રોજ બરોજ – અભિમન્યુ મોદી
ભૂકંપને ભૂલી ગયેલી દુનિયાએ તુર્કીમાં તબાહીનાં દૃશ્યો નિહાળીને એ ગાંઠ બાંધી લીધી કે પ્રકૃતિ સામે સૌ લાચાર છે. સામે છેડે તુર્કીના રાષ્ટ્ર પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગને પણ ભારતવિરોધી નિવેદન ન આપવાની કે ઝેર ન ઓકવાની નેમ લીધી છે. આ એ જ રેચેપ છે જે પાકિસ્તાનને કાશ્મીર આપવાની હિમાયત કરતા હતા. ૬ વર્ષ પહેલાં ભારત આવેલા રેચેપે એવું સૂચન કર્યું હતું કે કાશ્મીર પર ટેક્નિકલી પાકિસ્તાનનો અધિકાર છે, કારણ કે કાશ્મીરની પ્રજા પાકિસ્તાનમાં જ રહેવા માગે છે. આ તો એવું થયું કે મહેમાન ઘરે આવીને શત્રુના ગુણગાન કરે છે. આ કમેન્ટને ભૂલીને મોદીસાહેબે છુટ્ટા હાથે તુર્કીમાં બચાવ ટુકડી મોકલી છે. રાહત સામગ્રી મોકલી છે અને તુર્કી જેના ઓવરણા લઈ રહ્યું હતું એ પાકિસ્તાન તો ખુદ કંગાળ છે, પાક. પ્રજા પોતે પણ મદદ માટે ઝઝૂમે છે તો કાયદે આઝમ કયા પ્રકારે અન્ય રાષ્ટ્રને સહાય પૂરી પાડે?
પશ્ર્ચિમે ગ્રીસ, ઈશાનમાં જોર્જિયા, પૂર્વમાં આર્મેનિયા, અઝરબૈજાન,ઈરાન, દક્ષિણે સીરિયા-ઇરાક અને સ્વિડનને અડીને આવેલું તુર્કી પૂર્ણત: ઇસ્લામિક રાષ્ટ્ર છે. પાકિસ્તાન અને કતારની દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિને તુર્કી વર્ષોથી સહયોગ આપતું રહ્યું છે. તુર્કીમાં ઇસ્લામી અને બિનસાંપ્રદાયિક પરિબળો વચ્ચે ધ્રુવીકરણ થયું ગયું છે. ૧૯૬૦થી આજ સુધીમાં ત્રણ વખત લશ્કરે સત્તા આંચકી લીધી છે. કારણ? દર ચાર વર્ષે રાષ્ટ્રપતિનું નવું કૌભાંડ, સેક્સ સ્કેન્ડલ, દમનકારી અભિગમ, ચૂંટણીમાં જામી ગયેલા રાજકીય પક્ષોને હાર, એક જ વર્ષમાં બે વાર સત્તારૂઢ સરકારનું પતન, લોકોના સ્વાતંત્ર્ય પર તરાપ જેવા અનેક મુદ્દાઓને કારણે તુર્કી હંમેશાં વૈશ્ર્વિક રાજકરણમાં હાંસિયામાં જ ધકેલાતું આવ્યું છે. જેમ પાકિસ્તાનમાં મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થવો સામાન્ય વાત છે તેમ તુર્કીની બજારમાં દર બે મહિને બોમ્બ વિસ્ફોટ થાય છે અને નિર્દોષોનું રક્ત રેલાય છે, પરંતુ અખબારમાં માત્ર બે કોલમના સમાચાર બનીને રહી જાય છે. વિશ્ર્વ કયારેય વિષપાન કરતા તુર્કી તરફ દ્રષ્ટિગોચર કરતું જ નથી. અને કરે પણ કેમ? તુર્કીમાં લોકશાહી નામની છે. ચીનને પણ શરમાવે તેવા આકરા પ્રતિબંધ તુર્કીમાં છે.
કાશ્મીરમાં શાંતિની વાત કરનાર રાષ્ટ્ર પ્રમુખ રેચેપ પોતાના દેશમાં શું ઉકાળી રહ્યા છે? અહેવાલો જણાવે છે કે રેચેપ તુર્કીમાં સરમુખત્યારશાહીથી વર્તે છે. ૨૦૨૨માં રેચેપની સામે થયેલા વિદ્રોહના નિષ્ફળ પ્રયાસ પછી તેમણે પોતાના જ દેશના નાગરિકો પર મોટા પાયે દમનનો દૌર ચલાવ્યો હતો. સૈનિકો ઉપરાંત માનવ અધિકારની કામગીરી કરનારા કર્મશીલો અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોને તેમણે જેલભેગા કર્યા હતા. આ વ્યાવસાયિકોની બૂરી દશા હોય તો પત્રકારો બાકાત રહે? તેમના રાજમાં આશરે દોઢસો પ્રકાશનોને બંધ કરવામાં આવ્યાં અને સોથી પણ વધુ પત્રકારો પર ત્રાસવાદનો આરોપ ઠોકી બેસાડીને તેમને જેલમાં પૂરવામાં આવ્યા.
તુર્કીમાં કહેવાતું ઇસ્લામી રાજ સ્થાપવા માગતા સરમુખત્યારી પ્રમુખે સિગારેટ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનો સરેઆમ વિરોધ કરનાર એક પત્રકાર સામે પણ તેમણે ત્રાસવાદનો જ ગુનો લગાડ્યો. સામાન્ય રીતે ચીનની સામ્યવાદી સરકાર સ્વતંત્ર મિજાજ ધરાવતા પત્રકારો સામે આકરાં પગલાં લેવા માટે નામીચી છે, પરંતુ તુર્કીના રેચેપ આ બાબતમાં ચીનને પણ ટપી ગયા છે. તે ફક્ત કહેવા પૂરતા જ પ્રમુખ છે. બાકી, તેમની સત્તાઓનો વ્યાપ સરમુખત્યારથી જરાય ઓછો નથી. પોતાના દેશની આવી હાલત કરનાર રેચેપ ડિસેમ્બરમાં એવા નિવેદન આપતા હતા કે ભારતે પાકિસ્તાનની ગરીબ પ્રજાને મદદ કરવી જોઈએ. આજે જયારે તેમનું જ રાષ્ટ્ર પાયમાલ થયું ત્યારે તેમનો આંતરરાષ્ટ્રીય રાજકારણનો દંભ છતો થયો!
ન્યુક્લીઅર સપ્લાય ગ્રૂપમાં પાકિસ્તાનના પ્રવેશ બાબતે પણ રેચેપે સમર્થન જાહેર કર્યું હતું અને તેમાં સામેલ થવાનો પાકિસ્તાનને અધિકાર હોવાનું જણાવ્યું હતું. રાજદ્વારી સંબંધો શેરીયુદ્ધ જેવા નથી હોતા. તેમાં ફાંકા ફોજદારી બતાવવાને બદલે, કોથળામાં પાંચશેરી ભરીને ફટકા મારવાના હોય છે. ભારત આવતાં પહેલાં કાશ્મીર મુદ્દે અનધિકાર ચેષ્ટા કરનાર રેચેપની ઉપેક્ષા કરવાને બદલે તેમના જ અંદાજમાં ટાઢા ડામ દેવાય, તે રાજદ્વારી તકાદો છે.પરંતુ મોદીસાહેબે આ દુષ્કર સ્થિતિમાં કડવી વાતો કે મેણાટોણા મારવાને સ્થાને મદદનો હાથ લંબાવતા ભારતનું કદ વૈશ્ર્વિક રાજકરણમાં ઊંચું થઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ ૨૦૨૨નું વર્ષ કેવું રહ્યું? આતંકવાદ સામેની લડાઇ, આર્થિક વિકાસની દોડ, દેશો વચ્ચે ચાલી આવતી દોસ્તી અને દુશ્મનીમાં વધારો અથવા તો ઘટાડો, ગ્લોબલ વોર્મિંગ, હાઇટેક થતી જતી દુનિયા, જીવવાની કશ્મકશ અને મોતથી બચવાની જદોજહદ. બસ આવું બધું, વર્ષોથી ચાલ્યું આવે છે એવું જ ૨૦૨૨માં પણ બન્યું.આંતરરાષ્ટ્રીય લેવલની વાત હોય એટલે એના કેન્દ્રસ્થાને અમેરિકા જ હોય એ સ્વાભાવિક છે. જોકે ગત વર્ષે પુતિનના પ્રતાપે રશિયા પણ ગાજતું રહ્યું, પરંતુ અલગ તરી આવ્યું ‘તુર્કી.’ કેમ? તુર્કીમાં આ વર્ષે ૧૪મી મેના રોજ પ્રેસિડેન્ટનું ઇલેકશન થવાનું છે. ફરીથી રાષ્ટ્રપતિ બનવા માટે રેચેપ તમામ પ્રયાસો કરી રહ્યા હતા. તેમણે ગત વર્ષે ભારતની ભરી ભરીને ટીકા કરી, તો પાકિસ્તાનને મિત્ર રાષ્ટ્ર ગણાવ્યું. અમેરિકા-રશિયાને પણ નજીકના મિત્રો ગણાવ્યા અને એવી જાહેરાત કરી હતી કે જો રેચેપની જીત થશે તો તેઓ પ્રજા પર લાદેલાં નિયંત્રણોને રદ કરશે, પરંતુ હવે તો ચૂંટણી જ રદ થાય તેવી સંભાવના છે. ૨૦૨૨માં સૌથી વધુ ગાજેલા રેચેપ આજે એ.સી. ઓફિસમાં બેસીને ગરમી અનુભવી રહ્યા છે. ધરતીકંપના આઘાત અને અસરોમાંથી બહાર આવતા તુર્કીને લાંબો સમય લાગવાનો છે. ચૂંટણી જ્યારે થાય ત્યારે પણ અત્યારે તો રેચેપના ભવિષ્ય સામે પ્રશ્ર્નાર્થ લાગી ગયા છે. તુર્કીની સરકાર ભૂકંપના અસરગ્રસ્તોને કેટલી મદદ કરી શકે છે અને ઓવરઓલ તેનાથી લોકોમાં સરકાર પ્રત્યે કેવી લાગણી રહે છે એના પર રેચેપના પોલિટિકલ ફ્યુચરનો આધાર રહેવાનો છે. તુર્કી પર આટલી મોટી આફત ત્રાટકી છે ત્યારે રાષ્ટ્રપતિ રેચેપ બીજા બધા કાવા-દાવા અને ગણતરીઓ સાઇડમાં મૂકીને લોકો માટે કામે લાગી જવું પડે એમ છે. પરંતુ તેઓ આવું ભગીરથ કાર્ય કરશે?
દુનિયાના નેતાઓ જ્યારે ભેગા મળે ત્યારે સાથે મળીને આતંકવાદ સામે લડવાની વાતો કરે છે અને અંદરખાને દરેક દેશ પોતપોતાનાં હિત જુએ છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે તુર્કીએ પણ સ્વિડન સાથે યુદ્ધ કરવાની જાહેરાત કરી હતી. તુર્કી નાટોનું સભ્ય છે. સ્વિડનને નાટો સાથે જોડાવવું છે. તુર્કી અને સ્વિડન વચ્ચે વર્ષોથી ભારત-પાક.ની જેમ ભૂમિગત વિવાદ ચાલે છે. હવે જો સ્વિડનને નાટોનો સહયોગ મળે તો તુર્કી પર હુમલો થઈ શકે! એટલે કોઇ સંજોગોમાં તુર્કી સ્વિડનને નાટો સાથે જોડાવવા ઇચ્છતું ન હતું. તુર્કી અને ગ્રીસ બંને નાટોના સભ્યો છે અને બંને એક-બીજા સામે બેફામ નિવેદનો કરતા રહે છે. રાષ્ટ્રપતિ રેચેપનો સ્વાભાવ જીદી બાળક જેવો છે. એ એક વાત નક્કી કરી લે પછી છોડતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે બાંધછોડ તો કરવી પડે પણ રેચેપ આપખુદશાહીમાં વિશ્ર્વાસ રાખે છે. કોરોનાકાળમાં દુનિયા લોકડાઉનની તરફેણમાં હતી ત્યારે તુર્કીની પ્રજા માસ્ક પહેર્યા વિના મુક્તપણે વિહરી રહી હતી. બીજી લહેરમાં જયારે મોતનો મેળો આવ્યો ત્યારે રેચેપને કોરોનાની ગંભીરતા સમજાઈ હતી. આજે કુદરતે તુર્કીને ફટકો માર્યો છે ત્યારે રેચેપના સ્વભાવ અને નિર્ણયોમાં કોઇ પરિવર્તન આવે છે કે કેમ એ જોવાનું રહેશે.