રોજ બરોજ -અભિમન્યુ મોદી
આર્જેન્ટિનાએ રોમાંચક મેચ રમી ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને ૩૬ વર્ષ પછી ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છતાં ભારતમાં તેની ચર્ચા લેશ માત્ર નથી થઈ. ચર્ચા તો બંગાળમાં યોજાયેલા કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચને જાહેરમંચ પર આપેલા નિવેદનની થઈ રહી છે. રાજકારણમાં કડવા અનુભવો થયા બાદ ભાગ્યેજ બચ્ચન રાજકારણ અંગે પોતાના વિચારો જાહેરમાં કે મીડિયા સમક્ષ રજૂ કરતા હતા. મોદી-બચ્ચનની મિત્રતા પણ પ્રખ્યાત છે. ‘ખુશ્બૂ ગુજરાત કી’ની એડ દરમિયાન પણ બચ્ચનને ભાજપ તરફથી રાષ્ટ્રીય ચહેરો બનાવાની ઓફર મળી હતી પરંતુ બચ્ચને હંસતે મોઢે તેને ઠુકરાવી દીધી હતી. હવે ૮૦ વર્ષની જૈફ વયે ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોની ચર્ચા કરવાને બદલે તેમણે ભારતના સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરતા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા બચી છે કે નહીં તેનો મુદ્દો શરૂ થઇ ગયો. ભારતમાં આજે બે જ ચર્ચા થાય છે. દીપિકાની નારંગી બિકીની અને અભિવ્યક્તિની આઝાદી.
ભારતના નાગરિકો જાહેરમાં થૂંકી શકે, જાહેરમાં લઘુશંકા કરી શકે, રસ્તા પર કચરો હક્કથી ફેંકી શકે, રોંગ સાઇડમાં વાહન ચલાવી શકે, કાન ફાડી નાખે તેવા હોર્ન વગાડી શકે અને પાડોશીને બ્લડપ્રેશર વધી જાય એટલા અવાજથી લાઉડસ્પીકર વગાડી શકે. તહેવારોમાં તમામ નિયમોને નેવે મૂકીને મોજ કરી શકે અને સિવિક સેન્સ પર પાનની લાલચોળ લાળની પિચકારી, ઓફિસના દાદરાના ખૂણામાં મારતા હોય એટલી સાહજિકતાથી મારી શકે છતાં તેમને બોલવાની, લખવાની કે તેના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા નથી? અત્યારે તો વિચાર પર પ્રતિબંધ હોય એવું વિચારતાં પણ હસવું આવે. ભારતમાં આજે કોઇપણ વિચારને કોઇપણ માણસ તરતો મૂકી શકે, રજૂ કરી શકે. વિચારમાં સત્વ હોય તો તે સ્વીકૃત પણ થાય છે. આજે સની લિયોની પણ પોતાના અલગ વિચારો રજૂ કરી શકે છે. કાશ્મીરના યુવાનોના અલગ વિચારોને કચડી નાખવામાં આવતા નથી, અને આંધ્રના નાગરિકો અલગ તેલંગાણા રાજ્ય માગી શકે છે. રાજ અને ઉદ્ધવ ઠાકરે, નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર, માયાવતી કે મમતા જેટલી છૂટથી વિચારો રજૂ કરી શકે એટલી જ છૂટથી અમદાવાદ કે વડોદરા કે સુરત કે રાજકોટનો કોઇ કોલેજિયન યુવાન પણ કરી શકે છે.
ત્રણ, ચાર કે પાંચ દાયકા પહેલાં કોઇ વિચારી પણ નહોતું શકતું કે છોકરી એકલી રહી શકે. લગ્ન કર્યા વગર, હસબન્ડ નહીં, પાર્ટનર સાથે જીવી શકે. લિવ ઇન રિલેશનશિપને કાનૂની માન્યતા મળે. સામંતશાહીથી માંડીને આઝાદી પછીના કેટલાક સમય સુધી માનસિક સંકુચિતતા એટલી હતી કે આવી સ્વતંત્રતાને સ્વચ્છંદતા ગણવામાં આવતી હતી. સંબંધ આજે ઝડપથી કાપી શકાય છે. જુનો મોબાઇલ ફેંકી દઇએ એટલી જ સાહજિકતાથી, એટલી જ સરળતાથી મિત્રને છોડી શકીએ છીએ, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બદલાઇ શકે છે. માતા-પિતાને છોડી શકાય છે, પરિવારને છોડીને અલગ રહેવા જઇ શકાય છે. છૂટાછેડા વધ્યા છે અને પ્રક્રિયાને વધુ સરળ પણ બનાવાઇ છે. ડિટેચ થવાનું સ્વાતંત્ર્ય વધ્યું છે, સરળતા વધી છે. છતાં બચ્ચનને લાગે છે કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી?
પ્રથમ એ વિચારવા જેવું છે કે બચ્ચન જે ભૂમિ પરથી અભિવ્યક્તિની વાત કરે છે શું ત્યાં નિવેદન આપવાની સ્વતંત્રતા છે? પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે જે ધમાસાણ જંગ ખેલાય છે તેમાં અનેક નિર્દોષ લોકો હોમાય છે. દર વખતે વ્યાકુળ, ખિન્ન, પરેશાન, હતાશ અને ઊગ્ર બનેલા મમતા બેનર્જી ઉતાવળે પોલીસને લાઠી ચાર્જનો આદેશ આપી દે અને પછી હિંસાનું દાવાનળ ફાટી નીકળે છે. બંગાળની રાજકીય હિંસા વર્ષો જૂની છે પણ રાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાતી નથી. મમતા બેનર્જી અને ડાબેરીઓ લડયા કરતા એ તરફ દેશનું ધ્યાન નહોતું જતું કેમ કે એ વખતે મીડિયાનો આવો વ્યાપ નહોતો. મીડિયાનો પ્રભાવ વધ્યો પછી નંદીગ્રામ ને સિંગુરમાં મમતા બેનર્જી અને ડાબેરીઓ વચ્ચે જામેલા જંગ અને ગુંડાગીરીની વાતો બહાર આવી. મમતા દીદીએ ગુંડાગીરીમાં ડાબેરીઓને પછાડયા પછી થોડો સમય શાંતિ રહી પણ ભાજપે બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા કમર કસી એ સાથે જ દીદી ફરી અસલી રંગમાં આવી ગયા હતા. મમતાદીદીને આ વારસો બંગાળના રાજકારણીઓ પાસેથી મળ્યો છે.
બંગાળ અંગ્રેજો સામેની હિંસક લડતનું મુખ્ય કેન્દ્ર હતું. આઝાદી બાદ સામ્યવાદીઓએ સત્તા મેળવવા યુનિયન પ્રવૃત્તિના નામે ગુંડાગીરી શરૂ કરતાં. તેના જોરે સત્તા મળી પછી સત્તા ટકાવવા નકસલવાદને પોસ્યો. નકસલોએ રાજકીય ચળવળના નામે હત્યાઓ કરી ને લૂંટ ચલાવી, સરકાર સામે શો પણ ઉઠાવ્યાં. કાયદાની ઐસીતૈસી કરીને કોઈની હત્યા કરી નાંખવામાં પણ તેમને છોછ નહોતો. મમતા દીદીએ ડાબેરીઓને તેમની જ ગોળી ગળાવીને પછાડયા પછી ગુંડાગીરી તેમની આદત જ બની ગઈ છે. યથા રાજા તથા પ્રજા એ હિસાબે તૃણમૂલના કાર્યકરો મમતાના રસ્તે ચાલે છે ને મમતા દીદી આંખ આડા કાન કરીને તેમને પોષે છે.
કેરળ અને બંગાળ દેશમાં સૌથી શિક્ષિત રાજ્યો ગણાય છે છતાં હિંસાનું પ્રમાણ કેમ વધારે છે? રાજકીય હિંસામાં બંને રાજ્યો ટોપ પર છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં અપરાધી વધારે હોવાની માન્યતા છે પણ કેરળ અને બંગાળ જેટલી રાજકીય હિંસા બીજા કોઈ રાજ્યમાં થતી નથી. ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં નકસલવાદના કારણે મોટા પ્રમાણમાં રાજકીય હત્યાઓ થાય છે પણ સામાન્ય લોકો રાજકીય હિંસામાં સામેલ હોય તેનું પ્રમાણ બંગાળ અને કેરળમાં વધારે છે. મોટેભાગે પોતાના પ્રિય નેતા વિરુદ્ધ કોઈપણ પ્રકારની કમેન્ટ થાય એટલે બંને રાજ્યોમાં મારામારી અને હિંસાનો માહોલ સર્જાય તો અભિવ્યક્તિની આઝાદીનો ભંગ ક્યાં રાજ્યમાં થાય છે? શું મહાનાયકને બંગાળની રાજકીય પૃષ્ઠભૂમિનો ખ્યાલ નહીં હોય? કે તેઓ મમતા દીદીના રાજકારણનો હાથો બની રહ્યા છે?
એ તો સૌ જાણે જ છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં મોદીને મ્હાત આપવા વિપક્ષ તમામ મોરચે એક થઈને લડત આપવાનો છે. ભાજપને સત્તાભ્રષ્ટ કરવા માટે દરેક રાજ્યમાંથી વિરોધનો સુર ઉઠ્યો છે. એકબીજા સામે ઝેર ઓકવામાં કોઈ કસર નહીં છોડતા વિપક્ષો આજે મોદી વિરુદ્ધ એક જ કૂલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. આ વિપક્ષી શંભુમેળાનું સુકાન ભલે નીતીશ કુમાર સાંભળવાના હોય પરંતુ દીદી પોતાના અલાયદા વિચારો થકી જનતાને આકર્ષે છે. વિપક્ષની છાવણીમાં મહાગઠબંધનની વાતો થાય છે, પણ આ ‘મહાગઠબંધન’ જેવો તાગ છે! કોઈ નેતાને બીજા ઉપર ભરોસો નથી! અત્યારે વિપક્ષો દેશને નહિ, પોતાને બચાવવાની ચિંતામાં પડ્યા છે! પાવર પોલિટિક્સ છે – પીપલ્સ પ્રોગ્રેસની ચિંતા નથી!
આવા સંજોગોમાં મહાગઠબંધનનો શંભુમેળો અંધાધૂંધી કરશે એમ નિરીક્ષકો કહે છે. હજી પ્રશ્ર્ન છે કે ચૂંટણી પહેલાં મોરચો-મહાગઠબંધન કરવું? કે ચૂંટણી પછી? કારણ કે લોકસભા ત્રિશંકુ હોય તો ચૂંટણી પહેલાં મોરચાના પક્ષોેએ સમજૂતી કરી હતી કે નહિ? તેના આધારે સરકાર રચવાનું આમંત્રણ મળી શકે. વિપક્ષોની છાવણીમાં હજી આ અંગે સ્પષ્ટતા નથી. કેટલાક પ્રાદેશિક પક્ષો કૉંગ્રેસને બહાર રાખીને ત્રીજો મોરચો ફેડરલ ફ્રન્ટ બનાવવા માગે છે જ્યારે કૉંગ્રેસનો વ્યૂહ એવો છે કે મમતા બેનર્જી તેમની સાથે ભળી જાય. કુદરતી ઘટના પણ એવી જ બની કે પઠાણનો વિરોધ અને બચ્ચનનું નિવેદન બંગાળના તખ્તા પર સામે આવ્યું .બચ્ચનની વાણી વાયરલ થઈ અને શાહરુખ ખાને પણ દાઢમાં વિરોધીઓને જવાબ આપી દીધો એટલે દેશમાં બે મુદ્દા ચર્ચાનું કેન્દ્ર બન્યા. મુદ્દા વગરની રાજનીતિ રાજકીય પક્ષોને ચૂંટણીમાં પરાજયને આપે છે. તો શું બચ્ચનનું નિવેદન બોલ બચ્ચન છે કે મમતા દીદીની રણનીતિ? ઉત્તર તો ભાવિ સંજોગો પર આધારિત છે.