Homeરોજ બરોજડિજિટલ કરન્સી ટજ ડિજિટલ ધુતારા: ભારતનો રૂપિયો કેટલો ટકશે?

ડિજિટલ કરન્સી ટજ ડિજિટલ ધુતારા: ભારતનો રૂપિયો કેટલો ટકશે?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

ભારતમાં ડિજિટલ કરન્સીના આગમનની સાથે આશ્ર્ચર્ય અને આઘાતની બે ઘટના બની. એક તરફ ઓનલાઇન પેમેન્ટ કરતા ભારતીયો ખુશ થયા કે સરકારની આ નવી સવલતથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સરળ બનશે. બીજી તરફ દિલ્હી એઈમ્સના મેઈન સર્વરમાં રેન્સમવેર વાઇરસ ઘૂસી ગયો. જોતજોતમાં દર્દીઓની વિગત વેરવિખેર થઈ ગઈ. દિલ્હી પોલીસના સાઇબર સેલની તપાસમાં સામે આવ્યું કે એક હેકરે તેમાં રેન્સમવેર વાઇરસ ઇ-મેઇલ મારફત મોકલ્યો છે.
રેન્સમવેર વાઇરસ કોરોનાથી પણ વધુ જોખમી છે. જે કોમ્પ્યુટરમાં ઘૂસી જતા તેનું સમૂળગું સંચાલન પોતાના હાથમાં લઈ લે છે અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિની જાણ બહાર તેનો ડેટા બહાર મોકલી આપે છે. રેન્સમ એટલે ખંડણી અને તેના પરથી જ તેનું નામ રેન્સમવેર પડ્યું.આ રેન્સમવેર સિસ્ટમમાં ઘૂસી જઈને તમામ ડેટાને ડિક્રીપ્ટ કરે છે એટલે કે તેની સ્થિતિ બદલી નાંખે છે અને તેને કેદ કરી નવો પાસવર્ડ નિર્મિત કરે છે. તેના માધ્યમથી નવા પાસવર્ડના બદલામાં હેકર કરોડોની ખંડણી વસૂલે છે. એવું જ એઇમ્સમાં થયું. દિલ્હી પોલીસના સાઇબર એક્સપર્ટે કેસની ગુંથણી ખોલવા છ દિવસ સુધી પ્રયાસ કર્યા પણ ચોરનું સરનામું મળ્યું જ નહીં. અંતે હેકરે એઇમ્સનો ડેટા પરત કરવા માટેની શરત મૂકી અને બદલમાં ક્રિપ્ટો કરન્સીમાં ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાએ ફરી ભારતની સાઇબર સુરક્ષા પર સવાલ પેદા કર્યા છે!
લોખંડી પુરુષ સરદાર પટેલે દેશી રાજ્યોનું વિલીનીકરણ તો વર્ષો પૂર્વે કરી નાખ્યું છતાં સાઇબર ફ્રોડે આંતરરાજયમાં થતી પોલીસની સ્થૂળ કામગીરીને છતી કરી દીધી છે.ઇન્ટરનેટ નહોતું ત્યારથી લોકોના જીવનમાં લોભ અને લાલચ ખલનાયક બનીને કામ કરે છે. પૈસા કમાવવાની લાલસામાં દૈનિક અનેક લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. ઢગલાંબંધ ફરિયાદ નોંધાઈ છે અને કાર્યવાહીમાં ખાસ્સો સમય વીતી જાય છે. રાજકોટમાં ઓનલાઇન તફડંચી થયાની ફરિયાદ દાખલ થાય તેના ૧૦મા દિવસે ઇન્દોરથી કોઈ હેકરે છેતરપિંડી કરી હોવાની સામે આવે, ૨૦મા દિવસે રાજકોટ પોલીસ ઇન્દોર પહોંચે ત્યાં પેલા ધૂતારાએ પોતાના ઠેકાણા બદલી નાખ્યા હોય એમને એમ દિવસોના દિવસો નીકળી જાય. ઘણા કિસ્સામાં તો ૨-૩ વર્ષે ચોર ઝડપાઇ ત્યાં તો ફરિયાદી પણ પોતાની ફરિયાદને વિસરી ગયા હોય. ખાસ તો સાઇબર ફ્રોડ સામે દરેક રાજ્યોએ એકજ વેવલેન્થ પર કામ કરવું પડશે. આવી આનુષંગિક કામગીરીમાં સમય વ્યતીત કરીને હેકરને નાસવાનો સમય શું કામ આપવો જોઈએ? કાયદાના હાથ લાંબા છે પરંતુ સાઇબર ફ્રોડ સુધી પહોંચતા વાર લાગે છે તે પણ હકીકત છે.
નાણાં બાબતે લાલચ આપતા ફ્રોડ એટલી સિફતથી થાય છે કે લોકોને તેમાં ફરિયાદ કરવાની પણ ઈચ્છા ન થાય. વિશ્ર્વના પ્રત્યેક વ્યક્તિના ફોનમાં એવો મેસેજ તો અચૂક આવે છે કે તેમની બૅન્ક દ્વારા એટીએમના ચાર્જ સ્વરૂપે ૩ રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી કટ કરવામાં આવ્યા છે. ત્રણ રૂપિયા જેવી નજીવી કિંમત માટે કોઈને બેન્કના ધક્કા ખાવા પરવડે તેમ નથી. એટલે લોકો આ વાતને અવગણે છે પરંતુ ચીનના ચબરાક હેકર આ રીતે બૅન્ક એકાઉન્ટમાંથી ટીપુ-ટીપુ ઉલેચીને મોટો દરિયો ભરી લે છે અને લોકોને એ વાતનો અહેસાસ પણ નથી થતો કે તેમના ખાતામાંથી બૅન્ક નહીં પણ એક ભેજાબાજ તેમની જ મહેનતના પૈસા ઉપાડીને ધીરે ધીરે તેમનું એકાઉન્ટ ખાલી કરી રહ્યો છે. તેમાંય જે એકાઉન્ટ વર્ષોથી બંધ છે અને તેમાં લાખો રૂપિયા પડ્યા છે એવા એકાઉન્ટ તો વારંવાર હેકરનો શિકાર બને છે.
એવું નથી કે ભારતમાં હેકરો પડ્યા પાથર્યા રહે છે. જગત જમાદાર અમેરિકામાં પણ કોમ્પ્યુટરની સંપર્કસૂત્ર જાળ એવી છવાયેલી છે કે એ શાળામાં અભ્યાસ કરુતું ટાબરિયું પણ હાઈટેક સિસ્ટમને ભસ્મીભૂત કરી શકે છે. ૨૦૧૮માં ઈરાને ખુલ્લેઆમ સાઇબર હુમલો કરીને જ્યોર્જિયા અને એટલાન્ટાની સરકારમાં ખાનાખરાબી સર્જી દીધી હતી. ત્યારે અમેરિકાના સત્તાધીશોના મનમાં ભય પેસી ગયો હતો કે કોઈ રાષ્ટ્ર આ જ પેટર્નથી તેમના પર હુમલો કરે તો શું થાય? બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન થેરેસા મે પણ મૂંઝવણમાં મુકાયા હતા.
બ્રિટન-અમેરિકામાં કેશલેસ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધુ છે. તેનો ગેરફાયદો પણ દુશ્મન દેશ ઉઠાવી શકે છે. એ માટે કડક સુરક્ષા વ્યવસ્થાની રચના કરવા અઢળક બેઠક અને મિટિંગ થઈ છતાં બન્ને મહાસત્તા આજે પણ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના સહારે રાષ્ટ્રની તિજોરીને કંગાળ કરતા ધુતારાઓ સામે લડી રહી છે. વારંવાર એવું લખાતું આવ્યું છે કે આગામી યુદ્ધને ‘સાઇબર વોર’ તરીકે ઓળખવામાં આવશે અને હવે આ કથન સત્ય થવા જઈ રહ્યું છે. આ વોર ભાષણબાજીથી કે અણુબોંબનો ઉપયોગ કરીને જીતી શકાતી નથી. હેકર આખી સિસ્ટમ બાનમાં લઇ લે છે અને ઠીક લાગે તેમ સામેવાળાને નચાવે છે. ડિજિટલ સિસ્ટમ પર હેકર પોતાનો અંકુશ મુકી દે છે અને બાદમાં ખંડણીની વસુલે છે જેવું એઇમ્સમાં થયું. ડિજિટલ ટેકનોલોજીને પડકારતી આ કાળી બાજુ છે, જેમાં હુમલાખોેર પાસે જ યુદ્ધ અટકવવાનું દિવ્યાસ્ત્ર છે.
આ હુમલાની પૂર્વ તૈયારી રૂપે આજે વિશ્ર્વના દરેક દેશ પોતાની સાયબર સેના બનાવી રહ્યા છે. ચીનને પણ પાછળ રાખીને રશિયાએ તેમાં ટોચનું સ્થાન ધારણ કર્યું છે. આજે ભલે રશિયના મિસાઇલો યુક્રેનને તબાહ કરે છે પરંતુ સાઇબર વોર ક્ષેત્રે તો રશિયાએ યુક્રેનને અનેક વાર ઝુકાવ્યું છે. ૨૦૧૪ના માર્ચમાં યુક્રેનની મેજર કોમ્યનિકેશન સિસ્ટમ કામ કરતી બંધ થઇ ગઇ હતી. સમગ્ર ઇન્ટરનેટ પાવર ગ્રીડ ઠપ્પ થઇ ગઇ હતી. મોબાઇલ ફોન કામ કરતા બંધ થઇ ગયા હતા. એ સમયે પણ યુક્રેન રશિયા સામે સાઇબર મોરચે લડી રહ્યું હતું. ત્યારે રશિયન હુમલાખોરોએ એવી ચેતવણી આપી હતી કે રશિયા સામે શિંગડા ભરાવવામાં બહુ મજા નથી. તેમની સાઇબર સેના બેન્કિંગ, પાવર સપ્લાય વગેરે ચપટી વગાડતા જ અટકાવી કરી શકે છે. જો કે બન્ને રાષ્ટ્રોના પ્રમુખ પૂર્વ જન્મના કોઈ ઋણાનું બંધથી જોડાયેલા હોય તેમ આ જન્મે પણ શસ્ત્રોથી લડી રહ્યા છે. આ વૈશ્ર્વિક ઘટનાઓએ એટલું તો ચોક્કસપણે સૂચવે છે કે ભવિષ્યમાં ભારતની સેનાની ત્રણ નહીં, પરંતુ ચાર પાંખ હશે. જેમાં ચોથી પાંખને સાયબર સેના તરીકે ઓળખવામાં આવશે.
આવા વિષમકાળમાં ભારતમાં ડિજિટલ કરન્સી લોન્ચ થઈ છે. ચોક્કસ પણે તેનાથી ભારતને ફાયદો થશે જ, ડિજિટલ રૂપિયાના માધ્યમથી લોકોની રોકડ પરની નિર્ભરતા હવે ઓછી થશે અને એક રીતે તે હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે પણ સારો વિકલ્પ સાબિત થશે. અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન ચલણ, રૂપિયા ચેક અથવા કોઈપણ બેંકિંગ સિસ્ટમ દ્વારા થતા હતા, પરંતુ ડિજિટલ કરન્સીમાં કોઈ હાર્ડ કરન્સીની જરૂર નહીં પડે. લોકો પોતાના મોબાઈલ વૉલેટમાં ડિજિટલ કરન્સી રાખી શકશે. તેમજ આ ડિજિટલ કરન્સીને બેંક મની અને રોકડમાં પણ સરળતાથી ક્ધવર્ટ કરી શકાશે, પરંતુ સાઇબર સુરક્ષાનું શું?
જગત જયારે સાઇબર સિક્યુરિટીના બાલ્યકાળમાં છે ત્યારે ભારતની ડિજિટલ કરન્સીને સુરક્ષાના નામે એન્ક્રિપ્શન રૂપી અભયવચન મળ્યું છે. એન્ક્રિપ્શન એટલે ડિજિટલ તાળું, ડિજિટલ કરન્સી હોય કે ડિજિટલ ડોક્યુમેન્ટ તેને ચોક્કસ કોડના ચોકઠાંમાં ગોઠવીને તેના પર પાસવર્ડરૂપી તાળું મારવામાં આવે તેને એન્ક્રિપ્શન કહેવાય. આરબીઆઈએ ડિજિટલ કરન્સીને આવા જ એક એન્ક્રિપ્શન સાથે લોન્ચ કરી છે, પરંતુ ગઠિયાને તાળું તોડવામાં જેટલો સમય લાગે તેનાથી ઓછી સેક્ધડમાં સાઇબર ધુતારા એન્ક્રિપ્શન કોડને ડિક્રીપ્ટ કરી નાખે છે. એવું જ એઇમ્સમાં થયું અને આ જ પેટર્નથી પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. ત્યારે ડિજિટલ કરન્સી અને ડિજિટલ ધુતારાની જંગમાં ભારતનો રૂપિયો ટકશે કે તૂટી જશે! એ તો સમય જ બતાવશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular