Homeરોજ બરોજઅમેરિકાની મધ્યસત્ર ચૂંટણી: બાઇડેન કાળના લેખાંજોખાં, ટ્રમ્પના નવા ધોખા

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી: બાઇડેન કાળના લેખાંજોખાં, ટ્રમ્પના નવા ધોખા

રોજ બરોજ -અભિમન્યુ મોદી

વિશ્ર્વના દરેક ખૂણે ચૂંટણીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાત-હિમાચલ પર જીત મેળવવા ભારતમાં રેવડીની રાજનીતિ થાય છે તો ઈઝરાયલમાં પક્ષ પલટાના પ્રતાપે બેન્જામિન નેતન્યાહુએ ઝૂલતા પુલની દુર્ઘટનાના દસમે દિવસે પ્રધાનમંત્રીપદના શપથ લીધા. ફિનલેન્ડમાં દિવાળીના તહેવારો દરમિયાન પેટા ચૂંટણીમાં વિરોધીઓના દાવાનળને ઠંડો પાડીને પીએમ સના મારીના સત્તા સ્થાને યથાવત છે, ઇમરાન અને શાહબાઝ વચ્ચે પાકિસ્તાનના કાયદે આઝમ બનવાની નવી રમત શરૂ થઈ છે, ચીનમાં તો જિનપિંગે દુનિયાથી આગળ રહેવાની લ્હાયમાં કાળી ચૌદશના દિવસે ચૂંટણી યોજીને સત્તા હસ્તગત કરી લીધી. જગત આખું જો આંતરિક રાજકરણમાં રચ્યું પચ્યું હોય તો જગત જમાદાર અમેરિકા કઈ રીતે શાંત રહે. ગત સપ્તાહે અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણી યોજાઈ.
અમેરિક્ધસ અત્યંત ચીકણા એટલે ચૂંટણી કરવામાં ચીકાશ ન કરે!, અમેરિકામાં ભાજપ, કૉંગ્રેસ, આપ, બસપા, એનસીપી જેવો રાજકીય પક્ષોનો શંભુમેળો નથી. ત્યાં માત્ર બે જ પાર્ટી છે.રિપબ્લિક પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી.
યુએસમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની કુલ સંખ્યા ૪૩૫ છે. આ ઉપરાંત તેમાં છ નોન વોટિંગ મેમ્બર્સ પણ હોય છે. બહુમતી માટે ૨૧૮ સભ્યોની જરૂર પડે. હાલ ડેમોક્રેટ્સની સંખ્યા ૨૨૦ અને રિપબ્લિક્ધસની સંખ્યા ૨૧૮ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ નાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેની દર બે વર્ષે ચૂંટણી થાય છે. સેનેટની કુલ સંખ્યા ૧૦૦ સભ્યની છે. ભારતના રાજ્યસભાના સભ્યની જેમ સેનેટરનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. તેમને ચૂંટવાની સાયકલ એવી છે કે દર ત્રણ વર્ષે ૩૩થી ૩૫ સભ્યો નિવૃત્ત થાય અને દર બે વર્ષે નવા સભ્યની ચૂંટણી થાય. એટલે કે દર બે વર્ષે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તમામ ૪૩૫ સભ્ય અને સેનેટના ૩૨થી ૩૫ સભ્યની ચૂંટણી થાય છે, જેને મિડ ટર્મ એટલે કે મધ્યસ્થ કે મધ્યવર્તી ચૂંટણી કહેવામાં આવે છે. આ ચૂંટણીમાં લોકો પ્રમુખ અને સરકારની બે વર્ષની કામગીરીના લેખાંજોખાં કરીને મતદાન કરે છે.
આ પદ્ધતિના કારણે દરેક પ્રમુખે તેના અડધા કાર્યકાળ બાદ લોકો સમક્ષ જવું પડે છે. તેના આધારે રાષ્ટ્રપતિના મધ્યસત્રની ચૂંટણી યોજાઈ તેની સાથે વિપક્ષ પણ આ ચૂંટણીમાં ઝંપલાવે તો વિપક્ષને વધુ મત મળ્યા તો તુરંત તખ્તાપલટ થઈ જાય અને સતારૂઢ પાર્ટી ચૂંટણી જીતી ગઈ તો ૨૦૨૪ની ચૂંટણીમાં પણ તેને જ જીત મળે છે. ચૂંટણીનું પરિણામ શું આવશે એ તો સમય જ બતાવશે પણ અમેરિકા ગાડા યુગ અને ઇલેક્ટ્રોનિક બાઈક વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.
બાઈડેન વિશ્ર્વ સમક્ષ એવો દંભ કરે છે કે અમેરિકા મોર્ડન છે, આધુનિક છે, ટેકનોલોજીને તેના તળિયે રાખીને કામ કરે છે પણ ચૂંટણી પ્રક્રિયામાં હજુ સુધી નવીનીકરણ આવ્યું નથી. અમેરિકામાં ઇ-મેલ, બેલેટ પેપર અને વિવીપેટ ત્રણેય માધ્યમો દ્વારા મતદાન થાય છે. આવી છે અમેરિકાની આધુનિકતા! જ્યાં યુવા મતદારો સ્માર્ટફોનમાં મત આપે અને ઘરડા મતદારો બેલેટ પેપરમાં થપ્પા મારે!, આ એક નહિ આવા તો અનેક મુદ્દાઓ છે જેના કારણે મધ્યસત્ર ચૂંટણી વિશ્ર્વના ધ્યાનમાં આવી છે.
અમેરિકામાં એવા જૂજ પ્રેસિડેન્ટ છે જેમણે કારમી હાર પામ્યા બાદ પણ ફરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય. ટ્રમ્પ તેમાં છેલ્લા ક્રમે આવે છે. તેમની સમૂળગી કારકિર્દી દરમિયાન સત્તાનો નશો તેમને એટલી હદે રહ્યો છે કે હારી ગયા બાદ પણ તેને ટેક્સ ચુકવવામાં બળ પડતું હતું. બે માસ પૂર્વે તેના બંગલામાં એફબીઆઈની રેડ પડી ત્યારે સરકારના મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા છતાં ટ્રમ્પ છડેચોક સરકારને અપશબ્દો કહી રહ્યા હતા.
ટ્રમ્પનું હજુ પણ રિપબ્લિકન પાર્ટી પર જોરદાર વર્ચસ્વ છે. ટ્રમ્પ હજુય અત્યંત સક્રિય છે અને ૨૦૨૪ની અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા મચી પડયા છે. રિપબ્લિકન પાર્ટી માટે અત્યારે પણ ટ્રમ્પ જ ટ્રમ્પ કાર્ડ છે કેમ કે મોટા ભાગનું ફંડ ટ્રમ્પ જ લઈ આવે છે. રિપબ્લિકન પાર્ટીને મળતા ફંડમાંથી પચાસ ટકાથી વધારે ફંડ ટ્રમ્પના ફંડ રેઈઝિંગ કાર્યક્રમોમાંથી આવે છે. ટ્રમ્પ અમેરિકામાં સતત સભાઓ તથા કાર્યક્રમો કર્યા કરે છે. ટ્રમ્પ દાવો કરે છે કે, ૨૦૨૦ની ચૂંટણીમાં પોતાને ખોટી રીતે હરાવવામાં આવ્યો હતો. મતદાનમાં ગરબડ કરીને જો બાઈડન જીત્યા હતા. રિપબ્લિકન પાર્ટી અત્યારે આ મુદ્દા પર જ મચી પડી છે.
ટ્રમ્પનું વર્ચસ્વ અને સક્રિયતા જોતાં ૨૦૨૪માં ફરી પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવે એવી પૂરી શક્યતા છે.પોતાને હરાવવા કાવતરું થયું હોવાના મુદ્દે લોકોની સહાનુભૂતિ જીતીને ફરી પ્રમુખ બનવાના ટ્રમ્પના મનસૂબા છે.
જો કે બાઈડેન પણ હાર માની લે તેવા નથી.જો બાઈડને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચાર વખતે લોકોને રેવડી આપેલી કે, પોતે પ્રેસિડેન્ટ બનશે તો પેલ ગ્રાન્ટ સ્કીમની સ્ટુડન્ટ લોન માફ કરી દેશે. પ્રેસિડેન્ટ બની ગયા પછી લાંબા સમય સુધી તેમણે માફી યોજના જાહેર ના કરતાં અમેરિકનો ઊંચાનીચા થવા લાગેલા. બાઈડન બોલેલું ભૂલી ગયા એવી ટીકાઓ પણ થવા લાગેલી. પણ મધ્યસત્રની ચૂંટણી જાહેર થાય તેના એક મહિના પહેલા જ બાઈડને લોન માફી જાહેર કરીને આ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી.
બાઈડન સરકારે ‘સ્ટુડન્ટ લોન ફરગિવનેસ પ્રોગ્રામ’ એટલે કે વિદ્યાર્થી લોનમાં માફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ જે અમેરિકનોએ અભ્યાસ માટે લોન લીધી છે તેમને લોનની રકમમાં માફી મળશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ પૂરું કર્યા પછી નોકરી કે બીજાં કામ કરી રહ્યા છે તેમને લોન માફીનો લાભ મળશે. આ માફી યોજનામાં જેની આવક વાર્ષિક ૧.૨૫ લાખ ડૉલરથી ઓછી હશે તેમની લોનમાંથી ૧૦ હજાર ડૉલર ઓછા કરી દેવાશે.
દાખલા તરીકે કોઈની વાર્ષિક આવક ૧.૨૫ લાખ ડોલરથી વધારે છે તો સમગ્ર પરિવારની આવકના આધારે પણ માફી યોજનાનો લાભ લઈ શકાશે. એવા કેસમાં પરિવારની વાર્ષિક આવક ૨.૫૦ લાખ ડૉલર હશે તો ૧૦ હજાર ડોલરની રકમ માફ થઈ જશે. ઘણા કિસ્સામાં પતિ અને પત્ની બંને લોન લઈને ભણ્યાં હોય છે. નોકરી મળે પછી બંને લોનના હપ્તા ભરતાં હોય છે. બંનેમાંથી એકની આવક ૧.૨૫ લાખ ડૉલરથી વધારે હોય પણ બીજાની ઓછી હોય ને બંનેની આવક ૨.૫૦ લાખ ડૉલરથી વધતી ના હોય તેમને આ લાભ મળશે.
અમેરિકામાં સરકાર પોતે જ પેલ ગ્રાન્ટ સ્કીમ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને વિના વ્યાજની સ્ટુડન્ટ લોન આપે છે તેથી સરકાર પોતે જ આ રકમ માંડવાળ કરી દેશે. અમેરિકામાં લગભગ ૪ કરોડ વિદ્યાર્થી આ રીતે પેલ ગ્રાન્ટ લઈને ભણ્યા છે તેથી એક સાથે ૪ કરોડ લોકોને આ માફીનો લાભ મળશે.
જો કે, આ મુદ્દે તો બાઇડેન બચી ગયા, પરંતુ અન્ય રેવડીનું શુ? ચૂંટણીના પ્રચારમાં શરૂઆતમાં મોંઘવારી, ફુગાવો, ગેસના ભાવમાં વધારો, ઇમિગ્રન્ટ્સ, ખુલ્લી સરહદો તેમજ વધતા જતા ક્રાઈમ રેટ જેવા મુદ્દા છવાયેલા હતા. પરિણામે દેખીતી રીતે જ બાઇડન બેકફૂટ પર આવી ગયા હતા પણ બાદમાં ગર્ભપાતના અધિકારો નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ચિત્ર પલટાઈ ગયું હતું. હવે બાઇડેનના સોગઠા અને ટ્રમ્પના ટ્રમ્પ કાર્ડનો દારો મદાર મતદારોના નિર્ણય પર રહેલો છે. અમેરિક્ધસ દરેક મુદા ચકાસશે અને બન્ને પાર્ટીનાં પ્રવચનો પર નહિ પરાક્રમો પર નજર કરશે ત્યારે જોવાનું રહેશે કે જગત જમાદારનું સિંહાસન કોના ફાળે જશે. ઉ

RELATED ARTICLES

Most Popular