રોજ બરોજ – અભિમન્યુ મોદી
પ્રજા અને રાષ્ટ્રનો વિકાસ શેમાં થાય? ગુલામી કે આઝાદીમાં? મલેશિયામાં તો બન્ને પ્રકારે પ્રજાનો વિકાસ અને વિસ્તાર થાય છે. ચીનને પણ ટક્કર આપે તેવી અટપટી ચૂંટણી પ્રક્રિયા અને જેલમાં સબડ્યા બાદ પણ ગુનેગારોને રાજકારણમાં સર્વોચ્ચ સ્થાન મળે તેવી ગોઠવણી મલેશિયાના સત્તાઘીશોએ કરી છે. કુદરતે મલેશિયાને પુષ્કળ પેદાશો અને પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે. અહીં કોલસો, ખનિજતેલ, કુદરતી વાયુ તથા બોક્સાઇટ, કલાઈ, સોનું, લોહ, મેંગેનીઝ, ઍન્ટિમની, પારો, તાંબું વગેરે ખનિજો મળે છે. કલાઈના અંદાજિત જથ્થામાં ચીન પછી મલેશિયા ત્રીજે ક્રમ આવે છે. છતાં પાકિસ્તાન સાથે દોસ્તી કર્યા બાદ મલેશિયા તેના સત્તાધીશોની બેજવાબદારી માટે કુખ્યાત બન્યું છે. નીતીશ કુમાર, ઇન્દિરા ગાંધી કે વડા પ્રધાન મોદી ૧૦થી વધુ વર્ષ માટે સત્તા સ્થાને બેસે એટલે મીડિયા તેમને સત્તાલાલચુ કહીને સંબોધે છે, પરંતુ મલેશિયામાં તો ૧૯૮૧થી ૨૦૦૩ સુધી એટેલે કે સળંગ ૪૧ વર્ષ સુધી મહાતિર મોહમ્મદ વડા પ્રધાન પદ પર સત્તારુઢ રહ્યા છે. તેમનો આ રેકોર્ડ વૈશ્ર્વિક રાજકારણમાં કોઈ તોડી શક્યું નથી. છેલ્લે ૨૦૧૮માં તેમણે પુનરપિ વડા પ્રધાન પદ હાંસલ કર્યું એ સમયે તેમની વય ૯૩ વર્ષની હતી. અને તાજેતરમાં ૯૭ વર્ષની જૈફ વયે પણ તેઓ સત્તાકાંક્ષાથી મુક્ત નથી. તેમણે ફરી વડા પ્રધાન પદ માટે ઝપલાવ્યું પરંતુ અનવર ઈબ્રાહિમ સામે હારી ગયા. હાર પામ્યા બાદ પણ તેમણે ભારે તોફાન કર્યા હતા. આ ઉંમરે પણ તેમને પ્રધાનપદની અભિલાષા હોય તો તેમને મન સત્તાલાલસાની પરીભાષા કેવી હશે?
અનવર ઈબ્રાહિમ ભલે મલેશિયાના નવા રાષ્ટ્રપ્રમુખ બન્યા પરંતુ મલેશિયાવાસીઓના જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. પાકિસ્તાન પ્રેરિત મલેશિયામાં નાગરિકોએ ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. ખાસ કરીને મહિલાઓએ પરિધાન અને માથા પરના સ્કાર્ફ પહેરવા અંગે સભાન રહેવું પડે છે. જાહેરાતોમાં પણ સ્ત્રીઓને પગથી માથું ઢંકાઈ તેવા પરિધાન સાથે જ દર્શાવી શકાય. ભારતની જેમ બ્રિટને મલેશિયા પર ૧૩૧ વર્ષ સુધી શાસન કર્યું અને ૩૧મી ઑગસ્ટ ૧૯૫૭ના રોજ મલેશિયાને આઝાદી મળી હતી. છતાં ૬૫ વર્ષથી રાજા શાહનો પરિવાર મલેશિયાની ધુરા સંભાળે છે. તેમના પ્રપોત્ર અહેમદ સુલતાન અબ્દુલ્લા શાહ બ્રિટનની જેમ સંસદ ભવનમાં પ્રધાનપદનો વિટો પાવર ધરાવે છે. તેમની ઈચ્છા વિના કોઈ ખરડો પસાર નથી થતો તો પ્રજાનો શું ધૂળ વિકાસ થાય? અને હવે નવા પ્રમુખ પણ કોઈ બન્યા ‘અનવર ઇબ્રાહિમ’ જેમના પર સરકારી નાણાંની હેરાફેરી અને પોતાની સેક્રેટરીનું જાતીય શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા, કોર્ટે તેમને એક દાયકાથી વધુ સમય સુધી કારાવાસમાં કેદ કરવાની સજા ફટકારી હતી. તેમનું વર્ચસ્વ કેટલું મજબુત હશે કે જેલની બહાર નીકળ્યા અને સીધા પ્રધાનપદના દાવેદાર બની ગયા.
મલેશિયાના સંસદ ભવનમાં કુલ ૨૨૨ બેઠક છે. ચૂંટણી જીતવા ૧૧૨ બેઠકો જોઈએ. ભારતની જેમ મલેશિયામાં પણ સ્થાનિક પક્ષોનો શંભુમેળો છે. છતાં આ વખતે ખુલ્લી જંગ અનવર ઇબ્રાહિમ અને મહાતિર મોહમ્મદ વચ્ચે હતી. બન્નેએ ટચુકડા પક્ષોને પોતાના તાબે કરીને ગઠબંધનની સરકાર રચવાનો કારસો ઘડ્યો હતો. પરિણામ આવ્યું ત્યારે ગઠબંધન યુક્ત અનવર ઇબ્રાહિમને ૮૨ બેઠકો જ મળી તુરંત રાજાએ પોતાના વિટો પાવરના શસ્ત્રને ઉગામ્યું અને અનવરને નવા પ્રધાનમંત્રી બનાવવાની તરફેણમાં મત આપ્યો. એક મતની કિંમત કેટલી મહત્ત્વની છે તેના પર ચર્ચા કરવી અસ્થાને છે. મલેશિયામાં ચૂંટણી કેમ થઈ તેનું ગણિત પણ રસપ્રદ છે.
મલેશિયામાં વર્ષ ૨૦૧૮થી રાજકીય ઊથલપાથલ ચાલી રહી હતી. ૨૦૧૮માં જયારે મહાતિરે સત્તા સંભાળી તેના એક મહિના બાદ તેના મંત્રી મંડળમાં બળવાની દુર્ગંધ પ્રસરી ગઈ હતી. ઘરના ઉછાછળા બનેલા નેતાઓને મહાતિર શાંત કરે ત્યાં તો વૈશ્ર્વિક સ્તરે તેમની ટીકાઓ થવા માંડી. ટીકાનું મુખ્યકારણ પાકિસ્તાન સાથેની મિત્રતા જવાબદાર હતી. મહાતિર મલેશિયાના વડા પ્રધાન બન્યા તેના ત્રણ મહિના બાદ પાકિસ્તાનમાં પણ સત્તા પરિવર્તન થયું હતું. ઇમરાન ખાન પાકિસ્તાનના કાયદે આઝમ બન્યા હતા. વડા પ્રધાન મહાતિરે આવતા વેંત જ પાકિસ્તાનની નજીક જવાનું શરૂ કરી દીધું. ભારતે જયારે કાશ્મીરને મળેલો વિશેષ દરજજો હટાવીને કાશ્મીર અને લદાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા ત્યારે પાકિસ્તાન સાથે મલેશિયા પણ કાશ્મીર મુદ્દે આગ ઓકી રહ્યું હતું. ભારતે જયારે નાગરિકતા સુધારણાનો કાયદો અમલમાં મૂક્યો ત્યારે મહાતિરે ભારતની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે તેવા વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. તેમના મંત્રીઓએ આ નિવેદનને ઢાલ બનાવીને બળવો કર્યો અને નજીબ રઝાકને વડા પ્રધાન બનવાવાની તરફેણ સંસદ ભવનમાં કરી.
નાગરિકતા પર કરેલા ભારત વિરોધી વલણને કારણે મલેશિયાને કોઈ ફાયદો તો ન થયો ઉલટું ભારત સરકારે મલેશિયન પામોલિનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. એ સમયે ભારત મલેશિયન ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. તેના કારણે મલેશિયાની પામોલિન સંબંધિત અર્થવ્યવસ્થા ભાંગી પડી. ત્યારથી ભારત અને મલેશિયાના સંબંધોનો અંત આવી ગયો. મહાતિરએ ભૂલી ગયા હતા કે મલેશિયન ઈકોનોમીમાં ભારતનું દાયકાઓથી કેટલું મોટું યોગદાન છે. જનતા પણ મહાતિરને ધિક્કારવા લાગી. છતાં સત્તા લાલસામાં અંધ બનેલા મહાતિર તેમની પાકિસ્તાન તરફી વફાદારી નિભવતા રહ્યા. ભારત સાથેના સંબંધો કડવા થયા પછી મલેશિયન સરકારે ચીન સાથે પણ પાકિસ્તાન જેટલી જ નિકટતા કેળવી પણ તેનાથી એમના વ્યાપારને કોઈ ફાયદો થયો નહિ. અંતે ક્ષુબ્ધચિત્તે મહાતિરે રાજીનામુ આપી
દીધું હતું અને નજીબ રઝાક પીએમ બન્યા. તો પછી રઝાક આઉટ
કેમ થયા?
વિશ્ર્વ ડોનાલ્ડ ટ્રમ્પને અઠંગ ખેલાડી માને છે, પરંતુ મહાતિર રાજનીતિના ચાણક્ય છે. તેમણે રાજીનામું આપ્યા બાદ પગવાળીને બેસવા કરતા નજીબ રઝાકના કૌભાંડો શોધવાનું શરૂ કરી દીધું. ૨૦૨૦માં રઝાક વિરુદ્ધ અબજો ડોલરના કૌભાંડની વિગતો લઈને આવ્યા, કોર્ટ કેસ ચાલ્યો અને નજીબને ૧૨ વર્ષની સજા થઈ છે. એ વખતે અનવર ઇબ્રાહિમ વડા પ્રધાન બનવા હવાતિયાં મારી રહ્યા હતા પરંતુ તેમની પાર્ટીના કેટલાક નેતાઓ મહાતિરના પક્ષમાં સામેલ થઈ ગયા હતા. એટલે જીત તેમનાથી છેટી રહી ગઈ. કોરોનાના આગમન બાદ ચૂંટણી પાછી ઠેલાતી ગઈ અને હાલ ૭૫ વર્ષીય અનવર ઇબ્રાહિમ રાજાની કૃપાદર્ષ્ટિથી પ્રધાનમંત્રી બની ગયા છે.
મલેશિયન પ્રજા પાકિસ્તાનનો સખત વિરોધ કરે છે. મલેશિયાના વ્યાપાર અને વાણિજ્યમાં ભારતીય મૂળના લોકો છવાયેલા છે. ભારતીય અને ચીની મૂળના લોકોની જનસંખ્યા ચાલીસ ટકા જેટલી છે. એટલે મૂળ મલેશિયન નાગરિકો ઈચ્છતા હતા કે મલય લોકો માટે વિશેષાધિકાર આપતા અલગ કાયદાઓ ઘડવામાં આવે. વર્ષોથી સત્તાધીશો આ માંગ પ્રત્યે દુર્લક્ષતા દાખવે છે. આજે મલેશિયાની વિદેશનીતિ તાડના ઝાડ પર લટકતા પ્રવાસી જેવી જ છે. મલેશિયામાં હાલ બધા જ સેક્ટરમાં મંદીની શરૂઆત થઈ છે. હવે કોરોનાને દેખા દીધા એટલે પ્રવાસનનો તો ખાત્મો બોલી જશે અને ભારત તરફની બધી નિકાસો અટકી જતા પામોલિન સહિતના અન્ય ક્ષેત્રોમાં સન્નાટો વ્યાપી ગયો છે. પાકિસ્તાનની દોસ્તીએ મલેશિયાને થોડા સમયગાળામાં જ બે દાયકા પાછળ ધકેલી દીધું છે.
અનવર ઇબ્રાહિમ પર મલેશિયન પ્રજાને બહુ વિશ્ર્વાસ નથી. ગંભીર ગુનાઓના છાંટા આજે પણ તેમના મસ્તક પર ઉડે છે. અનવરની પાસે ચોતરફના પડકારો છે જેને પહોંચી વળવાનું કામ હવે સહેલું નથી. ત્યારે જોવાનું રહેશે કે મલેશિયાનું અટપુટ રાજકારણ પાકિસ્તાનને ફળશે કે ભારતને નડશે! ઉ