રોજ બરોજ – અભિમન્યુ મોદી
નેપાળના રાજકારણમાં રવિવારનો દિવસ અત્યંત નાટકીય રહ્યો હતો. બપોર સુધીમાં નેપાળી કૉંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા વડા પ્રધાન બને એ સ્પષ્ટ હતું. પણ સાંજ સુધીમાં સ્થિતિ બદલાઈ ગઇ. ભારત સમર્થક નેપાળી કૉંગ્રેસ સાથે ગઠબંધન કરનાર સીપીએન માઓવાદીના વડા પુષ્પકમલ દહલ પ્રચંડે ચીનના સમર્થક અને કેપી શર્મા ઓલી સાથે હાથ મિલાવીને વડા પ્રધાન બની ગયા. દરેકની ગણતરી ખોટી પડી કારણ કે પુષ્પકમલ ભારત તરફી છે અને ઓલી ચીન તરફી આજે તો ‘હિન્દી ચીની’ ભાઈ-ભાઈ જેવા ઘાટ ઘડાયા છે.
ભારત અને નેપાળના સંબંધોમાં છેલ્લા ૫ વર્ષથી ખટાશ આવી છે. નેપાળ ૨૦૨૦થી ગાણું ગાતું આવ્યું છે કે, ‘વુહાનમાં કોરોના જન્મ્યો જ નથી’ જો કે કોઈએ નેપાળને આવો પશ્ર્ન કોઈએ પૂછ્યો ન હતો છતાં ચીન સાથેના સંબંધો દ્રઢ કરવા નેપાળના પૂર્વ પ્રમુખ કેપી શર્મા ઓલી જ્યાં મોકો મળે ત્યાં ચીનની પ્રશંસા કરી દેતા અને દવાઓ તથા વેક્સિનની જરૂર પડે એટલે ‘નમો’નો સંપર્ક કરે. નફ્ફટ શબ્દને પણ પૂર્વ પ્રમુખ ઓલી એ રાજકીય ધૂરા પર ચરિતાર્થ કર્યો હતો. તેમણે ભારત પર નેપાળની સરહદમાં અતિક્રમણનો આરોપ મૂક્યા બાદ અયોધ્યાને નેપાળમાં જોડી દીધું અને શ્રીરામના જન્મ પર પ્રશ્ર્નો ઉત્પન્ન કર્યા. ભારત સાથે વૈશ્ર્વિક સ્તરે વિવાદ થયો એટલે ઓલી ચૂપ થઈ ગયા પરંતુ બીજી લહેરમાં કોરોનાના વધતા વ્યાપથી કંટાળીને નેપાળના સરકારી તંત્રએ વેક્સિન માટે જગતભરની પ્રદક્ષિણા કરી લીધી. છતાં પાંચીયું પણ ન મળ્યું. ચીન પાસે તો જવાઈ એવું હતું જ નહીં અંતે ભારત પાસે મદદ મંગાવી પડે ત્યારે સોશિયલ મીડિયા પર ઓલીની ભારે ધોલાઈ થઈ હતી. તેની આ રાજરમતનું પરિણામ નેપાળની ચૂંટણી પર પડ્યું.
નેપાળમાં ગત તારીખ ૨૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાઇ. પરિણામો આવ્યા ત્યારે ખબર પડી કે મતદારોએ ચૂંટણીમાં પોતાનો રોષ ઠાલવ્યો છે. એક પણ પક્ષ એવો ન હતો જેના નેતાનું રાજતિલક કરી શકાય. એટલે ગઠબંધન સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નહીં. રાજ્કીય પક્ષો અંદરોઅંદર તડજોડ કરતા રહ્યા પરંતુ માથાકૂટ અને મારામારી જેવી ગંભીર ઘટનાઓ સામે આવી. ચૂંટણીને જીતવા રાજકારણ કરવું પડે પરંતુ બંગાળની જેમ યુદ્ધ ફાટી નીકળે તો ક્યાં જવું! અંતે નેપાળના રાષ્ટ્રપતિ વિધાદેવી ભંડારીએ રાજકીય પક્ષોને ક્રિસમસ સુધીમાં ગઠબંધની સરકાર રચવાનું અલ્ટીમેટમ આપી દીધું. રાષ્ટ્રપતિના આદેશ બાદ ફરીથી ગઠબંધનની ગતિવિધિઓ તેજ થઇ છે! સૌથી મોટો સવાલ એ છે હતો, વડા પ્રધાન કોણ બનશે? જે કોઇ વડા પ્રધાન બનશે એ ભારત તરફી હશે કે ચીન તરફી?
ચૂંટણી ચાલતી હતી ત્યારે ઓલીએ ભારત વિરોધી ઝેર ઓકીને જાહેરાત કરી હતી કે જો તેમની જીત થશે તો કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરા નેપાળ ભારત પાસેથી પરત મેળવી લેશે. ૨૦૨૦માં ભારત સરકારે માન સરોવર જતો નવો માર્ગ ખુલ્લો મૂક્યો હતો. એ વખતે ઓલી વડા પ્રધાન હતા. તેણે એવો આક્ષેપ કર્યો હતો કે, ભારતે નેપાળના વિસ્તારોમાં નવો માર્ગ બનાવ્યો છે. ભારત જેને પોતાના કહે છે એ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરા નેપાળના છે. જગત જાણતું હતું કે આ બધું ચીનના ઈશારે થાય છે પરંતુ હસ્તક્ષેપ કોણ કરે? ચૂંટણી પ્રચાર દરમિયાન પુષ્પકમલ ઓલીની ટીકા કરતા હતા અને ભારત સાથે સુમેળભર્યા સંબધો યથાવત રાખવાની જાહેરાત કરતા હતા. રાજકીય રોટલા શેકવા બન્ને એક તો થઈ ગયા પરંતુ વિચારો એક થશે? નેપાળની પ્રજાને તો ઓલી આંખના કણાની જેમ ખટકે છે.
નેપાળમાં લોકશાહીનો આરંભ થયો એ પહેલાનો આખો દાયકો આંતરવિગ્રહમાં વેડફાયો. રાજાશાહીના અંત પછી નેપાળ સતત રાજનૈતિક વિસંગતતાઓથી ઘેરાયેલું રહ્યું છે. ઓલી વિરુદ્ધ જનાક્રોશ એટલે છે કે ૨૦૧૫માં સરકારે નવું સંવિધાન બનાવું પડ્યું. તેને અનુસાર નવી સરકાર બની હતી પણ તેને રાજકીય સ્થિરતા ન જ મળી. સત્તામાં રહેલા રાજકીય પક્ષના પોતાના અગણિત મતભેદોએ તેને લઘુમતીમાં લાવીને રાખી દીધી. આ સત્ય દુનિયા જાણે છે, પણ નેપાળી વડાપ્રધાન ઓલી આ સત્ય સ્વીકારવાના મૂડમાં ન હતા. તારીખ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ તેમણે સંસદનું નિચલું ગૃહ બરખાસ્ત કરવાની માંગણી મૂકી. અધૂરામાં પૂરું, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ તે માંગણીનો સ્વીકાર પણ કર્યો. વિપક્ષોએ તેના વિરુદ્ધ અરજી કરી જેને કારણે ગત ૨૩ ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિનો એ નિર્ણય ઉલટાવી દીધો. પરિણામ એ આવ્યું કે સંસદનું સત્ર શરૂ થયું ત્યારે ૧૦ મેના રોજ ઓલીની સરકાર સદનમાં વિશ્ર્વાસનો મત મેળવી ન શકી. અને શેર બહાદુર દેઉબા વડા પ્રધાન બન્યા હતા. તેમના ચેલા કહો કે અંગત મિત્ર પુષ્પકમલ દહલ પ્રચંડ પડછાયાની જેમ દેઉબાની સાથે રહેતા. આ ચૂંટણી પણ દેઉબા અને ઓલી વિરુદ્ધ હતી. પરંતુ રાજકારણ ક્યાં કોઈનું સગું થયું છે તો દેઉબાનું થાય! ૨૪ ડિસેમ્બર સુધી તેઓ વીન-વીન કન્ડિશનમાં હતા અને ક્રિસમસની સવારે પુષ્પકમલે ઓલી સાથે ગઠબંધન કરી નાખ્યું.
આજે નેપાળનો એક સમુદાય એવો છે જે નેપાળને ભારત સાથે જોડવા માંગે છે અને બીજી વર્ગ નેપાળમાં રાજશાહીની સ્થાપના કરવા માંગે છે. આવા વિરોધ અને ઉગ્ર મથામણ વચ્ચે પુષ્પકમલ દહલ પ્રચંડ પ્રમુખ બન્યા છે. પ્રથમ તો તેમણે ચીન સાથેની ઓલીના મૈત્રીભાવને અટકાવવો પડશે. ચીન ભારતના તમામ પાડોશીને કોઇ પણ ભોગે પોતાની નજીક રાખવા માટે ધમપછાડા કરતું રહ્યું છે. કોઇ મદદ ન માગે તો પણ ચીન સામે ચાલીને પહોંચી જાય છે. આવું કરવા પાછળ ચીનની મુરાદ સમજી શકાય એવી છે. એશિયામાં ભારતનું વર્ચસ્વ વધે તો ચીનને પેટમાં ચૂંક ઊપડે છે. પોતાને ત્યાં ઢગલામોઢે બનતી વસ્તુઓને ઠાલવવા ચીનને બજારની જરૂર છે. ચીન પોતાનો સારો-નરસો બધો જ સામાન બીજા દેશોમાં ડમ્પ કરે છે. નેપાળે કંઇ ગુમાવવાનું નથી, એને તો જે આપે એ વહાલું. સ્વાર્થ હોય ત્યારે વફાદારીઓ દાવ પર લાગતી હોય છે.
ચીન એક એવો જ શાહુકાર દેશ છે જ્યાં નેપાળ અને પાકિસ્તાને તો પોતાનું બધું જ મૂકી દીધું છે. ચીનનો પ્લાન આગામી ૧૦૦ વર્ષ સુધી પાકિસ્તાન અને નેપાળની તમામ કૃષિપેદાશોને ઓહિયા કરી જવાનો છે. ઉપરાંત એ બન્ને દેશો એવા તો ચીનના કરજમાં ડૂબેલા છે કે હવે ત્યાં ચીનાઓ કહે રાત તો રાત અને દિવસ તો દિવસ. પાકિસ્તાન અને નેપાળમાં પોતપોતાની ઘડિયાળ હોય પણ એનો સમયનો વર્તમાન કાંટો તો સદાય ચીનના પાટનગર તરફ જ રહ્યો છે. એટલે આજે નેપાળ અને પાકિસ્તાન પાસે પોતાનું કોઈ ભવિષ્ય નથી અને જે છે તે ચીનનું એકલાનું જ ભવિષ્ય છે !
ઓલી અને ઈમરાન ખાને પોતાના રાષ્ટ્રોને ચીનના ખોળે રમતું કરીનેે એવું નુકસાન કર્યું છેે ભારત મદદ કરવા જાય તો સદીઓ વીતેે. હવે નેપાળની પ્રજાએ એ નથી જોવાનું કે એની સરકાર શું કરે છે? એણે એ જોવાનું કે ચીન તેમના તરફ કેટલા ટુંકડા ફેંકે છે. આ આશ્રિતોનું એક ઘોર પતનકારી ઈકોનોમિક્સ છે. રાજા મટીને ગુલામ થવાનો આવો શોખ જે જે દેશોના વડાઓને છે ત્યાં ચીન દોડી જઈને પોતાની શતરંજ પાથરી દે છે. ચીનાઓને હવે ધનશૂન્ય, ભૂખ્યા અને ધરમમાં અંધ દેશોને છેતરવાનું માફક આવી ગયું છે. ચીનના અધિકારીઓ ગયા સપ્તાહે કાબુલ અને કંદહાર પણ જઈ આવ્યા. એમણે લગભગ સત્તરમીવાર તાલિબાન સમક્ષ વ્યાપારની દરખાસ્ત મૂકી છે. એશિયાને ચાઈનેશિયા બનાવવા માટે ચીન કદી પણ થાકવાનું નથી. ઓલી તો ચીનના પોપટ છે. તેના મુખમાં ચીનનું અભિમંત્રિત જળ છે. આજે પણ તે ભારત સાથે શત્રુતાની ભાષામાં જ વાત કરે છે.
રાજાશાહીમાંથી લોકશાહીમાં પ્રવેશ્યા બાદ નેપાળની છેલ્લા દોઢ દાયકાની રાજકીય યાત્રા ઘણી ખાડા-ટેકરા વાળી રહી છે. પરદા પાછળથી દોરી સંચાર કરવાની મલિન મુરાદ ધરાવતા ચીને જે કેટલાક રાજનેતાઓને દાણા નાંખીને પોતાને પીંજરે પૂર્યા છે તેઓ તો ચીન નચાવે એમ નાચીને એમની માતૃભૂમિની ઘોર ખોદી રહ્યા છે. એવામાં પુષ્પકમલ દહલ પ્રચંડ આશાનું કિરણ બની શકે છે. નેપાળની એક પરંપરા રહી છે. દેશમાં કોઇ પણ વડા પ્રધાન બને પછી સૌથી પહેલી વિદેશયાત્રા ભારતની કરે છે. ત્યારે જોવાનું રહેશે કે પુષ્પકમલ ચીન સાથે દોસ્તી તોડશે કે ભારતના પ્રવાસે આવીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવશે! ઉ