બ્રિટનની ટ્રસને ટક્કર આપવામાં મૂળ ભારતીય સુનકને તેની સાધુતા નડી ગઈ!

રોજ બરોજ

રોજ બરોજ – અભિમન્યુ મોદી
લિઝ ટ્રસ અને ઋષિ સુનક. છેલ્લા ૩ મહિનાથી બ્રિટનમાં આ બે નામ જ ગુંજતાં હતાં. સામાન્ય રીતે બ્રિટનમાં ચૂંટણી હોય એટલે જગત આખું તેના પર મીટ માંડીને બેસી રહે પણ આ ચૂંટણી ખાસ હતી. જે બ્રિટિશરોએ ભારત પર ૨૦૦ વર્ષ સુધી શાસન કર્યું તેના પર ભારતીય મૂળના એક વ્યક્તિ શાસન કરવા અગ્રેસર થયા હતા. બોરિસ જ્હોન્સના પિંચર કાંડ બાદ ક્ધઝર્વેટિવ પાર્ટીના દરેક સદસ્યોએ ભેગા મળીને બોરિસની સરકારને નેસ્તો નાબૂદ કરી દીધી. જે બાદ ૮ નામ પ્રધાનમંત્રી પદની રેસમાં હતાં. પણ લિઝ ટ્રસ અને ઋષિ સુનક પ્રત્યેક ઉમેદવારોને પાછળ મૂકીને આગળ નીકળી ગયાં. શરૂ શરૂમાં આખું બ્રિટન સુનકના નામે ઓવારણાં લઈ રહ્યું હતું. કારણ કે બ્રિટનમાં રાજનીતિ, સ્પોર્ટ્સ કે ફેશન વર્લ્ડ જેવા દરેક ફિલ્ડમાં ટોપ ઉપર કોણ છે એની ચર્ચા થતી રહે છે. બિહાર અને બ્રિટનની પ્રજા વ્યક્તિપૂજામાં માને છે. જેમ નીતીશકુમાર નીતિઓને નેવે મૂકીને ૮મી વાર મુખ્યમંત્રી બન્યા પછી પણ પ્રજાએ તેમને સ્વીકારી લીધા. એ જ રીતે બ્રિટનમાં ઋષિ સુનક ફાયર બ્રાન્ડ બની ગયા હતા.
જયારે લિઝ ટ્રસ પૈસાદાર પરિવારનું ફરજંદ અને મૂળ તો બ્રિટિશર.. સુનક અને લિઝ ભલે એક પક્ષના નેતાઓ હોય પણ લિઝનું વલણ હંમેશાં બોરિસ તરફી જ રહ્યું હતું. જયારે આખું બ્રિટન બોરિસને પીએમ પદ પરથી હટાવવા માંગતું હતું ત્યારે પણ લિઝ એવું કહેતાં હતાં કે પિંચર કાંડથી તો બોરિસ અજાણ હતા. છતાં બોરીસે તેમના જ પક્ષના સાંસદોનો વિશ્ર્વાસ ગુમાવી દેતાં રાજીનામું આપવું પડ્યું હતું. તે પછી ક્ધઝર્વેટિવ પાર્ટીમાં નવા વડા પ્રધાનને ચૂંટી કાઢવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. ક્ધઝર્વેટિવ પાર્ટીમાં આ ચૂંટણી બે તબક્કે થાય છે. પ્રથમ તબક્કામાં પક્ષના તમામ સાંસદો મતદાન કરે છે. જે ઉમેદવારને સૌથી ઓછા મત મળે તે દોડમાંથી બહાર થતા જાય છે. બે ઉમેદવારો જ ના બચે ત્યાં સુધી આ મતદાન ચાલતું રહે છે. જોન્સને રાજીનામું આપ્યા પછી સાંસદો દ્વારા પ્રથમ રાઉન્ડનું મતદાન કરતાં જેરમી હંટ અને નદીમ જહાવી સ્પર્ધામાંથી બહાર થઇ ગયા હતા. બીજા તબક્કાના મતદાન પછી સુએલા બ્રેવરમેન દોડમાંથી બહાર થયા હતા. તે પછી ટોમ ટુગેડહટ અને કેમી બડેનોચની દાવેદારી પણ ખતમ થઇ હતી. પાંચમા રાઉન્ડમાં પેની મોર્કેટ સ્પર્ધામાંથી બહાર થયા પછી ઋષિ સુનક અને લિઝ ટ્રસ જ મેદાનમાં રહ્યાં હતાં.
ઋષિ સુનક તો બોરિસના વિરોધી હતા એટલે પ્રજાને ગમ્યા અને લિઝ બોરિસના માનીતા એટલે પ્રજાને ખૂંચ્યાં. આ ૩ માસના ગાળામાં ‘રેડી ફોર ઋષિ’ કેમ્પેઈન ચાલવાયું. જેમાં લોકો ઋષિની તસવીર સાથેના ટી-શર્ટ પહેરીને ફરતા અને તેમનું સમર્થન કરતા. એક તબક્કે લોકોના બહોળા પ્રતિસાદથી સુનક પોતાને નેક્સ્ટ પીએમ સમજી બેઠા હતા સુભાષિતકારોએ કહ્યું છે કે નદીના પ્રવાહમાં અચાનક ભેગા થયેલા કાષ્ઠના બે ટુકડાઓ જેવી જ આ જિંદગી છે. જો ધ્યાન નહીં રાખો તો ટુકડાઓ નદીના પ્રવાહમાં અથડાઈને ધ્વસ્ત થઈ જશે. આ ઉક્તિને સુનકે સાર્થક કરી બતાવી. ચૂંટણી પ્રચારમાં તેઓ કેજરીવાલના રેવડી ક્લ્ચરની જેમ પ્રજાને બે મોઢે વાયદા કરી દેતા.., નામાંકિત અખબારના પત્રકારો પણ તેને આકરા પશ્ર્નો પૂછતાં પણ ઋષિ પોતાની સાધુતા દર્શાવી નિખાલસ જવાબ આપી દેતા. તેઓ જવાબ આપવામાં એ વાત ભૂલી જતા કે રાજનીતિમાં નંબર ગેમનું વિશેષ મહત્ત્વ છે. હવે તેઓ પીએમ પદના ઉમેદવાર છે એટલે પત્રકારો તેમના જીવનની એક એક વાતોને પોતાના દૈનિક અખબારમાં પ્રકાશિત કર્યા કરશે. જો કંઈ કાચું કપાઈ ગયું તો બધી મહેનત પાણીમાં જશે. પણ સુનકનું આંતરમન સુન્ન થઈ ગયું હોય તેમ તેઓ પોતાની સંપત્તિની સાથે પત્નીની સંપત્તિને પણ મીડિયાને જણાવતા રહ્યા. અહીંયા તેઓ ભૂલ કરી બેઠા.
લિઝ પાસે ચૂંટણીમાં જીત મેળવવા કોઈ મુદ્દો ન હતો હવે તેમને મુદ્દો મળી ગયો. એ તો સર્વ વિદિત છે કે બ્રિટનના બે લોકપ્રિય અખબાર ‘ધ સન્ડે ટાઈમ્સ’ અને ‘ધ ગાર્ડિયન’ લિઝના સમર્થનમાં હતા. જેવું એ જાહેર થયું કે સુનકની ધર્મપત્ની અક્ષતા પાસે ૪૩૦ લાખ પાઉન્ડની એસેટ્સ છે. એટલે બન્ને અખબારોએ ઋષિ વિરૂદ્ધ કવર સ્ટોરી પ્રકાશિત કરવાનું શરૂ કરી દીધું. ‘ધ સન્ડે ટાઈમ્સ’એ તો એવું પણ લખ્યું કે અક્ષતા બ્રિટનના મહારાણી એલિઝાબેથ કરતા પણ પૈસાદાર અને મોભાદાર છે. બીજી તરફ ‘ધ ગાર્ડિયન’ દ્વારા એવી ન્યુઝ સ્ટોરી પ્રકશિત થઈ કે અક્ષતાની પાસે બ્રિટનની નાગરિકતા નથી છતાં તેઓ બ્રિટનમાં રહે છે. સાથે એવું પણ પૂછ્યું કે, અક્ષતા માત્ર એટલું જણાવે કે તેમણે અત્યાર સુધીમાં બ્રિટિશ સિટિઝનશિપ કેમ ન લીધી? તે અહીંથી ઇન્ફોસીસનો બિઝનેસ તો ઓપરેટ કરે છે, પરંતુ નોન ડોમિસાઈલ સ્ટેટસનો ગેરકાયદે રીતે ફાયદો ઉઠાવીને ટેક્સ ભરવાથી બચી જાય છે. જેનાથી બ્રિટનને ૨૦ લાખ પાઉન્ડનું દર વર્ષે નુકસાન થાય છે. આ લેખમાં સુનક પર આક્ષેપ કરવામાં આવ્યો કે સુનક જ્યારે અમેરિકાથી બ્રિટન આવ્યા ત્યારે તેમણે ત્યાંનું ગ્રીન કાર્ડ સરેન્ડર નહોતું કર્યું. ૨૦૦૬થી ૨૦૦૯ સુધી અમેરિકામાં કામ કરતા રહ્યાં. કેલિફોર્નિયામાં હજુ પણ તેમનું ૫ લાખ પાઉન્ડનું આલીશાન પેન્ટહાઉસ છે.
સતત મોજમાં રહેતા સુનક હવે મૂંઝાયા… ચૂંટણી પ્રચાર માટે જેવા બહાર નીકળતા એ સાથે તેમને પત્રકારોએ ઘેરી લીધા. પોતાના નિખાલસ સ્વાભવને કારણે સુનકે સ્વીકારી લીધું કે, તેઓ બ્રિટનમાં ચાન્સેલર બન્યા તેના ૧૮ મહિના પછી તેમની પાસે અમેરિકી ગ્રીન કાર્ડ હતું. જો કે તેમનો દાવો હતો કે ઓક્ટોબર ૨૦૨૧માં તેઓએ આ સ્ટેટસ પરત કર્યું હતું.
બસ… લિઝ માટે ચૂંટણી જીતવા આટલું સાહિત્ય પ્રર્યાપ્ત હતું. પોતાની દરેક સભામાં પીએમ મોદીની જેમ ટ્રસ સુનક પર સર્જિકલ સ્ટ્રાઇક કરતા. તેઓ કહેતા કે, ઋષિ વિમાસણમાં મુકાયેલી વ્યક્તિ છે. તેમને ગરીબો પર તો ટેક્સનો બોજો નાખી દીધો, પરંતુ પત્ની અક્ષતાને હજુ સુધી ટેક્સના સ્લેબમાં ન લાવી શક્યા. આ ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતું વ્યક્તિત્વ અને ‘નો ટેક્સ સ્કેન્ડલ’ છે. તેના જેવા મંત્રીઓના કારણે જ બ્રિટન ૪૦ વર્ષમાં પહેલી વખત આટલી મોંઘવારી જોવા મળી રહી છે.
સામે પક્ષે સુનક પણ લિઝ ટ્રસની આકરી ટીકા કરતા. તેઓ કહેતા કે ટ્રસે બ્રિટનમાં મોટા પાયે ટેકસ ઘટાડવાનું એલાન કર્યું છે. ટ્રસ ટેક્સ ઘટાડશે તો બ્રિટન બરબાદ થઈ જશે. પણ પ્રજાનું મન, વચન, વાણી અને કર્મ અખબારોમાં છપાયેલા અહેવાલોથી પરિવર્તિત થઈ ગયું હતું. લોકોને સુનકની સાધુતામાં શિયાળના દર્શન થતા હતા. જેની પ્રતીતિ ઓપિનિયન પોલમાં જ થઈ ગઈ હતી. બ્રિટનમાં જે ઓપિનિયન પોલ થયા તેમાં મોટા ભાગના લોકોએ ટ્રસને જ સમર્થન આપ્યું. આ માહિતી મળતા જ લિઝે વંશવાદનું શસ્ત્ર પણ ઉગામ્યું. તેણે પ્રજાના માનસમાં એ વાત ચોંટાડી દીધી કે, સુનકે બોરિસના પીઠ પાછળ ખંજર મારીને તેમને પદભ્રષ્ટ કર્યા છે. જો તેઓ સતા પર આવ્યા તો પ્રજાનું ભલું કઈ રીતે થાય! એક ભારતીય ક્યારેય બ્રિટન પર રાજ ન કરી શકે. આ દેશ બ્રિટિશરોનો છે અને એક બ્રિટિશર જ દેશની ધુરા સાંભળી શકે. ટ્રસને શ્ર્વેત હોવાના કારણે ક્ધઝર્વેટિવ મતદારોમાં નેચરલ સપોર્ટ મળ્યો. દક્ષિણ લંડનના જમણેરી મતદારોને સાધવા ટ્રસે ફાઈનલ રાઉન્ડની મોટા ભાગની સભાઓ ત્યાં જ કરી.
ઓપિનિયન પોલ અને પ્રજાના મતથી સુનકે મનોમન હાર માની લીધી હતી અને ગત ૧૭ ઓગસ્ટના રોજ લિઝ ટ્રસને ટેકો આપવાની તથા સરકારમાં પણ જોડાવાની જાહેરાત કરી દીધી. ‘ધ ગાર્ડિયન’ દ્વારા તેનું એવું અર્થઘટન કરાયું કે, સુનકે ટ્રસને જ પ્રાઈમ મિનિસ્ટર માની લીધા છે અને ચૂંટણી પહેલાં જ શરણાગતિ સ્વીકારી લીધી છે. સુનકની આ સાધુતા વિશે તો શું કહેવું પણ ટ્રસને હવે સ્ટ્રેસ થવા લાગ્યો હતો. તેમને એવી શંકા હતી કે અત્યારે તો સુનક તેમના સમર્થનમાં છે પણ જો સુનક હારી જશે તો બળવો કરી દેશે. એ પોતે સરકારમાં નહીં જોડાય અને સરકારની બહાર રહીને સરકારને ગબડાવવા માટે કાવતરાં કર્યા કરશે. પરંતુ સુનકે બીજે દિવસે એવું પણ જાહેર કરી દીધું લે જો લિઝ વિજેતા થશે તો સુનક તેમને પૂરું સમર્થન આપશે.
બ્રિટનમાં પ્રાઈમ મિનિસ્ટરપદે કોણ આવશે એ માટેની ચૂંટણી પ્રક્રિયામાં છેલ્લો તબક્કો ક્ધઝર્વેટિવ પાર્ટીના સભ્યનું મતદાન છે. આ નિર્ણયમાં કાર્યકરોની કોઈ ભૂમિકા નથી હોતી પણ બ્રિટનમાં કાર્યકરો જ પક્ષના સર્વોચ્ચ નેતાની પસંદગી કરે છે. ક્ધઝર્વેટિવ અને લેબર બંને પાર્ટીમાં આ સિસ્ટમ છે ને બંને પક્ષના કાર્યકરોને કાર્ડ અપાય છે, આ કાર્ડહોલ્ડર્સ મતદાન કરીને કોને પ્રાઈમ મિનિસ્ટર બનાવવા એ નક્કી કરે છે. હવે પ્રજા અને પાર્ટી બન્નેનું પરિણામ તો શિક્ષક દિનના દિવસે સમગ્ર વિશ્ર્વએ નિહાળ્યું અને બ્રિટનને નવા પીએમ તરીકે લિઝ ટ્રસ મળ્યાં.
ઋષિ સુનક જયારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેઓ મંત્રી પદે હતા. હવે કોઈ પદ તેમને મળશે કે નહીં એ યક્ષપ્રશ્ન છે પણ બ્રિટનમાં પીએમ પદનો કંટાળો તાજ લિઝ ટ્રસને ફળશે કે નહીં ! એ તેનાથી મોટો સવાલ છે. કારણ કે ટ્રસે મોંઘવારી ઘટવા માટેનાં ઠાલાં વચનો તો તેમણે આપી દીધા પણ બ્રિટનમાં છેલ્લા ૧૪ વર્ષમાં એક પણ પીએમ મોંઘવરી ઘટાડી શક્યા નથી. તો ટ્રસ શું ચમત્કાર કરશે! તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલ દુનિયાના ૧૮ દેશમાં મહિલાઓનું નેતૃત્વ છે, જેમાં ૧૫ દેશમાં વડાં પ્રધાન અને ત્રણમાં રાષ્ટ્રપતિ છે. ત્યારે જોવાનું રહેશે કે લિઝ ટ્રસ તેમાંથી પોતાની ઓળખ કઈ રીતે ઊભી કરશે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.