રોજ બરોજ – અભિમન્યુ મોદી
ભારતીયોનો એક ગુણ છે. તેઓ જ્યાં જાય ત્યાંના થઈને રહે છે. દુનિયાને કોઈ પણ ખૂણે વસવાટ કરનારો ભારતીય પોતાની માતૃભૂમિ સાથેનો નાતો પણ અતૂટ રાખે છે અને જે ભૂમિ પર પગ મૂક્યો હોય તેની ધરતીમાં પણ ઊંડા મૂળિયા નાંખવા પ્રયત્નીશીલ રહે છે. પોતાની સંસ્કૃતિ ટકાવી રાખીને પણ બીજા દેશની સંસ્કૃતિ, સામાજિક રીતરસમો તે અપનાવી લેતા અચકાતો નથી અને આ રીતે તે જે તે દેશના સમાજમાં એકરસ થઈ ઉન્નતિના શિખરે પહોંચે છે.
એક સમય ભારતની ઉપેક્ષા કરતા અમેરિકાના રાજકારણમાં પણ ભારતીયોનો દબદબો જોવા મળે છે. બ્રિટનની જેમ હવે અમેરિકામાં પણ રાષ્ટ્રપ્રમુખનો તાજ ભરતવંશીના શિરે જવા થનગની રહ્યો છે. અમેરિકામાં બે જ પાર્ટી મુખ્ય છે. રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી. તોફાની ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી અને સત્તારૂઢ જો બાઈડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી ૨૦૨૪ની ચૂંટણી લડવાના હતા. બન્ને રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી માટે કરોડો ડોલર ખર્ચી ચુક્યા હતા પરંતુ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષને હવે આ ચહેરા પર જીતની બેડોળ રેખા દેખાઈ રહી છે. જેથી ટ્રમ્પના સ્થાને તેમની જ પાર્ટીના બે પ્રમાણમાં યુવા નેતા નિકી હેલી અને વિવેક રામાસ્વામી બાંયો ચડાવી છે. બીજી તરફ બાઈડેન પુત્ર હંટર અને ખુદ બાઈડેનના ઘરે પડેલા એફબીઆઈના દરોડા બાદ હવે ડેમોક્રેટિક પાર્ટી કમલા હેરિસનું યુએસ પ્રમુખની ચૂંટણીમાં ચયન કરવાના એંધાણ છે.
રસપ્રદ વાત એ છે કે, ત્રણેય ભારતીય મૂળનાં છે. ત્રણેય ભારતીયો ચીન વિરુદ્ધ આક્રમક છે અને પોતપોતાની પાર્ટીમાં ચીન વિરોધી તરીકે અગ્રણી ચહેરા છે. ત્રણેય ભારતીય માતા-પિતાની પહેલી પેઢીના અમેરિકન નાગરિક છે. રાજકારણમાં આવતા પહેલા ત્રણેયએ કોર્પોરેટ દુનિયામાં નામ કમાયાં છે. એટલું જ નહીં રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવીને પાર્ટીમાં ઉચ્ચસ્તર સુધી પહોંચ્યાં છે.
નિકી હેલી મૂળ પંજાબી છે. અમેરિકામાં ૩૭ વર્ષની યુવા વયે, ગવર્નર બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.રાજકીય રીતે નિકી હેલી અત્યંત મજબૂત છે. આ કારણે મુખ્ય મુકાબલો નિકી અને ટ્રમ્પ વચ્ચે મનાય છે. સંવેદનશીલ દસ્તાવેજોની ચોરી અને પોર્ન સ્ટાર સાથેના અનૈતિક સંબંધોના કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ટ્રમ્પની આબરુનું ભારે ધોવાણ થયું છે એ જોતાં નિકી ટ્રમ્પને પછાડી દે એવી પૂરી શક્યતા છે.
પોતાને ગર્વપૂર્વક ભારતીય ઈમિગ્રન્ટ માતા-પિતાનું સંતાન ગણાવતાં નિકી હેલીનું આખું નામ નિમરત નિકી રંધાવા હેલી છે. અમેરિકાના ટોચના લશ્કરી અધિકારી માઈકલ હેલીને પરણેલાં નિકી ૨૦૦૫થી રાજકારણમાં છે. સાઉથ કેરોલિનાનાં ગવર્નર રહી ચૂકેલાં નિકી હેલી પોતાની આક્રમકતા માટે જાણીતાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ તેમણે નિકી હેલીને યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનાં પ્રતિનિધિ બનાવ્યાં હતાં. નિકીના સમયમાં જ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના મુદ્દે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ઠરાવ લવાયેલો. ચીને વીટો વાપરીને આ ઠરાવને પસાર ના થવા દીધો ત્યારે નિકી હેલીએ તડ ને ફડ કરીને કહી દીધું હતું કે, યુનાઈટેડ નેશન્સમાં વીટો વાપરીને કોઈ દેશ આતંકવાદીઓને છાવરે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ મિજાજના કારણે નિકીની લોકપ્રિયતા છે. નિકીએ તો ટ્રમ્પને પડકારવાનું એલાન પણ કરી દીધું છે. ટ્રમ્પે નિકી પર રાજકીય પ્રહારો શરૂ કરી દીધા તેનો અર્થ એ થાય કે, ટ્રમ્પને નિકી પોતાને ટક્કર આપે એવાં ઉમેદવાર લાગે છે. તેથી પાર્ટી ટ્રમ્પના બદલે નિકીને પસંદ કરે એવું બને.
વિવેક રામાસ્વામીનાં મૂળિયાં કેરળમાં છે. વિવેક યાલે અને હાર્વર્ડમાં ભણ્યા છે અને બાયોટેક આંત્રપિન્યોર તરીકે જાણીતા છે. મેડિસિન્સના સંશોધક વિવેકની સંપત્તિ ૫૦ કરોડ ડોલરની આસપાસ છે તેથી ટ્રમ્પને ટક્કર આપવા માટે વિવેક ખમતીધર પાર્ટી મનાય છે. ૩૭ વર્ષના વિવેકને રાજકારણનો અનુભવ નથી. ડોનાલ્ટ ટ્રમ્પ વિવેકના આદર્શ છે. ટ્રમ્પ સીધા પ્રમુખપદની ચૂંટણીમાં કૂદેલા એ રીતે વિવેક પણ ઈતિહાસ રચવા માગે છે.
કમલા હેરિસ ભારતીય મૂળના છે અને સતત પોતાને બ્લેક ગણાવે છે. તેઓ અમેરિકાના વતની રેડ ઈન્ડિયનોના તરફદાર છે. તેઓ એશિયન છે પરંતુ નારી તરીકે નમણાં, ચિત્તાકર્ષક અને પ્રભાવક વ્યક્તિત્વના માલિકણ છે. કમલા હેરિસ બહુ લાંબી સફર કરીને અતિશય યોગ્યતાઓ પ્રાપ્ત કરીને વાઈસ પ્રેસિડેન્ટના પદ સુઘી પહોંચ્યા છે. કમલાએ અનેક વાર પોતાની કાબેલિયત સિદ્ધ કરી બતાવી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બેભાન હોય અને કંઇક થાય તો? અમેરિકાના બંધારણમાં એવો નિયમ છે કે કોઇ કારણોસર પ્રેસિડેન્ટને એનેસ્થેસિયા આપવો પડે તો એટલો સમય વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ટ તરીકનો ચાર્જ સોંપવામાં આવે બાઇડેનને એનેસ્થેસિયા આપવામાં આવ્યો એ પહેલા પ્રેસિડેન્ટ તરીકનો ચાર્જ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને આપવામાં આવ્યો હતો. ૮૫ મિનિટ સુધી બાઇડેન બેભાન રહ્યા હતા. ભાનમાં આવ્યા પછી પાછો તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. મજાની વાત એ પણ બની હતી કે, અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય કોઇ મહિલા પ્રેસિડેન્ટ બની નથી. ભલે ૮૫ મિનિટ માટે પણ કમલા હેરિસ અમેરિકાના પહેલા એવા મહિલા બન્યા હતા જે પ્રેસિડેન્ટ બન્યાં હોય!
તાજેતરમાં અમેરિકામાં મધ્યસત્રની ચૂંટણી યોજાઈ એ વખતે કમલાના કૌશલ્યથી અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર એક સાથે ૧૨ મહિલા ગવર્નરની ચૂંટણીમાં જીત થઈ હતી. હાલમાં અમેરિકાનાં નવ સ્ટેટમાં મહિલા ગવર્નર છે. આ પૈકી ૮ મહિલા ગવર્નર ફરી ચૂંટણીમાં ઊભી રહેલી ને આઠેય મહિલા જીતી જતાં ફરી ગવર્નર બનશે. અમેરિકામાં કુલ ૫૦ રાજ્ય છે એ જોતાં ૨૪ ટકા રાજ્યમાં આજે મહિલા ગવર્નર છે. અલબત્ત હજુય અમેરિકામાં ૧૮ રાજ્ય એવાં છે કે જ્યાં હજુ સુધી કોઈ મહિલા ગવર્નર નથી બની. અમેરિકામાં સ્ટેટમાં ગવર્નરનો હોદ્દો તંત્રમાં સર્વોપરી છે. આ હોદ્દો ભારતમાં રાજ્યના મુખ્યમંત્રીની સમકક્ષ મનાય છે અને સ્ટેટનો વહીવટ ગવર્નર જ ચલાવે છે. અમેરિકા મુક્ત અને સમાન તક આપનારો સમાજ ગણાય છે પણ રાજકારણ પુરુષ પ્રધાન જ છે. અમેરિકાના પ્રમુખપદે હજુ સુધી કોઈ મહિલા નથી આવી અને કમલા હેરિસ પહેલાં વાઈસ પ્રેસિડેન્ટ છે તેના પરથી જ અમેરિકાના રાજકારણમાં મહિલાઓની સ્થિતિ શું છે તેનો અંદાજ આવી જાય છે.
કોઇ સસ્પેન્સ ફિલ્મની જેમ ભારે ઉતારચઢાવ અને ઉત્તેજના વધારે તેવી ઘટનાઓની હારમાળા આજે અમેરિકાના રાજકારણમાં સર્જાઈ રહી છે. જગતચૌટે વગોવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની ચૂંટણીમાં હારનો સામનો કરવા માંગતા નથી તો સામે પક્ષે બાઈડેનને પણ બેઠાં બેઠાં પ્રમુખ પદના ફળ આરોગવા છે. આમ તો દુનિયાના ઘણા દેશોમાં સત્તા પરિવર્તન થઇ રહ્યા છે પણ વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશના સર્વોચ્ચ સ્થાન માટેના ચૂંટણી પરિણામો ઘણી રીતે મહત્ત્વના પણ છે, અને પથદર્શક પણ છે.
અમેરિકી પ્રમુખ પદ માટે દાવેદાર બનેલા ત્રણેય ભારતીયો સામેનો સૌથી મોટો પડકાર અમેરિકાની પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવાનો તો છે જ, પરંતુ સૌપ્રથમ તો તેમણે ખાડે ગયેલા અર્થતંત્રને પુન: ચેતનવંતુ કરવાનું છે. રોજગારી વધશે, લોકો કામે વળગશે તો અરાજકતા આપોઆપ ઘટશે. આ મામલે તેમની પાસે યોજના તૈયાર હોવાનો દાવો છે. જોકે આ યોજનાઓ કેવી છે અને કેટલા સમયમાં સફળ થાય છે એ મહત્ત્વનું છે.
ભારત માટે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારતવંશીએ પ્રમુખપદ સંભાળ્યા બાદ અમેરિકા અને ભારતના સંબંધો કઇ દિશામાં આગળ વધે છે. ખાસ તો ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી સહયોગ વધારવાના નવા દરવાજા પણ ખૂલી શકે છે. આજે સમગ્ર વિશ્ર્વને કનડી રહેલી આતંકવાદ સમસ્યા સામે સહિયારું અભિયાન હાથ ધરાય તેવું પણ બની શકે છે. વિશ્ર્વના શક્તિશાળી દેશના સર્વોચ્ચ સ્થાને ભારતવંશીના આગમનથી ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે એવી આશા અસ્થાને નથી, અને સાઉથ એશિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટે આ આવશ્યક પણ છે. હાલની સ્થિતિમાં દરેક ક્ષેત્રે ભારતીયોને આવકાર મળી રહ્યો છે. ત્યારે અમેરિકામાં વસતા ભારતીયો એવી આશા સેવી રહ્યા છે કે ચૂંટણીમાં મૂળ ભારતીયો ડંકો વગાડશે. અલબત્ત બંને પક્ષે જો ભારતીય ઉમેદવાર જ હશે તો જીત ભારતની જ થશે. તો શું જગત જમાદાર પણ ભારતવંશીના તાબા હેઠળ વિકાસ કરશે? ઉ