રોજ બરોજ – અભિમન્યુ મોદી
ભારતની લાઇન ઓફ ક્ધટ્રોલ ઉપર તણખા ઝરે એટલે પહેલા પાકિસ્તાન અને પછી ચીનના સૈનિક નજરે ચડે, સત્તા લાલસા માટે પાડોશી રાષ્ટ્રો ભારત પર નજર લગાડી બેઠા છે એ સર્વવિદિત છે. મહાસત્તાઓ વચ્ચે ઉછરી રહેલી કટૂતાએ સગવડિયા ધર્મના દર્શન દુનિયાને કરાવ્યા છે જ્યારે ભારતની ઓળખ વિશ્ર્વમાં શાંત, સહિષ્ણુ અને એકતામાં અખંડિતતાની વિચારધારા ધરાવતા રાષ્ટ્રની છે. દુનિયા સિંધુખીણ સંસ્કૃતિના અવશેષો આધુનિક ભારતમાં જુએ છે, પરંતુ આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ માટે લડે છે!
આઝાદી પૂર્વેના મહારાષ્ટ્રમાં કર્ણાટક અને ગુજરાત બંનેનો સમાવેશ થતો હતો, પરંતુ એકતાની બુનિયાદમાં પોલાણ થયું એટલે ગુજરાત અને કર્ણાટક મહારાષ્ટ્રમાંથી મુક્ત થયા. પાંચ દાયકાની મુક્તિ બાદ પણ મહારાષ્ટ્ર-કર્ણાટકમાં સરહદ માટે સંઘર્ષ યથાવત છે. ૧૮ વર્ષથી બંને રાજ્ય સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા છે. ભારતમાં રાજ્યને સ્વતંત્ર કરવાની પ્રણાલિકામાં જ ભારે છીંડાં છે. વસ્તીની દ્રષ્ટિએ નહિ પરંતુ ભાષાના આધારે જુદાં જુદાં રાજ્યોની રચના થઈ તેણે સીમા ઉલ્લંઘનના બીજ રોપ્યા અને આજે સરહદ વિવાદ દૈત્ય બનીને સ્થાનિક પ્રજાને ઘમરોળે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ નજીક કુલ ૮૧૪ ગામોનો વિવાદ ચાલે છે. બંને રાજ્યની સરકાર ભાષાના આધારે જ કેન્દ્ર પાસેથી ગામની માગણી કરે છે. રાજ્ય પુનર્ગઠન કાયદા અંતર્ગત સ્થાનિક પ્રજાની ભાષા અનુસાર તેનો સમાવેશ અપેક્ષિત રાજ્યમાં કરી શકાય છે. એ મુજબ મહારાષ્ટ્રના સોલાપુર, સાંગલી, સતારા અને અક્કલકોટ ગામની મોટભાગની પ્રજા કન્નડમાં વાત કરે છે જ્યારે કર્ણાટકનું બેલગાવી ગામમાં ૧૦૦% વસ્તી મરાઠાઓની છે. મહારાષ્ટ્રની ઇડી સરકારે અર્થાત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે એક પણ ગામ સોંપવાનો ઇન્કાર કર્યો છે ઊલટું બેલગાવી ગામની સાથે નિપ્પણી અને કારાવાર જેવા આર્થિક સમૃદ્ધ ગામને પણ મહારાષ્ટ્રમાં જોડવાની માગ કરી છે. સામે છેડે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ પણ કન્નડભાષી ગ્રામ્ય પ્રજાને મહારાષ્ટ્રમાંથી મુક્ત કરવા સરકારને મેમોરેન્ડમ આપ્યું છે. સત્તા પરિવર્તન સમયે શિંદે સરકાર વિશે ઘસાતું બોલતા મહાદેવના કાર્યકરો પણ સરહદ વિવાદને સમર્થન આપે છે અને પૂણેમાં કર્ણાટકથી આવતી કાર-બસને રોકીને તેના પર ‘જય મહારાષ્ટ્ર’ લખી નાખે છે. કર્ણાટકમાં આવતી મહારાષ્ટ્રના દરેક સરકારી પરિવહન પર નિયમિત પથ્થરમારો થાય છે એટલે જ મહારાષ્ટ્ર સરકારે સ્ટેટ ટ્રાન્સપોર્ટને કર્ણાટક પર પરિવહન બંધ કરવાની સૂચના આપી દીધી છે. આ વિષમ પરિસ્થિતિ ભારતના માત્ર બે રાજ્યની નથી. ગુજરાત-રાજસ્થાન,આસામ-મિઝોરમ, આસામ-નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ-બિહાર, હિમાચલ પ્રદેશ અને ઓડિશા જેવા દેશનાં ૧૭ રાજ્યમાં પાડોશી રાજ્ય સાથે ભૂમિ વિવાદ આઝાદી કાળથી ચાલતો આવ્યો છે.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી ખેતીલાયક જમીનમાં વાવેતર કરવા માટે ખેડબ્રહ્મા તાલુકાના મથાસરા અને રાજસ્થાનના મહિડા ગામના ખેડૂતો વચ્ચે પેઢી દર પેઢી દુશ્મનાવટ ચાલે છે, આસામ, મિઝોરમ,અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડ વચ્ચે ૨,૭૬૫ કિમી લાંબી સરહદ છે.આસામના ગોલાઘાટ અને જોરહાટ જિલ્લામાં વોખા અને મોકોકચુંગ નામના બે જંગલ આવેલાં છે. તેનાં વૃક્ષો માટે હિંસા થાય છે, ઉત્તર પ્રદેશ-બિહારમાં ગંગા નદીના વહેણ મામલે ૧૦૦ વર્ષથી લોહિયાળ સંઘર્ષ થાય છે. યુપીના બલિયા અને બિહારના ભોજપુર અને રોહતાશ જિલ્લામાં છે. જ્યારે પણ ગંગા નદી પોતાનો પ્રવાહ બદલે છે, ત્યારે નવી અને ખૂબ જ ફળદ્રુપ જમીન ઊભરી આવે છે. એ જમીન અડધી બિહારમાં છે અને બાકીની યુપીમાં છે. ભૂમિની ઊપજ માટે બંને રાજ્યના ખેડૂતો ખાસડાથી લઈને પાવડા યુદ્ધ સુધી પહોંચી જાય છે.
બિહારની જેમ ઉત્તર પ્રદેશનો પણ હરિયાણા સાથે સરહદી વિવાદ છે. અહીં પણ નદીઓના માર્ગમાં ફેરફાર અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઘણી વાર જમીનને લઈને વારંવાર ધરણાં આંદોલન થાય છે, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ સરિયુંને લઈને વિવાદ ચાલે છે, આંધ્રપ્રદેશના મતે સરહદી વિસ્તારનાં ૬૩ ગામોમાં તેલુગુ ભાષી લોકો રહે છે. ઓડિશાને આ દાવા સામે વાંધો છે, પરંતુ સારી વાત એ છે કે આ વિવાદ ક્યારેય હિંસા સુધી પહોંચ્યો નથી.ઓડિશા-ઝારખંડમાં સેરાઇકેલા અને ખરસુઆન ગામના અધિકારને લઈને માથાકૂટ ચાલે છે. ઝારખંડના આ વિસ્તારોમાં ઓડિશાની ભાષા બોલાય છે. સંસ્કૃતિ ઓડિશા સાથે પણ સંકળાયેલી છે, પરંતુ વિસ્તારો ઝારખંડમાં છે. ઓડિશાના બાલાસોર અને મયુરભંજ જિલ્લાનાં કેટલાંક ગામોમાં બંગાળી વસ્તી રહે છે. પશ્ર્ચિમ બંગાળ તેનો દાવો કરે છે, પરંતુ આ વિવાદે તેના પર ક્યારેય અસર કરી નથી. કેરળમાં કાસરગોડને લઈને વિવાદ છે. અહીં વધુ કન્નડ બોલનારાઓ છે. તેમ છતાં, તેને કેરળમાં રાખવામાં આવ્યું છે.
ભારતને આઝાદી બાદ શું મળ્યું? આવો ભૂમિગત વિવાદ? ભારતનું અર્થતંત્ર ભલે પાંચમાં ક્રમે પહોંચી ગયું હોય પણ આંતરરાજ્ય વિવાદ તો ચરમસીમાએ પહોંચ્યા છે. લોકો ભૂમિના ટુકડા માટે રક્તપિપાસુ બનીને પોતાના જ દેશના નાગરિકનું હનન કરવા સુધી પહોંચી ગયા છે. આવું સ્વપ્ન નિહાળ્યું હતું સરદાર પટેલે? આઝાદીના કયા અમૃત મહોત્સવની ઉજવણી થાય છે? આ અમૃત નહિ વિષકાળ છે. જ્યાં સરહદ સંતાપ આપે છે અને ભૂમિ નિર્દોષ લોકોને ગળી રહી છે. આવું કરીને એક રાજ્ય બીજા રાજ્ય કરતાં વિસ્તરી તો જશે પણ વિકસવાનું તો બાકી જ રહેશે. વિસ્તૃત થશે, પરંતુ વિસ્ફ્રુત થવાનું ચૂકી જશે. માર્ગો અનેક હશે પણ કયા માર્ગે જવું તેનું સ્પષ્ટ દર્શન નહિ થાય. દેશની સમગ્ર જનતા આવા વિવાદોમાં ઝૂર્યા કરેશે તો ભારત અંધકારમય વતાવરણમાં શ્ર્વાસ લેશે અને પાકિસ્તાન-ચીન જેવાં રાષ્ટ્રો સ્વાર્થના રોટલા શેકી ભારતની ઘોર ખોદી નાખશે. પછી રહી જશે આ રાખ બનેલી સરહદ; જેના પર રાજ કરવાની કોઈ હિંમત સુધ્ધાં નહિ કરે. આજના વિદ્યાર્થી-યુવાન-ગૃહિણી કે સિનિયર સિટિઝનની હાલત ફાઇવ સ્ટાર હોટલમાં લંચ લેવા જતા માણસ જેવી છે. તેના હાથમાં સરસ મેનૂકાર્ડ મૂકવામાં આવે, તો પણ તેની નજર તો પેલી જાણીતી કઢી-ખીચડી જ શોધતી હોય! જે વાનગી નવી હોય તેનાં નામ વાંચતાં આવડે તો તેની રેસિપી ખબર ન હોય, રેસિપી ખબર હોય તો તે ભાવશે કે નહીં તેમને ખ્યાલ ન હોય એટલે પછી હું એ જ ખીચડી-કઢી મંગાવી લઉં,… પરિણામે હોટલના કૂકે જેને ખાસ પ્રેમથી તૈયાર કરી હોય તે વાનગીના કોઇ લેવાલ ન હોય અને ચૂલે ચઢાવેલી ખીચડીનાં તપેલાં ખાલી થતાં હોય! એ જ રીતે લોકોને આ વિવાદમાં રસ છે સંવાદમાં નહિ. કોઈને ઉકેલ નથી લાવવો બસ ઊકલી જવું છે.
ભલે મહારાષ્ટ્ર-કર્ણાટકમાં અત્યારે વિવાદ ચાલે, પરંતુ તે ટૂંક સમયમાં ભૂલાય જશે. કેમ? કારણ કે ૨૦૨૪માં મહારાષ્ટ્રની અને ૨૦૨૫માં કર્ણાટક વિધાનસભાની આવવાની છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. બંનેમાં ભાજપે કૉંગ્રેસની સરકાર ધ્વસ્ત કરીને ભગવો લહેરાવ્યો છે. કર્ણાટકમાં ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે કૉંગ્રેસે માત્ર ૩૭ બેઠકો જીતનાર જનતાદળ સેક્યુલર સાથે ગઠબંધન કરીને જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ બસવરાજ બોમ્મઇએ અડધી કૉંગ્રેસને ભાજપમાં જોડી સરકાર બનાવી લીધી. આ જ પેટર્નને અપનાવીને ફડણવીસે એકનાથ શિંદેને પોતાની તરફ કરીને શિવસેના સામે બળવો પોકાર્યો, પરિણામ સૌની સામે છે. આવા સમયે જો વાક્યુદ્ધ પણ થાય તો સત્તા હાથમાંથી જતી રહે એટલે બધું શાંત થઈ જશે. પણ અન્ય ૧૭ રાજ્યનું શું?
ભારતની બહુધા પ્રજા આજ સુધી ચીન- પાકિસ્તાનને જ દુશ્મન ગણે છે, પરંતુ હકીકત એ છે કે આવા સરહદ વિવાદે ભારતને આંતરિક નુકસાન કર્યું છે. લોકમાનસના હલકા, તકલાદી અને તકવાદી વિચારોએ અખંડ ભારતને ખંડિત કરી નાખ્યું છે. એક જ પ્રશ્ર્ન ભારતમાતાના મનમાં ઉદ્ભવતો હશે કે આ સીમાવિવાદ ક્યારે અટકશે? ઉ