Homeરોજ બરોજબીબીસીની નજરમાં મોદી ગુનેગાર અને અમેરિકન ગન કલ્ચર માટે રાષ્ટ્રપ્રમુખ નિર્દોષ?

બીબીસીની નજરમાં મોદી ગુનેગાર અને અમેરિકન ગન કલ્ચર માટે રાષ્ટ્રપ્રમુખ નિર્દોષ?

રોજ બરોજ- અભિમન્યુ મોદી

વિશ્ર્વ બાલમંદિર બનતું જાય છે અને મીડિયા તેના તોફાની બાળકો. બાલમંદિરમાં અભ્યાસ કરતા બાળકોને સતત ટીચરનું એટેન્શન જોઈએ. તેના માટે કોઈ બેન્ચ પરથી પડી જાય તો કોઈ ચીજ વસ્તુઓ આમતેમ ફેંકી દે, જેથી શિક્ષિકા બાળક પાસે આવે, તેને પંપાળે, વહાલ કરે ત્યાં તો બીજા બાળકના પેટમાં ચૂંક ઉપડે એટલે તેને સાંભળવાનો. બીબીસી આજે આવા તોફાની બાળકની જેમ વર્તી રહ્યું છે પરંતુ જગત શિક્ષિકાની જેમ તેની પેતરાબાજીમાં પડ્યું નથી. ઉલટું તેને તમાચા મારીને સીધું દૌર કરી રહ્યું છે. બીબીસીની ભારત વિરોધી હકરત પરથી એટલું તો સ્પષ્ટ છે કે ભારતની ગ્લોબલ અને પોઝિટિવ છબીને બ્રિટિશ મીડિયા સાંખી નથી શકતું એટલે જ મોદી સાહેબેને ટાર્ગેટ કરીને તેમના પ્રારંભિક કાર્યકાળમાં બનેલી દુર્ઘટનાને મરી-મસાલા સાથે રજૂ કરે છે. વિશ્ર્વભરમાંથી મોદી ભક્તોએ બીબીસીનો વિરોધ કર્યો ત્યારે તેના ચોખલા તંત્રીએ એવી ચોખવટ કરી કે સત્યની હિમાયત કરવી એ પત્રકારનો ધર્મ છે. જો તેઓ પોતાના કર્મને ધર્મ સાથે જોડતા હોય તો અમેરિકામાં કોરોના કરતા પણ બમણી ગતિએ ફેલાયેલા ગન કલ્ચરના વાઇરસ પર કેમ ધ્યાન નથી જતું.
બ્રિટશરો હજુ પણ ભારત પર રાજ કરે છે અને ભારતીયો તેમના છેલ્લા ખોળાના અણમાનીતા ‘પ્રજાજનો’ હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. જોકે, આ ૨૧મી સદીનું ભારત છે અને પોતાના આર્થિકબળ પર મુસ્તાક છે તે હજુ બ્રિટનની સમજમાં આવતું નથી. ભારત વિશ્ર્વમાં સૌથી મજબૂત અને ઉભરતા બજારનું અર્થતંત્ર છે. અમેરિકા અને ખુદ બ્રિટનને પણ ભારતીય બજારોની જરૂર છે. વિશ્વના ઘણા દેશો ભારતને નજરમાં રાખી પોતાની નીતિઓ ઘડી રહ્યા છે અને ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ્સ વધારી રહ્યા છે ત્યારે બીસીસીની વિવાદિત ડોક્યુમેન્ટ્રીથી તેમનો વિષય અને આશય બન્ને છતાં થયા છે.
બ્રિટિશ પત્રકારો જો દુધે ધોયેલા હોય તો તેમને નવા વર્ષના પ્રથમ માસમાં થયેલી ગન કલ્ચરની ઘટનાઓને પોતાના કેમેરામાં કંડારવી જોઇએ. તેમાં તો મહેનત પણ નહીં કરવી પડે. વાર-તહેવારે ગોળીબાર કે સામૂહિક ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. નવા વર્ષની શરૂઆતમાં જ માસ શૂટિંગની ૩૯ ઘટનાઓ બની જેમાં ૭૦ લોકોના જીવ ગયા છે. ગત વર્ષે ૧૨ મહિનામાં ૧૨ હજાર નિર્દોષ લોકોની હત્યા આ ગન કલ્ચરને કારણે થઈ છે તેનો સીધો ડેટા તેમને મળી જશે. કર્મનિષ્ઠ પત્રકારની કલમ અહીં કેમ અટકી જાય છે?
અમેરિકા ભલે જગત આખામાં જમાદારી કર્યા કરે પરંતુ, ત્યાંના સામાજિક જીવન પર કોઈની પકડ નથી. અમેરિકામાં વસ્તી કરતાં ગન-મશીનગન્સની સંખ્યા વધારે છે. રોષ કે આવેશમાં આવેલી વ્યક્તિ હાથવગાં શસ્ત્રોનો ઉપયોગ કરતા જરા પણ અચકાતી નથી. અમેરિકામાં શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ જોખમીરીતે વધે છે. અમેરિકાના સેન્ટર ફોર હોમલેન્ડ ડિફેન્સ એન્ડ સિક્યુરિટીના સત્તાવાર આંકડા મુજબ ૨૦૨૨માં મોટાભાગનો સમય શાળાઓ બંધ રહેવા છતાં, ગોળીબારની ૨૪૯ ઘટના ઘટી હતી. એટલે કે દરરોજની સરેરાશ એક ઘટના ગોળીબારની જોવા મળી છે.
નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટી ને હાર્વર્ડ રિસર્ચ સેન્ટરના સંશોધન અનુસાર ૨૦૨૧માં ૧૭૦,૦૦૦ અમેરિકનોએ ગન ખરીદી હતી. ગત વર્ષે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ૧૦ લાખથી વધુ ગન્સનું વેચાણ થયું હતું. આમ છતાં, ત્રણ ચતુર્થાંશ અમેરિકી વયસ્કો કહે છે કે તેમની પાસે ગન્સ નથી. નવા આંકડા કહે છે કે ૨૦૨૨નું વર્ષ દાયકાઓમાં સૌથી ખરાબ બંદુકહિંસાનું વર્ષ બની રહ્યું હતું. યુએસના લોકો કોઈપણ પ્રકારના ઘાતક હથિયારો ખરીદવાની સ્વતંત્રતા ધરાવે છે. બ્રિટિશરો આઘાત પામે તેવી વાત છે અને કદાચ ખુશ પણ હોય કે બ્રિટનમાં હિંસક હથિયારોની આવી દોડ નથી પરંતુ, ચિંતાને કારણ અવશ્ય છે કારણકે આ પ્રવાહ અથવા વળગણ ધીરે ધીરે યુકેમાં પણ પ્રવેશી રહ્યું છે. યુકેમાં ૨૦૧૭થી ૨૦૨૨ના ગાળામાં ૧૯૦૦થી વધુ ખતરનાક હથિયારો કબજે કરાયા હતા અને ચિંતાજનક એટલે છે કે આ હથિયારો અમેરિકામાં લાઈસન્સ હેઠળ ખરીદાયા હતા અને ગેરકાયદે બ્રિટનમાં ઘુસાડાયા હતા. અપરાધીઓ તેની સાથે સીરિયલ નંબરો દૂર કરવાની કરામતો આચરી તેની તપાસને મુશ્કેલ બનાવે છે. છતાં બીબીસીને તેના દેશમાં શું થઈ રહ્યું છે તેની કંઈ પડી જ નથી.
અમેરિકાના આજ સુધીના તમામ શાસકોની વિદ્વત્તા એ છે કે એમણે સાચા અગ્રતાક્રમો પ્રમાણે કામ કર્યું છે. ફ્રાન્સ, જાપાન, જર્મની, સ્પેન અને બ્રિટન – આ દેશો એવા છે કે એની પાસે એક જમાનામાં અમેરિકાનો કોઈ ક્લાસ ન હતો. આર્યભટ્ટે શૂન્યની શોધ કર્યા પછી ભારતીય ગણિતશાસ્ત્રે દુનિયામાં ધૂમ મચાવી હતી ત્યારે અમેરિકન પ્રજા જંગલોમાં નિર્વસ્ત્ર રખડતી હતી, આજે એ જ અમેરિકા દુનિયાના કોઈ પણ દેશને રાતોરાત નિર્વસ્ત્ર કરી દેવાની તાકાત ધરાવે છે. તેનું એક જ પ્રમુખ કારણ છે કે, દુનિયાના બધા જ દેશોને જયારે વર્તમાનમાં છબછબિયા કરવાની ટેવ હતી ત્યારે અમેરિકા સંપૂર્ણ ભવિષ્ય આધારિત પ્રોજેકટ્સ પર કરોડો ડોલરનો ખર્ચ કરતું હતું. એડવાન્સ પ્લાનિંગનો પર્યાય એટલે જ અમેરિકા! એડવાન્સ એટલે ટુ મચ એડવાન્સ! અને આજે પણ તેની ભવિષ્યગામી યોજનાઓ અકલ્પનીય બજેટ ખર્ચીને ધમધોકાર ચાલે છે જે એક અલગ પ્રલંબ પ્રકરણ છે! પરંતુ હવે અમેરિકા સ્હેજ પાછળ રહેવા લાગ્યું છે અને આ ગન કલ્ચર તેમાં અગ્રીમ ફાળો ભજવી રહ્યું છે.
‘ગન કલ્ચર’ની સાથોસાથ યુવકોના માનસિક સ્વાસ્થ્યની પણ મોટી સમસ્યા છે. વર્તમાન ગોળીબારની ઘટનામાં ટીનેજર માનસિક બીમારીથી પીડાતો હોવાનું બહાર આવ્યું છે. અમેરિકામાં યુવાનોમાં એન્ગ્ઝાઈટી, ડીપ્રેશન અને અંગત સંબંધોની સમસ્યા સૌથી વધારે છે. મુક્ત માહોલના કારણે નાની વયમાં જ ઈશ્કબાજીના સંબંધો બંધાતા અને તૂટતાં રહે છે. અપરિપક્વ સંબંધો તૂટવા સાથે હતાશાથી પીડાતા યુવાનો આલ્કોહોલ, ડ્રગ્સ વગેરેની લતમાં પડવા સાથે સતત માનસિક સમસ્યાઓથી જ ઘેરાયેલા રહે છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસિઝ ક્ધટ્રોલ એન્ડ પ્રીવેન્શનના સર્વેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમેરિકામાં હાઈસ્કૂલના ૩૭ ટકા વિદ્યાર્થી માનિસક રોગોના શિકાર છે. ૧૮-૨૫ વયજૂથના યુવાનોમાં તો આ પ્રમાણ ૪૯ ટકા જેટલું છે.
આ પ્રકારની ગોળીબારની ઘટનાઓ થાય છે ત્યારે ગન કલ્ચર વિરુદ્ધ ભારે ઉહાપોહ થાય છે અને શમી જાય છે. અમેરિકા ગન કલ્ચર ખતમ કરી શક્યું નથી તેનું મૂળ કારણ એ છે કે ગન લોબી શક્તિશાળી છે. ચૂંટણીમાં તેનું તગડું ફંડિંગ હોય છે. ગન ડીલર્સ કડક કાયદાની વિરુદ્ધ છે કારણકે તેનાથી વેપલો બંધ થઈ જવાનો ડર છે. ગન ડીલર્સ દર વર્ષે મિલિયન્સ ડોલરની બંદુકો લોકોને વેચે છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખોથી માંડી રાજ્યોના ગવર્નર્સ અને રાજકીય પક્ષો પણ ગન સંસ્કૃતિને જાળવી રાખવાની તરફેણ કરતા રહ્યા છે. કારણ કે તેમને તગડી મલાઈ મળે છે.
અમેરિકાનું ગન કલ્ચર ૨૩૦ વર્ષ જૂનું છે. પ્રાચીન સમયમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે લોકોની સુરક્ષા માટે પોલીસ કે બીજી કોઇ સિક્યોરિટી ફોર્સ નહોતી. ૧૭૯૧માં બંધારણમાં સુધારો કરીને લોકોને પોતાના રક્ષણ માટે હથિયારો રાખવાની અને વાપરવાની છૂટ આપવામાં આવી હતી. આ કાયદો આજે પણ અમલમાં છે. અમેરિકામાં હથિયારોની મોટી મોટી દુકાનો છે. વીક એન્ડમાં લગભગ તમામ શહેરોમાં હથિયારોના પ્રદર્શન અને વેચાણ યોજાય છે. અમેરિકામાં છેલ્લા પચાસ વર્ષમાં ફાયરિંગની ઘટનાઓમાં ૧૫ લાખ લોકોના મોત થયા છે. આ સંખ્યા યુદ્ધમાં માર્યા ગયેલા અમેરિકાના સૈનિકો કરતા પણ વધારે છે. અમેરિકામાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન દર વર્ષે લગભગ ૧૧ હજાર લોકો બંદુકથી મરે છે. તેમાંય મોટી ઘટનાઓની જ નોંધા લેવાય છે, એકલ દોકલ મોતની ઘટનાનો તો કોઇ ઉહાપોહ પણ થતો નથી! અમેરિકનો એક વર્ષ દરમિયાન ૯૦ હજાર કરોડ રૂપિયાના હથિયારો ખરીદે છે. આ ફિગર સતત વધી જ રહ્યો છે. ફાયરિંગની ઘટનામાં જ અમેરિકાએ અબ્રાહમ લિંકન અને જ્હોન એફ. કેનેડી જેવા બે રાષ્ટ્રપતિ ગુમાવ્યા છે. છતાં પણ તેમના પ્રવર્તમાન શાસકને દેશના નિર્દોષ નાગરિકની પરવા નથી.
આ ગંભીર બાબતે બીબીસીએ પોતાનો પત્રકાર ધર્મ નિભાવી અમેરિકાના કાન આમળવા જોઈએ. તો પછી ભારતનો દુષ્પ્રચાર કઈ રીતે કરવો! અસલમાં બ્રિટિશ મીડિયા ખુદ ઈર્ષ્યાની લાગણીમાં કેદ છે. જયારે તેમાંથી મુક્ત થશે ત્યારે તેમનો પત્રકાર ધર્મ ખરાં અર્થમાં સફળ થશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular