૬ માસ સુધી આ લોકોને ભારત સરકાર દ્વારા નિ:શુલ્ક અનાજ, આશ્રય વગેરે પૂરા પાડવામાં આવ્યાં હતાં. જહાજો દ્વારા કરાચીથી મુંબઇ તથા રેલવે દ્વારા મારવાડ અને જોધપુર સુધી અનેક પરિવારોને શિફટ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પ્રતાપરાય મૂલચંદ નાનવાણી નામના એક મોટા ગજાના સિંધી વેપારી અને કૉંગ્રેસ પક્ષના આગેવાને સિંધીઓને ભારતમાં એક સ્થળે વસાવવાનો મનસૂબો બનાવ્યો અને તેમની દીર્ઘદૃષ્ટિ કચ્છ પ્રદેશ પર સ્થિર થઇ તેના મુખ્યત્વે આ કારણો હતાં.
(૧) કચ્છ એ સિંધને અડીને આવેલો પ્રદેશ છે. અને તેની સરહદ સિંધના થરપારકર જિલ્લા સાથે એકદમ જોડાયેલી છે, અને તેના દક્ષિણ ભાગમાં જ છે. માટે ભૌગોલિક પરિસ્થિતિ હવામાન, વાતાવરણ અને જમીન લગભગ સમાન જ છે.
(૨) કચ્છી ભાષા અને સિંધી ભાષામાં ઘણી જ સામ્યતા છે. બન્ને ભગિની ભાષા તરીકે ઓળખાય છે.
(૩) કચ્છ અને સિંધની સંસ્કૃતિ પણ લગભગ સમાન છે.
(૪) કચ્છમાં વિશાળ ભૂમિ પ્રાપ્ય હતી.
(૫) રોજગાર અર્થે કરાચી પોર્ટના વિકલ્પ તરીકે કંડલા પોર્ટને પણ વિકસાવવાનું હતું. કારણકે પશ્ર્ચિમ ભારતમાં કરાચી પોર્ટ પાકિસ્તાનમાં ગયા બાદ આયાત-નિકાસ માટે એક મહાબંદરની ખોટ પડી હતી. માટે કંડલા પોર્ટને વિકસાવવા માટે તેની નજીક એક નગર અને વસતી હોવી અનિવાર્ય હતી માટે કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ને બદલે કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) ની સ્થાપના કરાઇ અને બાદમાં કંડલા પોર્ટ પાંચ વર્ષ પહેલા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટનું (ડીપીટી)નામ કરણ થયું.
આમ કચ્છને પસંદગીની કરવાનાં અનેક સજજડ કારણો હતાં માટે ભાઇ પ્રતાપરાયએ આ કંડલાની નજીક સ્થળની પસંદગી ઉતારીને બાદમાં આ જોડિયા શહેરો ગાંધીધામ-આદિપુર તરીકે વિકસ્યા અને કચ્છના આર્થિક પાટનગર બન્યા અને કંડલા બંદર ભારતનું સૌથી વધુ ટ્રાફિક હેન્ડલ કરનારું મહાબંદર બન્યું તે ખૂબ જ અગત્યની બાબત છે.
શ્રી ભાઇ પ્રતાપરાયે જમીન મેળવવા માટે ગાંધીજી તથા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલશ્રીનો સંપર્ક કર્યો. ત્યારે કચ્છ ‘ક’ વર્ગનું અલગ રાજ્ય હતું. મહારાવ વિજય રાજજીનું કચ્છમાં ત્યારે શાસન હતું. શ્રી પ્રતાપરાયે કચ્છના મહારાવનો સંપર્ક કર્યો અને સિંધીઓના પુન: વર્સન માટે જમીન ફાળવવા માટે વિનંતી કરી. શ્રી મહારાવજીની દરિયાદિલીને પગલે કંડલા અને અંજાર વચ્ચે પડેલી વેરાન અને બંજર જમીનનો ભૂખંડ આશરો ૧૬,૨૦૦ એકર જેટલો ક્ષેત્રફળના વિસ્તારનો કબજો ગાંધીજીના કહેણથી ‘સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન’ (એસઆરસી)ને અપાયો. ૧-૬-૧૯૪૮ના કચ્છ રાજ્યને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. એ સમગ્ર જમીન પછી ભારત સરકારને હસ્તક થઇ ગઇ પછી એમાંથી માત્ર ૨૬૦૦ એકર ક્ષેત્રફળ જમીન એસઆરસી (સિંધુ રિસેટલમેન્ટ કોર્પોેરેશન)ને આપવામાં આવી અને બાકીની જમીન કંડલા પોર્ટ ટ્રસ્ટને સોંપી દેવામાં આવી. શ્રી પ્રતાપરાયનું આયોજન તો અહીં દસ લાખ લોકોેને વસાવવાનું હતું, જો પૂરેપૂરી જમીન મળી જાત, તો એ તેમનું સ્વપ્ન પણ સાકાર થાત. જોકે અત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટ (જેનુંં નવું નામ દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ) ડીપીટી દ્વારા પણ એ જમીનનો વિકાસ ગતિમાં છે, પરંતુ હજુ પણ અવિકસિત જમીન ડીપીટી પાસે ઘણી બધી જ છે. જેને વિકસાવવાની જરૂર છે. એવું ગાંધીધામ-આદીપુરના નગરજનો અને વેપારીઓ ઇચ્છી રહ્યાં છે. જેને લીધે આ શહેરનો વિકાસ થાય અને નગરમાં સુવિધાઓ પણ વિકસિત થાય. શૈક્ષણિક તથા અન્ય હેતુ માટે ડીપીટી જમીન ફાળવે છે, પરંતુ મંદ ગતિએ થાય છે. કંડલા પોર્ટને વિકસાવવાને લીધે મુંબઇ પરનું ભારણ ઘટયું અને કંડલા બંદરનો વિકાસ કરાચી પોર્ટના અભાવમાં થયો તથા સિંધની હિન્દુ પ્રજાને કચ્છમાં સિંધ માતૃભૂમિની લગોલગ વસવાની તક મળી આમેય કચ્છી અને સિંધી એ બે ભાષાના વિદ્વાનો આ બે ભાષાને ભગિની ભાષાના રૂપે જુએ છે.
શરૂઆતમાં સિંધને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ બાડમેર, જેસલમેર તથા કચ્છના બન્ની વિસ્તારને સાંકળીને ‘નૂતન સિંધ’ અલગ રાજ્ય ઊભું કરવાની પણ વિચારણા હતી એ માટે અમુક અગ્રણીઓએ એ વિસ્તારોની મુલાકાતો પણ લીધી હતી પણ કેટલાંક રાજકીય કારણોસર એ શક્ય ન બન્યું અને સિંધી પ્રજા ભારતનાં અનેક શહેરોમાં વિખરાઇ ગઇ, એનો કેટલોક ભાગ કચ્છમાં પણ સ્થાઇ થઇ રહ્યો છે. ગાંધીધામ-આદિપુર એ સિંધી પ્રજા માટે બીજી માતૃભૂમિ અથવા માદરે વતન છે.
ગાંધીધામ-આદિપુરની પ્રજાના જે રહેણાંક કે ધંધા-રોજગારનાં મકાનો કે પ્લોટ છે. તે જમીન ૯૯ વર્ષની લીઝ પર છે. એટલે કે ભાડા પટ્ટા પર છે. ૧૯૫૭માં આ લીઝની ડીડ બનાવાઇ હતી. એટલે કે ફ્રી-હોલ્ડ જમીન નથી. હવે આ જમીનનો અમુક રકમ લઇને ફ્રી હોલ્ડ કરવાની કાર્યવાહી સરકાર દ્વારા શરૂ કરાઇ છે. જમીન પ્લોટ માટે એસઆરસી એ શેયર બહાર પાડયા હતા આ શેયર હોલ્ડર ને ચોક્કસ પ્રકાર અને આકારના રહેણાંક-મકાનો ફાળવવામાં આવ્યાં અને ગાંધીધામ આદિપુરને વસાવવા માટે એસઆરસીએ જહેમત ઊઠાવી.
એસઆરસીની સ્થાપનાથી લઇને ૧૯૫૮ સુધી જયાં સુધી શ્રીભાઇ પ્રતાપરાય એમ.ડી.ના પદ પર રહ્યા હતા. તેમણે ગાંધીધામનો હાર્દ વિસ્તાર સરદાર ગંજ તથા આદિપુરના મુખ્ય વિસ્તારની જમીનનો વિકાસ કરીને મકાનો-દુકાનોનું નિર્માણ કરાવી જરૂરિયાતમંદ નિરાશ્રિતોને યથાશક્તિ ભાડા પર અને ભાડા ખરીદ યોજના અંતર્ગત આપી દીધા. લોકોને પગભર કરવા માટે તેમને સસ્તાદરે લોન (ધિરાણ) આપવા ગાંધીધામ કો-ઓપરેટિવ બૅંકની સ્થાપના પણ કરી હતી.
આમ એસઆરસીનો મુખ્ય ઉદ્દેશ ગાંધીધામ-આદિપુરને વસાવવા નો હતો અને તે માટે તેઓ કટીબદ્ધ હતા. અનેક ઉતાર -ચઢાવ વચ્ચે પણ આ સંસ્થાના પ્રયાસો સંનિષ્ઠ રહ્યા.
ત્રીજો અને અંતિમ ભાગ ગાંધીધામ-આદિપુર નગરની રચના બાંધણી અને મકાનોના નામકરણ પર જોઇશું. (ક્રમશ)
પૂરક માહિતી શ્રી પ્રો. રમેશ લુહાણા

RELATED ARTICLES

Most Popular