રોજ બરોજ – અભિમન્યુ મોદી
વિશ્ર્વભરમાં શાંતિ-સૌહાર્દ-સહિષ્ણુતાના સમર્થકો ભલે બહુમતીમાં હોય, પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવતો એક લઘુમતી વર્ગ એવો પણ છે જે ધર્મના ઓઠાં તળે દુનિયાભરમાં નિર્દોષોના લોહીની નદી વહાવી રહ્યો છે. પાકિસ્તાનમાં આસ્થા-બંદગીનું સૌથી મોટું સ્થાન મનાતી પેશાવરની શાહબાઝ મસ્જિદમાં તાજેતરમાં થયેલો હુમલો પાકિસ્તાનમાં આતંકવાદ કઈ હદે વકર્યો છે અને તેનો સામનો કરવામાં પાકિસ્તાનની સરકાર અને સુરક્ષાદળો કેટલાં પાંગળાં છે તેનો પુરાવો આપે છે. જે સ્થળે હુમલો થયો તે મસ્જિદ પેશાવરની પોલીસ લાઈનમાં આવેલી છે અને તેને પેશાવરનો સૌથી વધારે સુરક્ષિત વિસ્તાર માનવામાં આવતો હતો. એ જ સ્થળે પેશાવર પોલીસનું વડું મથક, ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમ બ્યૂરો,ગવર્નર હાઉસ, પ્રાદેશિક સચિવાલય અને લશ્કરી થાણા આવેલાં છે. ચોતરફ ઊંચી દીવાલ વચ્ચે આવેલા એ સંકુલમાં ચકલું પણ ફરકી ન શકે તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો હતો. મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે એ સંકુલમાં ૪૦૦ પોલીસ જવાનો તહેનાત હતા અને તેમ છતાં આ હુમલો થયો.
બપોરની ઝુહરની નમાજ સમયે જ થયેલા આ ભયંકર વિસ્ફોટમાં ૮૯ લોકોનાં મૃત્યુ થયાં અને ૧૫૦ કરતાં વધારે ઘાયલ થયા. ભોગ બનેલા બધા પોલીસ જવાનો છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મસ્જિદની છત પણ તૂટી પડી હતી. આતંકવાદીઓ સુરક્ષા ઘેરો વીંધીને ઘા મારી ગયા. પાકિસ્તાનના કાયદે આઝમ શાહબાઝ શરીફે શું કરી લીધું! અરે! તેમના પૂર્વજ એવા રાષ્ટ્ર પ્રમુખો એ પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી છે? દિવંગત પરવેઝ મુશર્રફ તો સેનાના નામે સરકાર પલટાવી નાખવામાં માહેર હતા પરંતુ ઇબાદતના સ્થળે ઇસ્લામિક આતંકને અટકાવામાં તે પણ વામણાં સાબિત થયા હતા. પાકિસ્તાનમાં જે પ્રકારે આતંકી હુમલા થઇ રહ્યા છે, નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઇ રહ્યો છે તે જોતાં તો લાગતું નથી કે આ દેશના શાસકોએ ભૂતકાળમાંથી કોઇ બોધપાઠ લીધો હોય. પેશાવરની મસ્જિદ પર થયેલો આતંકી હુમલો પાકિસ્તાનમાં પાંચ દિવસમાં થયેલો દસમો આતંકી હુમલો હતો. તહરિક-એ-તાલિબાન-પાકિસ્તાન (ટીટીપી)એ મસ્જિદ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી છે. ટીટીપી પોતાને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નું સમર્થક ગણાવે છે.
પાકિસ્તાની સુરક્ષા દળો હરહંમેશની જેમ આગ લાગ્યા બાદ કૂવો ખોદવાના કામે લાગ્યા છે. આતંકી જૂથો સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરીને ૫૦-૧૦૦ આતંકીઓનો સફાયો કરી નાખ્યાના દાવા થઇ રહ્યા છે. આતંકી જૂથો સામેની આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે એ તો કદાચ પરવરદિગાર પણ નહીં જાણતા હોય. સુરક્ષા બાબતોના જાણકારો કહે છે કે પાકિસ્તાની શાસકો પાક-તાલિબાનનો હિસ્સો ગણાતા લશ્કર-એ-ઝાંગવી અને જમાત-ઉલ-અહરાર જેવા સંગઠનો સામે તો કાર્યવાહી કરે છે, પરંતુ ટીટીપી, લશ્કર-એ-તૈયબા કે જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો સામે કાર્યવાહી કરે તેવી કોઇ શક્યતા જણાતી નથી. આ ત્રણેય જૂથો ભારતમાં આતંકવાદ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને ભારત આ જૂથો સામે પગલાં લેવા પાકિસ્તાન પર સતત દબાણ કરતું રહ્યું છે.
હવે પાકિસ્તાનના પગતળે રેલો આવ્યો છે. ટીટીપીએ પાકિસ્તાનમાં જ રહીને આતંકી કાવતરાં પાર પાડીને તેમના જ દાંત ખાટા કરી દીધા છે. પાકિસ્તાન સરકાર ગાઇવગાડીને દાવો કરતી રહી છે તે કે પાકિસ્તાનને ઉદારવાદી ઇસ્માલિક દેશ બનાવવા માગે છે, પરંતુ આ દિશામાં તે કોઇ નક્કર પગલાં ભરતું નથી. પરિણામે આજે દેશના મુસ્લિમો શિયા અને સુન્ની એમ જૂથોમાં વહેંચાઇ ગયા છે. બન્ને જૂથો વચ્ચે સતત તનાવ પ્રવર્તતો રહે છે. આ ઓછું હોય તેમ કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા પોતાના દેશમાં જ આતંકવાદના અજગરને પાળ્યો-પોષ્યો. આ અજગર હવે એટલો મોટો થઇ ગયો છે હવે તે નિરંકુશ થઇ ગયો છે. આનું પરિણામ દુનિયાની નજર સમક્ષ છે: આતંકવાદ ભારતમાં જેટલા લોકોનો ભોગ લઇ રહ્યો છે તેનાથી પણ વધુ લોકોનો ભોગ પાકિસ્તાનમાં લઇ રહ્યો છે. પાકિસ્તાને સમજવું રહ્યું કે આતંકવાદી ક્યારેય સારો કે ખરાબ નથી હોતો, આતંકવાદ આતંકવાદ જ હોય છે.
ટીટીપી મુખ્યત્વે પાકિસ્તાની સુરક્ષાદળો ઉપર હુમલા કરવા માટે પ્રખ્યાત છે. ટીટીપીના આતંકીઓએ ભૂતકાળમાં રાવલપિંડી આર્મી હેડક્વાર્ટર, લાહોરની ફેડરલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના મથક,મનવાન પોલીસ ટર્નિંગ સ્કૂલ તેમ જ પોલીસ એકેડેમી ઉપર પણ હુમલા કર્યા હતા. આ અગાઉ ૨૬ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ટીટીપીના ત્રણ આતંકવાદીઓએ પેશાવરની આર્મી સ્કૂલ ઉપર હુમલો કરી ૧૩૨ વિદ્યાર્થીઓ સહિત ૧૪૯ લોકોની લાશો ઢાળી દીધી હતી તે પછીનો સુરક્ષાદળો ઉપરનો આ સૌથી મોટો હુમલો હતો. પેશાવર વિસ્ફોટ બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આતંકવાદીઓને ઇસ્લામ સાથે કાંઈ લાગતું વળગતું ન હોવાનું કહી બંદગીના સ્થળે હુમલો કરનારાઓને અલ્લાહના ગુનેગાર ગણાવ્યા હતા. સાચી વાત તો એ છે કે મસ્જિદ, મંદિર કે ચર્ચ પર હુમલો કરવામાં આ આંતકીઓ જરાં પણ અચકાતા નથી. તેમનો આતંકી હુમલો અલ્લાહ, ઈશ્વર, ગોડ સામે નહીં, પરંતુ માનવતા સામેનો ગુનો જ છે. ધર્મ અને શરિયાના નામે નિર્દોષ લોકોની હત્યા કરતા ઇસ્લામિક આતંકવાદીઓને અલ્લાહનો પણ ડર નથી.
૧૯૭૪માં તો પાકિસ્તાનમાં છ મહિના સુધી ચાલેલાં રમખાણોમાં હજારો લોકોનો ભોગ લેવાયો હતો. એ દરમિયાન અહેમદિયા સમુદાયની ૧૩ મસ્જિદો સળગાવી દેવાઈ હતી. ૨૦ મસ્જિદો સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવી હતી. પોતાના જ ધર્મનાં ધર્મસ્થાનકો ઉપર હુમલા કરવામાં આતંકવાદીઓને ક્યારેય સંકોચ નથી થયો. આ ધર્માંધ આતંકવાદીઓને બંદગી સ્થળ જેવી કોઈ મર્યાદા નડતી નથી. તેઓ ઇબાદત કરવાના પવિત્ર સ્થળમાં ઠેર-ઠેર ક્ષતવિક્ષત માનવ દેહો અને રક્તની નદીઓ વહાવીને જન્નતમાં જવાના સ્વપ્નો જુએ છે. તો શું આમ ખુદા તેમને જન્નત આપી દેશે? નિર્દોષોના રક્તથી હોળી રમતા આતંકીઓને દોઝખની આગમાં પણ સ્થાન નહીં મળે. કારણ કે તેમના શાસકો જ તેમને છૂપો સહયોગ પ્રદાન કરે છે. આ આંતકીઓને દાયકાઓથી પાક.ના પ્રમુખોએ જ પાળીપોષીને તગડા બનાવ્યા છે. એ આતંકીઓ ઈબાદતના સ્થળને અપવિત્ર કરીને સાબિત કરી રહ્યા છે કે તેમના માત્ર ધર્મ ગૌણ અને સત્તા મહત્ત્વની છે. એક તરફ દાયકાઓના કુશાસન, રાજકીય અસ્થિરતા અને ભયંકર ભ્રષ્ટાચારને કારણે પાકિસ્તાન દેવાળું ફૂંકવાની અણી ઉપર આવી ગયું છે અને બીજી તરફ આતંકીઓ ઉત્પાત મચાવે છે.
મસ્જિદો પર થયેલા હુમલાઓની આ તો એક ઝલક માત્ર છે. આ આતંકવાદીઓને ઇસ્લામ સાથે કાંઈ લાગતું વળગતું ન હોવાનું શાહબાઝ શરીફે કહ્યું એ તત્ત્વચિંતનની દૃષ્ટિએ સાચું હશે પણ આ આતંકીઓ ઇસ્લામના નામે જ આતંક ફેલાવે છે એ પણ હકીકત છે. આ કટ્ટરવાદી જમાત ઊભી કરવામાં પણ સાઉદી જેવાં સમૃદ્ધ મુસ્લિમ રાષ્ટ્રોનો સિંહફાળો છે અને પાકિસ્તાને બધાને ઉછેર્યા છે એ ભૂલવા જેવું નથી. ખુદા કદાચ પાકિસ્તાનને તેનાં કર્મોની સજા આપી રહ્યા છે. આ આતંકીઓને ખુદાનો ખોફ નથી. પેશાવરની મસ્જિદ પર થયેલો હુમલો પણ છેલ્લો હુમલો નહીં હોય. ભારતમાં આતંકવાદ ફેલાવવા રાત-દિવસ એક કરનાર પાકિસ્તાન ખુદ આતંકવાદની આગમાં એવું ફસાયું છે કે હવે કદાચ ખુદા પણ તેને બચાવી શકે તેમ નથી.
પાક પ્રમુખ આવા ત્રાસવાદી હુમલા સામે બદલો લેવાના પોકળ દાવા કરે છે પરંતુ હવે માત્ર બદલો લેવા પૂરતી કાર્યવાહી કરવાનો કોઇ અર્થ નથી. માત્ર નિવેદનોમાં હાકોટા-પડકારા કરવાથી પિઠ્ઠુઓ જેવા આતંકવાદીઓની આંખ ખૂલવાની નથી.આ પ્રકારની આતંકવાદી ઘટનાઓ સુરક્ષા દળોની સાથોસાથ દેશની જનતાનું મનોબળ પણ કમજોર કરતી હોય છે.
હવે સમય આવી ગયો છે કે ચેતવણી ઉચ્ચારવાના બદલે આતંકવાદીઓને તે સમજે તેવી ભાષામાં જવાબ આપવામાં આવે પરંતુ આ બધું ભારત માટે શક્ય છે પાકિસ્તાન માટે નહીં. જો પાક. પ્રમુખ વિરોચિત કદમ ઉઠાવે તો પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં દિવસરાત ધમધમતી આતંકી તાલીમી છાવણીઓના દિગ્મૂઢ યુવાનો તેમનું જ ઢીમ ઢાળી દે. પાકિસ્તાનની ખંધાઇ આજે તેની સામે જ નર્તન કરે છે અને પાક. પ્રજા મુંગે-મોઢે આ લોહિયાળ રમતનો ભાગ બની છે. આ રમતનો અંત ક્યારે આવશે એ તો ખબર નહીં પરંતુ એટલું સ્પષ્ટ છે કે પાકિસ્તાનની અસ્મિતા હવે અંત તરફ છે અને મસ્જિદમાં વધતા આતંકી હુમલા તેનો પ્રારંભ છે. ઉ