રોજ બરોજ – અભિમન્યુ મોદી
કોમવાદ કોને કહેવાય? રાષ્ટ્ર કે સમાજના બદલે કોમને કેન્દ્રમાં રાખી સ્વહિત અને સલામતી આદિનો આગ્રહ રાખવાનું વલણ એટલે કોમવાદ, કોઈ વ્યક્તિ કોમવાદને શસ્ત્ર બનાવીને સમૂળગા રાષ્ટ્રને પતન તરફ નોતરે તો તેને શું સંબોધન આપવું? એશિયા ખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલું કતાર માત્ર ને માત્ર આજે કોમવાદને સમર્થન આપે છે અને કોમવાદનો વ્યાપ વિશ્ર્વમાં કઈ રીતે વધે તેના પર જ કતારના રાષ્ટ્ર્પતિ તમીમ બિન હમાદ અલ થાની પોતાની તમામ મહેનત લગાડી રહ્યા છે. ગત વર્ષે જયારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે જગતઆખું તેના વિરોધમાં હતું. એક માત્ર કતારે તાલિબાનોને સમર્થન આપ્યું હતું અને એવું જાહેર કર્યું હતું કે કતાર તાલિબાનોના નિર્ણયો અને નિયમોને સમર્થન આપે છે. કોમવાદની લડાઈમાં ફીફા વર્લ્ડકપના યજમાન બન્યા બાદ પણ તેમની ટીમે એક સપ્તાહની અંદર જ બિસ્તરા-પોટલાં બાંધી લેવા પડ્યા, કતારની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જનારી પ્રથમ ટીમ બની છે.
કતાર વિશ્ર્વકપના ઈતિહાસમાં ગ્રુપ સ્ટેજથી આગળ નહીં જનારો બીજો દેશ બની ગયો છે. આ પહેલાં ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકી ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે તેણે ત્રણ મુકાબલામાંથી એક જીત્યો હતો, એક હાર્યો હતો તો એક મુકાબલો ડ્રો થયો હતો. જ્યારે કતારે બન્ને મુકાબલા ગુમાવ્યા છે. આવામાં ૯૨ વર્ષના વિશ્ર્વકપના ઈતિહાસમાં કતાર સૌથી ખરાબ પ્રદર્શન કરનારો દેશ બની ગયો છે. છતાં કતારને કે રાષ્ટ્ર્પતિ તમીમને તેનો વસવસો નથી. તેમની મનોકામના તો સિદ્ધ થઈ ગઈ. ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપનાર ઉપદેશક ઝાકિર નાઈક જેવા કટ્ટરપંથીને ફીફાની પ્રમોશનલ ઇવેન્ટમાં આમંત્રિત કરીને કતારે એવું સાબિત કર્યું હતું કે તેમનું રાષ્ટ્ર ‘સર તન સે જુદા’ વાળી થિયરીમાં માને છે. ઝાકિર નાઇકનાં ઝેરીલાં ભાષણોને કારણે બ્રિટને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. છતાં કતાર તેને છાવરે છે. ધર્મ સર્વોપરી છે અને રહેવો જ જોઈએ, પરંતુ ધર્મના નામે આતંક ફેલાવવો એવી સૂચના તો કોઈ ધર્મમાં અપાઈ નથી છતાં કતારને કાંકરીચાળો કરવાનો ભારે શોખ. એટલે ચીંટિયો ભરી લેતા અચકાય નહીં.
આ એ જ કતાર છે જેણે વિવાદાસ્પદ ભારતીય ચિત્રકાર એમએફ હુસૈનને આશ્રય આપ્યો હતો. એટલું જ નહીં નુપુર શર્મા વિવાદમાં કતારે ભારત વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યાં હતાં. વાસ્તવમાં કતાર શરૂઆતથી જ કટ્ટરપંથી ઇસ્લામનું મોટું હિમાયતી રહ્યું છે. વિશ્ર્વમાં મસ્જિદો-મદરેસાઓ અને જમાતોને દર વર્ષે કતારના ધનિકો દ્વારા ભારે ભંડોળ આપવામાં આવે છે. તેની પાછળ કતારનો હેતુ વિશ્ર્વના તમામ મુસ્લિમોનો એકમાત્ર નેતા બનવાનો છે. આઈએસઆઈએસ અને અલ કાયદા જેવા ઘણા કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો સાથે કતારના જોડાણના સમાચાર પણ સમયાંતરે બહાર આવતા રહે છે. હવે, પ્રશ્ર્ન એ છે કે શું કતારના નેતાઓ આ બધી બાબતોમાંથી કટ્ટરતાને અનુસરવાનું ચાલુ રાખશે? રાષ્ટ્ર્પતિ તમીમના ઇસ્લામિક વલણથી તો એવો જ નિર્દેશ મળે છે કે ફીફાનું આયોજન જગત માટે શક્તિ પ્રદર્શનનો નમૂનો છે.
વિશ્ર્વમાં વસતા આતંકીઓને આડકતરી રીતે મદદરૂપ થવા કતારે અલ જઝીરા જેવી આંતરરાષ્ટ્રીય ચેનલ શરૂ કરી, જે કોઈપણ દેશ સામે કતારનું સૌથી મોટું સોફ્ટ વેપન બની ગયું. અલ જઝીરાએ ઘણાં મુસ્લિમ રાષ્ટ્રોમાં સરકાર બનાવવા અને તોડી પાડવાનું કામ કર્યું છે. પોતાના દેશમાં પર્યાપ્ત વસ્તીના અભાવને કારણે કતારે અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોને સૈન્ય મથકો બનાવવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે યુરોપના ઘણા દેશોની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું, જેથી ઓઈલ ખતમ થયા પછી પણ તેની અર્થવ્યવસ્થાને નુકસાન ન થાય.
મધ્ય-પૂર્વમાં વર્ષોથી જે વિગ્રહ ચાલી રહ્યો છે તે આધુનિક પદ્ધતિની લોકશાહી અને ઈસ્લામિક પદ્ધતિના શાસન વચ્ચેનો છે. અલ-કાયદા સહિતના ત્રાસવાદી જૂથોનું અંતિમ લક્ષ્ય પોતે જીતેલા પ્રદેશોમાં ખલીફાના નામે ઓળખાતા ઈસ્લામિક રાષ્ટ્રની સ્થાપના કરવાનું હતું, પણ તેઓ તેમાં નિષ્ફળ ગયા હતા. હવે ઈરાકમાં લડી રહેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાકના ત્રાસવાદીઓ દ્વારા ફરી એક વખત ‘ઈસ્લામિક સ્ટેટ’ના નામે ખલીફાની જાહેરાત કરવામાં આવી છે. અને કતારે ખિલાફત આંદોલનને છુપી રીતે સક્રિય કરવાનું શરૂ કર્યું છે.
મુસ્લિમ બ્રધરહૂડ, અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ તથા સાઉદી પ્રાંત કાતિફમાં દહેશત ફેલાવતા ઇરાન સમર્થિત આતંકી જૂથો નિયમિત કતારની મુલાકાતે આવી રહ્યા છે. વિશ્ર્વની નજરમાં અફઘાનિસ્તાન આતંકીઓનું આશ્રય સ્થાન છે, પરંતુ કતારમાં કેટલી મોટી સંખ્યામાં આતંકીઓનું પુનર્વસન થઈ રહ્યું છે. તેની સાબિતી છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓ પરથી મળે છે. ૨૦૧૭માં કતાર સાથે સાઉદી અરબ, બહેરીન, ઇજિપ્ત, યુએઇ અને યમન સહિતના પાંચ દેશોએ બધા રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા, કારણ? કતાર સામે મુખ્યત્વે બહેરીનની આંતરિક બાબતોમાં દખલ કરવાનો, આતંકી સંગઠનોને આશ્રય આપવાનો અને અખાતી દેશો વિરુદ્ધ ઇરાનને મદદ કરવાનો આરોપ લાગ્યો હતો.
આરબ રાષ્ટ્રોમાં રાજાશાહી ચાલે છે અને શરિયતનો કાનૂન લાગુ કરવામાં આવે છે. મુસ્લિમ બ્રધરહૂડ લોકશાહીની વાત કરે છે અને શરિયતના કાનૂનનો પણ વિરોધ કરે છે. કતાર દ્વારા મુસ્લિમ બ્રધરહૂડને ટેકો આપવાના મુદ્દે તેનું અગાઉ પણ આરબ દેશો સાથે ઘર્ષણ થઇ ચૂક્યું છે. મુસ્લિમ બ્રધરહૂડના મોહમ્મદ મોરસી ઇજિપ્તના પ્રમુખ બન્યા તેનું કતારે સ્વાગત કર્યું હતું.
૨૦૧૪માં કતારે અલ કાયદાને ટેકો જાહેર કર્યો ત્યારે સાઉદી અરેબિયા, બહેરીન અને યુનાઇટેડ આરબ અમિરાતે કતારમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા. જોકે ત્યારે કતારનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો નહોતો. આઠ મહિના પછી કતારે અલ કાયદાના સભ્યોને તેમનો દેશ છોડીને જવાની ફરજ પાડી તે પછી રાજદૂતોને પાછા મોકલવામાં આવ્યા હતા. હવે ઝાકીર નાઈકના આગમન બાદ ભારતે પણ કતાર સાથેનું પોતાનું વલણ બદલવું પડશે. કતારમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરતા હોવાથી ભારતની પણ નજર કતાર અને આરબ દેશો વચ્ચેના સંબંધો ઉપર છે.
૨૦૨૧-૨૨માં ભારતે કતાર પાસેથી ૭૬.૮૨ હજાર કરોડ રૂપિયાની આયાત કરી હતી જેમાં પ્રાકૃતિક ગેસ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ,પ્લાસ્ટિક તથા એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે. જયારે ભારતે કતાર પાસેથી ૧૩.૭૦ હજાર કરોડની નિકાસ કરી હતી જેમાં અનાજ, તાંબું, લોખંડ, સ્ટીલ, શાકભાજી, પ્લાસ્ટિક ઉત્પાદનો, કાપડ અને ગારમેન્ટસનો સમાવેશ થાય છે. આમ બંને દેશો વચ્ચેનો વેપાર ૧૧૨.૧૬ હજાર કરોડ રૂપિયા થાય છે. ભારત-કતાર વચ્ચે સંઘર્ષ થશે તો બન્ને તરફ મોટા પાયે નુકસાની થવાની સંભાવના છે.
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઝાકિર નાઇકના આગમન બાદ વિશ્ર્વભરમાં ભારે ઉહાપોહ થયો ત્યારે કતારની સરકારી સ્પોર્ટસ ચેનલ અલકાસના પ્રેઝન્ટેટર અલ હાજરીએ મીડિયાને એવી ચોખવટ કરી હતી કે, ઝાકિર નાઇક ખુદ કતારમાં આવ્યો છે અને તે અનેક સ્થળોએ ધાર્મિક પ્રવચનો આપશે. ઝાકિર નાઇકને અમે બોલાવ્યો નથી. પણ આવી નકામી સ્પષ્ટતાથી તેના કતારના કટ્ટરપંથી વલણમાં કોઈ પરિવર્તન નથી આવ્યું.
મૂળ તો કતારે તેનું ખિલાફાતી વલણ બદલવાની જરૂર છે. ભારતના ગુલામી કાળમાં તૂર્કીમાં જયારે ખિલાફત આંદોલન થયું ત્યારે ગાંધીજીએ હિંદના મુસ્લિમોને રાજકીય અને નૈતિક ટેકો આપ્યો.૧૨મી મે, ૧૯૨૦ના રોજ મુંબઈ મુકામે અખિલ ભારતીય ખિલાફત સમિતિની તાકીદની સભા મળી. સમગ્ર મહારાષ્ટ્રમાંથી બન્ને સમુદાયના હજ્જારો યુવાનો આંદોલનમાં જોડાઈ ગયા. ખિલાફત આંદોલન એ અસહકારની ચળવળનો એક ભાગ બની ગયો. આ પ્રજાકીય આંદોલનનો પ્રધાન ઉદ્દેશ હિંદની બે મહાન કોમ હિન્દુ-મુસ્લિમ વચ્ચે અંતરની એકતા સ્થાપવાનો હતો; પરંતુ આ એકતા ક્ષણભંગુર નીવડી. તુર્કીના શાસક મુસ્તફા કમાલ પાશાએ ખુદ ખલીફાની જગ્યા દૂર કરી અને ચળવળ ધીરે ધીરે આપોઆપ સ્થગિત થઈ ગઈ. ત્યાર બાદ એકમાત્ર ગુજરાતને બાદ કરતાં દેશમાં કોમી તોફાનો ૧૯૨૪માં શરૂ થઈ ગયાં. સૌથી મોટી અસર મુંબઈમાં થઈ. મુંબઈ અજાણતા જ આંદોલનનું હાથો બની ગયું. જ્યાં એકતાના નારા લાગતા હતા ત્યાં જ આતંકના લબકારા સળગી ઉઠ્યા.
આવી તો અનેક ઘટનાઓ મુંબઈ અને ભારતની ભૂમિએ નિહાળી છે, પરંતુ જો કતાર જેવા કટ્ટરપંથી રાષ્ટ્રો કોમવાદ અને આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો વિશ્ર્વમાં ફરી આતંકવાદ સક્રિય થઈ જશે. ત્યારે હવે જોવાનું રહેશે કે કતારે ઓફ ધ રેકોર્ડ પુન: શરૂ કરેલી ખિલાફત ચળવળ કેટલી સફર થશે? ઉ