રોજ બરોજ – અભિમન્યુ મોદી
મુંબઈકર એટલે વિશ્ર્વમાં સૌથી વધુ પરિશ્રમ કરતી, દૌડતી,ચિંતન કરતી, મંથન કરતી, તર્કબદ્ધ વિચારો ધરાવતી પ્રજા, પરંતુ મુંબઈમાં દર બે મહિને સત્તાનો સંગ્રામ જોવા મળે છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ મહારાષ્ટ્રના નાયક કોણ બનશે એ માટે ઉંદર બિલાડીની રમત શરૂ થઈ અને હેરાનગતિ મુંબઈકરોને ભોગવવી પડી. મહાદેવના સૈનિકોનું ધાર્યું ન થાય એટલે હુલ્લડ મચાવા નીકળી પડે. એમાં મુંબઇકરોનો શું વાંક? એક તો બાપડા મત આપે છતાં પણ તેમણે રાજકીય અખાડાની માથાકૂટ સહન કરવાની! ઓછું હોય તેમ એક સરકાર ઓવરબ્રિજ બનાવવાના સપના દેખાડે અને બીજી સરકાર ઓવરબ્રિજ પર રોડ બનાવી નાખે! પ્રજા તો બધું સહન જ કરશે પણ સરકાર વારંવાર બદલાય તો ભારતની શાખ વિશ્ર્વની નજરમાં ખરડાઈ, તેનું શું કરવું!
મરાઠી રાજકારણ આજે ખિચડી બની ગયું છે. તેમાં ચૂંટણી ચિહ્નથી લઈને ધારાસભ્યોના અસ્તિત્વ સુધીના સવાલો યક્ષપ્રશ્ર્ન બનીને ઊભા છે. અચાનક ચૂંટણી પંચ જાગ્યું અને હવે ૮ મહિના બાદ અચાનક કમિટીના સભ્યોને સદ્બુદ્ધિ આવી અને ધનુષ બાણને શિંદે સરકારને હવાલે કર્યા. પાંચમાંથી પહેલા રાઉન્ડમાં શિવસેનાની હાર થઈ હવે અન્ય ચાર રાઉન્ડ માટે ઉદ્ધવ સરકાર મેદાને છે. આ ચાર રાઉન્ડ આગામી ૨૦ મહિના સુધી ચાલશે. તેનું ફાઇનલ ઓક્ટોબર-૨૦૨૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રચાશે.
ચૂંટણી પંચના ભાજપતરફી વલણ બાદ એકનાથ શિંદે ૫૬ની છાતી લઈને ફરી રહ્યા છે. એકનાથના મતે તેઓ મહારાષ્ટ્રના નાથ છે. તેઓ અમૃતમય પક્ષકુંભ લઈને વિહરી રહ્યા છે. આજે શિવસેનાને પક્ષના પારિવારિક સ્ટેક હોલ્ડરનો આખો ખેલ જોવાનો અવસર આવ્યો છે. જે સ્થિતિ કોર્પોરેટ કલ્ચરમાં છે તે હવે પોલિટિક્સમાં શરૂ થઈ. કંપની જો તેજસ્વી સેલ્સ મેનેજરને પ્રમોટ ન કરે તો એ ભક્ત બનીને કંપનીના પગથિયે પડયા નહીં રહે. એ હરીફ કંપનીમાં જશે કે પોતાની ફેક્ટરી શરૂ કરશે. જેનામાં ક્ષમતા છે તેને સાથે રાખવા હોય તો એમનું મૂલ્ય સમજવું અને સ્વીકારવું પડે. ઉદ્ધવ ઠાકરે પોતાની કુટુંબ બહારની નવી પેઢીને ઓળખવામાં થાપ ખાઈ ગયા છે.
બીજી ભૂલ એ છે કે એમણે અલિખિત હિન્દુવાદી બંધારણના બંધન સ્વીકારેલા પક્ષ જેવી શિવસેનાના મૂળભૂત સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને મુખ્યમંત્રીપદને વહાલું કર્યું. એ પક્ષના નેતાઓ અને કાર્યકરોને ન ગમ્યું જેનો બહુ મોડો પડઘો શિંદે પ્રકરણમાં પડતો સંભળાયો. જોકે ભાજપે પણ એની જૂની હિન્દુવાદી વિચારધારા સાથે ઘણી બાંધછોડ કરી છે. ભાજપના જૂના ધ્વજમાં એકલો કેસરી રંગ હતો, જેમાં હવે લીલો રંગ પણ ઉમેરી દેવામાં આવ્યો છે, પણ એ બધા ખેલ આવડવા જોઈએ. ભાજપ કદી બિનસાંપ્રદાયિકોના પાટલે ન બેસે. પણ હવે તો રાજ્યોના રાજકારણમાં એમાંય ઉદારમતવાદીતા દાખલ થઈ રહી છે. ઉદ્ધવ પક્ષના આંતરિક ઈન્ટેલિજન્સ અને રાજવિદ્યામાં પાછા પડયા છે.
છેલ્લા ઘણા સમયથી શિવસેનામાં આંતરિક ધૂમાડો હતો. ભાજપને તો એ જ જોઈતું હતું. ભાજપને ખબર હતી કે શિવસેનાને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી કઈ રીતે બેવકૂફ બનાવશે. ભાજપને પણ પાછળથી જ એ જ્ઞાાન થયું કે એણે ગયા વખતે શિવસેના સાથે ચૂંટણી જોડાણ કરવાની જરૂર ન હતી, પણ એ જ્ઞાન નોટબંધી જેવું છે. મોડે મોડે ભાન થાય એનાથી શો ફેર પડે? ભાજપની મુરાદ એક જ હતી અને હજુ છે કે શિવસેનાને ઈતિહાસના પાનાઓમાં ધકેલી દેવી. શિવસેના મૂળભૂત રીતે તો મરાઠાવાદમાંથી જન્મેલી પાર્ટી છે અને મુંબઈ સહિતના મહારાષ્ટ્રના ગુજરાતીઓની જાહોજલાલીથી વિરુદ્ધ છે. ગુજરાતીઓ મુંબઈમાં કંઈ પેરેશૂટમાં ઊતર્યા નથી. ગુજરાત અને મહારાષ્ટ્રના સ્વતંત્ર અસ્તિત્વ પહેલાં મુંબઈ રાજ્ય આખું ગુજરાતી અને મરાઠીનું સંયુક્ત રાજ્ય હતું. ત્યારે પણ મુંબઈમાં ગુજરાતીઓનો ડંકો જ હતો. આજે તો ગુજરાતી અને મરાઠી પ્રજા દૂધ-સાકર જેમ એવી હળીમળી રહે છે કે બેયને એકબીજા વિના ન ચાલે.
મરાઠી-ગુજરાતીના વિધ્વંસક પ્રયાસોમાં શિવસેના બહુ ન ફાવી અને એકલો મરાઠાવાદ ન ચાલ્યો એટલે એણે હિન્દુવાદ ઝડપી લીધો. હિન્દુવાદે સેનાના મૂળ ઊંડા અને છાંયો ઘટાટોપ કરી આપ્યો. ઈતિહાસ પ્રમાણે તો ભાજપ અને શિવસેનાને પૂર્વે સ્નાનસૂતકનોય સંબંધ ન હતો. જૂનાં પાનાં ઉથલાવો તો ખબર પડે કે શિવસેના તો કૉંગ્રેસના ખોળામાં જ હતી. ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે એની ભરપૂર પ્રશંસા શિવસેના અને એના તત્કાલીન સુપ્રીમો બાલ ઠાકરે એકલાએ જ કરી હતી. એ સિવાય પણ શિવસેના અનેકવાર કૉંગ્રેસની પંગતમાં બેઠી છે ને એ દાસ્તાન બહુ લાંબી છે. ભાજપનો એ મુખ્ય એજન્ડા છે કે દેશમાં હિન્દુવાદ તેની એકની પાસે જ રહે. એટલે જ એણે વિશ્ર્વ હિન્દુ પરિષદ, સંઘ, બજરંગ દળ, વિવિધ અખાડાઓ અને પીઠ-પીઠાધિશ્ર્વરોને કદ પ્રમાણે વેતર્યા છે અને હવે ભાજપ પ્રથમ શિવસેનાને મહારાષ્ટ્રના રાજકારણમાંથી અને પછી હિન્દુવાદમાંથી હાંકી કાઢવા ચાહે છે. જો કે શિવસેના કંઈ બકરી કા બચ્ચા નહીં કિ દૌડા ઔર પકડ લિયા.
ભાજપ એ ભૂલી જાય છે કે બાબરી મસ્જિદ તૂટી ત્યારે એની જવાબદારી લેતા સહુ અસમંજસમાં હતા ત્યારે પોતાનો એક પણ કારસેવક ન જોડાયો હોવા છતાં બાલ ઠાકરેએ છેવટે જાહેર કર્યું હતું કે આ દેશમાં જો એ જવાબદારી લેવા કોઈ તૈયાર ન હોય તો હું કહું છું કે મસ્જિદ મેં અને શિવસેનાએ તોડી છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસને અત્યારે શિવસેનાનો આ ઈતિહાસ જ નડે છે. એટલે શિવસેના બાલ ઠાકરેની ચિરવિદાય પછી ય હજુ ભાંગ્યું તોય ભરૂચ છે. ભાજપના સાણસામાં એ બહુ ઝડપથી ન આવે તો પણ આવતા ૨૦ મહિના તેને માટે અઘરા છે. રાહુલ કૉંગ્રેસ ઘરાનાના લાડકા છે પણ મેળ પડતો નથી. એવું જ શિવસેના ઘરાનામાં આદિત્ય ઠાકરેનું છે કે લાડકા છે પણ મેળ પડતો નથી. મેદાનમાં હતા એ બધા જ ખેલાડીઓ હવે પેવેલિયનમાં છે. ભાજપની એક માસ્ટરી અહીં ફરી દેખાઈ, કાચના કટકાઓમાંથી એને પોતાના કામનો કોહિનૂર શોધતા હજુય આવડે છે.
ભાજપે ‘શિવસેના હટાવો અભિયાન’માં સફળતા હાંસલ કરી તેનો સંપૂર્ણ શ્રેય શિંદે સરકારને ફાળે જાય છે. ૮ મહિનમાં ૮૦૦ વાર શિવસેના વિરુદ્ધ સીએમ શિંદે વાંકુ બોલ્યા પરંતુ ડે.સીએમ ફડણવીસ તો વખાણ જ કરે છે. જે ભાજપની ચાલને સ્પષ્ટ કરે છે. આવી જ ઘટના ૨૦૧૮માં ત્રિપુરાની ચૂંટણી સમયે થયેલી. ભાજપે ત્રિપુરામાં બિપ્લવ દેબને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ ફડણવીસની જેમ તેઓ ધારાસભ્યો ગુમાવી બેસે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ તો ઓપરેશન લોટસ શરૂ કરી અને મે, ૨૦૨૧માં બિપ્લવ દેવને હટાવી તેના સ્થાને ડો. માણિક સાહાને મુખ્યમંત્રી બનાવી દીધા. ડો.સાહા, શિંદે સાહેબની જેમ ત્રિપુરા કૉંગ્રેસના પાયાના પથ્થર હતા. બે દાયકા સુધી તેમણે ત્રિપુરા કૉંગ્રેસની સેવા કરી હતી, પરંતુ મેવાના નામે કૉંગ્રેસ સાથે માથાકૂટ જ થતી રહેતી. તેમની સીએમ બનવાની અપેક્ષાને કૉંગ્રેસ હાઇકમાન્ડની ઉપેક્ષાનો શિકાર બનવું પડ્યું.
ભાજપે ડો.સાહા પ્રત્યે કૂણી લાગણી દર્શાવીને સીએમ બનાવવાની ઓફર મૂકી અને ૧૧ ધારાસભ્યો સાથે ડો.સાહા ભાજપમાં ભળી ગયા. અઢી વર્ષ સુધી સીએમના પદને પણ શોભાવ્યું અને હવે ચૂંટણીમાં પણ તેના ચહેરા પર જ ભાજપે જીતની રણનીતિ ઘડી છે. એ જ પેટર્ન હવે મહારાષ્ટ્રમાં લાગુ પડવા જઇ રહી છે, પરંતુ તેમાં પાંચ કાયદાકીય અવરોધ હતા. પ્રથમ પડાવ તો ભાજપ જીતી ગયું હવે ચાર પડાવ બાકી છે. જેમાં ૨/૩ ધારાસભ્યોને માન્યતા આપવી કે નહીં? સ્પીકર સામે ધારાસભા ચાલુ હોય ત્યારે જ અવિશ્ર્વાસની દરખાસ્ત કરી શકાય કે ગમે ત્યારે કરી શકાય? ધારાસભા અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે ગવર્નર ફ્લોર ટેસ્ટનો આદેશ કરી શકે કે કેમ? વ્હિપનો ભંગ કોને કહેવાય? અને સૌથી વધારે તો પોતાની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત હોય ત્યારે સ્પીકર ધારાસભ્યોના ડિસક્વોલિફિકેશન અંગે કાર્યવાહી કરી શકે કે કેમ?
આ વણઉકેલ્યા સવાલોના જવાબો આગામી ચૂંટણી સુધીમાં મળશે. જવાબ જે પક્ષની તરફેણમાં હશે તે મુજબ પ્રજાને વિકાસકાર્યોની ભેટ મળશે અને ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ડેમોક્રેસીનો ડાન્સ ચાલશે!