Homeરોજ બરોજમોદીએ રાજકોટના સંતોની મદદ માગી: પૂર્વોત્તર રાજ્ય પર દીર્ઘદૃષ્ટિ કેન્દ્રિત

મોદીએ રાજકોટના સંતોની મદદ માગી: પૂર્વોત્તર રાજ્ય પર દીર્ઘદૃષ્ટિ કેન્દ્રિત

રોજ બરોજ – અભિમન્યુ મોદી

ગુજરાતમાં હાલ ક્રમે-ક્રમે, ગલીએ ગલીએ, સ્થળે-સ્થળે આધ્યાત્મિક ચેતનાનો સંચાર થવા માંડ્યો છે. રવિવારે ભારતનો સૌથી મોટો અને વિશાળ કહી શકાય એવા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. તેના ૧૫ દિવસ પહેલા જ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ યોજાયો હતો. ધર્મ અને ભારતીય સંસ્કૃતિની લાગણીથી છલકાતા આ બન્ને કાર્યક્રમમાં મોદી સાહેબે વર્ચ્યુઅલી હાજરી આપી હતી. બન્નેમાંથી રાજકોટના કાર્યક્રમનો અંતિમ દિવસ ૨૦૨૪ની ચૂંટણી માટેના પ્રચાર અભિયાન જેવો રહ્યો. અંતિમ દિવસે મોદી સાહેબે તેમની સ્પીચની શરૂઆતમાં જ સંતોને અપીલ કરી કે તેઓ ૨૦૨૩ના ડિસેમ્બર માસ પહેલા પૂર્વોત્તર રાજ્યમાં પહોંચે અને નૈસર્ગિક સંપદા ધરાવતી આ ભૂમિ પર ભટકેલા યુવાનોનું માર્ગદર્શન કરે અને તેમને સામ્યવાદ અને આતંકવાદની માનસિકતાથી મુક્ત કરીને ઉત્તમ નાગરિક બનવા તરફ પ્રેરે.
વિચાર ખરેખર ઉમદા છે પરંતુ ૨૦૨૩ના અંત પહેલા કેમ? હૃદય પરિવર્તન એ ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. ૧૧ મહિનામાં કઈ રીતે કોઈનું હૃદય પરિવર્તિત કરવું. જેનું જન્મથી સતત બ્રેઇનવોશ થતું હોય, જેણે પુસ્તકના સ્થાને પીડા ભોગવીને અંધકાર અને અહંકારભર્યું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનું વિચાર પરિવર્તન કઈ રીતે કરવું? કલિંગના લોહિયાળ યુદ્ધ બાદ સમ્રાટ અશોક ‘બૌદ્ધ અશોક’ બન્યા, વાલિયા લૂંટારાએ લૂંટનો રેકોર્ડ બ્રેક કર્યા બાદ નારદવાણીને આત્મસાત કરી ત્યારે વાલ્મીકિ બન્યા. આવા અબજો દૃષ્ટાંત છે. જે હૃદય પરિવર્તનની લાંબી લચક સમયસારણીને દર્શાવે છે. આ ઉમદા અભિયાન કરવા માટે કુદરતના અણમોલ સૌંદર્યથી વિભૂષિત આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ, ત્રિપુરા અને સિક્કિમ સહિતના પૂર્વોત્તર રાજ્યનું જ કેમ ચયન કરવામાં આવ્યું? કાશ્મીરમાં તો આ સમસ્યા કોરોનાની જેમ વકરે છે, વિકસે છે અને વાઇરલ થાય છે. કાશ્મીરમાં વસતા દરેક યુવાનને આઝાદી જોઈએ છે. તેના માટે મિલ્ટ્રી શત્રુ છે અને પાકિસ્તાની આતંકવાદી મિત્ર, ખરેખર તો આ ચિત્રને પરિવર્તિત કરવાની આવાશ્યકતા છે. છતાં ‘નમો’નું ફોક્સ પૂર્વોત્તર રાજ્ય પર કેન્દ્રિત છે. રાજકોટના કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પર કરેલી તેમની અપીલ નોર્થ ઇસ્ટમાં ભાજપના કમળને ખિલવવાની રણનીતિને સ્પષ્ટ કરે છે.
પૂર્વોત્તર રાજ્ય એટલે આભૂષણોની ભોમકા. કાયમ વહેતી નદીઓ અને તેના ઉપરવાસમાં પારાવાર ધોધ એ વનશ્રીનું રમણીય રૂપ છે. ગાઢ જંગલોમાં ઔષધિઓનો ધોધ વહે છે. ત્યાંની પ્રજા વનૌષધિઓ પર જ વિશ્ર્વાસ રાખે છે. નોર્થ ઇસ્ટના જનજીવનની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમના જીવનમાં રાજકારણનો નહીં ધર્મનો પ્રભાવ છે. એટલે જ મોદી સાહેબે સંતોનું ચયન કર્યું છે. આવતા મહિને મેઘાલય અને ત્રિપુરામાં તો ચૂંટણી થવાની છે, આ વર્ષે દેશના નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો નોર્થ ઇસ્ટમાં સફળતા મળી તો યુદ્ધના ધોરણે કાશ્મીરમાં પણ સંતોની પ્રજાતિ નજરે ચડી શકે છે.
એ વાતની નોંધ તો લેવી પડે કે ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના આગમન બાદ પૂર્વોત્તર રાજ્યનો ક્રમિક પણ નોંધપાત્ર વિકાસ થયો છે. નવા માર્ગો, નવી ટનલો, નવા પૂલો, નવી રેલવે લાઇનો, નવી એર સ્ટ્રીપ અને અનેક ઇન્ફ્રાસ્ટ્રકચર પૂર્વોત્તર રાજ્યમાં જોવા મળે છે. ૨૦૧૪ પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની કોઇ હાજરી જ ન હતી. આજે ભાજપનું પ્રભુત્વ છે. સંતોના આગમનથી પરિવર્તનની આંધી ફૂંકાશે તો તેનો સીધો ફાયદો ચૂંટણીમાં થઈ શકે છે. મેઘાલય અને ત્રિપુરામાં તો ભાજપની જ સરકાર છે. પૂર્વોત્તરના કેટલાંક રાજ્યોમાં નાના નાના સ્થાનિક પક્ષો છે. ભાજપ ત્યાં પણ મીની લોટ્સ ઓપરેશન કરીને છૂટાછવાયા પક્ષોને પોતાની પાર્ટીમાં સમાવી રહ્યું છે. અલબત્ત વિવાદોને નાથવા માટે ગુજરાતની જેમ નોર્થ ઇસ્ટમાં પણ ‘નમો’ એ ગેરીલા ટેક્નિક અને મેરેથોન સભાઓ કરવી પડશે. તેના ભાગરૂપે ડિસેમ્બર માસમાં જ મેઘાલય અને ત્રિપુરામાં વડા પ્રધાન મોદીએ ૬૮૦૦ કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ વિવાદનું શું કરવું? મેઘાલય અને આસામ વચ્ચે પાંચ દાયકાથી સરહદનો વિવાદ ચાલતો હતો. અમિત શાહ ગયા વર્ષે જ આ વિવાદનો ઉકેલ લાવ્યા હતા અને શાંતિ સમજૂતી કરાવી હતી. પરંતુ આ સમજૂતી તકલાદી નીકળી. મહારાષ્ટ્ર-કર્ણાટકની જેમ મેઘાલય-ત્રિપુરામાં ભાજપના મુખ્યમંત્રી એકબીજા પર છાશવારે સરહદ વિવાદ મુદ્દે અણછાજતી કમેન્ટ કરતા મીડિયાના કેમેરામાં કેદ થાય છે. આ એક નહીં પૂર્વોત્તરના રાજ્યો વચ્ચે ઘણા વિવાદો છે. ભાજપ રાજ્યના આંતરિક અને અન્ય વિવાદો ઉકેલવામાં ઊણી ઊતરી રહી છે.
ભાજપના ટોચના નેતાઓ અહીંના ભેજવાળા વાતાવરણમાં લીલીસૂકી વાતો કરી રહ્યા છે. છતાં છેલ્લા ચાર દાયકાથી કોઈ પણ રાજકીય પક્ષને પ્રજાએ બહુમતી આપી નથી. કારણ કે પક્ષીય વિચારધારાને બદલે વ્યક્તિગત પ્રતિભાઓનો જ અહીં જુગાર રમાય છે. એટલે જ ભાજપ ઓપરેશન લોટ્સ શરૂ કરીને અન્ય વિજેતા પક્ષોને પોતાનામાં જોડીને જીતનો રોડ મેપ બનાવે છે. પૂર્વોત્તર રાજ્યની જંગ જીતવા માટે ભાજપે અપક્ષ અને કૉંગ્રેસ બન્ને સાથે બાથ ભીડવાની છે. હંમેશાં કૉંગ્રેસના આંતરકલહનો લાભ ભાજપન મળ્યો છે. જો કે બધા બળવાન અપક્ષો સુધી ભાજપની પહોંચ ન હોવાને કારણે અત્યારે તો ભાજપને વિજય મળે તો પણ એ તકલાદી નીવડવાની શક્યતા છે. અનુસૂચિત જનજાતિના મતદારોનું માનસ ભાજપ માટે તો એક અપરિચિત પ્રદેશ છે. ભાજપે પોતાની પ્રકૃતિ પ્રમાણે અહીં ધર્મનો આશ્રય લીધો છે અને હિન્દુ ધર્મની ચોમેર વાતો કરી છે. જો કે એ બુમરેંગ પણ થઈ શકે છે કારણ કે પૂર્વોત્તર રાજ્યમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપક પ્રભાવ છે.
ખ્રિસ્તી ધર્મના – ચર્ચના એક આંતરરાષ્ટ્રીય સંગઠનના અધ્યક્ષને ભારત આવવાના વિઝા ભાજપના ઈશારે વિદેશ મંત્રાલયે રદ કર્યા હતા, તેની સામે રાજ્યના ખ્રિસ્તીઓમાં ભારે અજંપો છે. એ સંકટને ટાળવા માટે ભાજપે અહીં ખ્રિસ્તી મતદારોને જેરૂસલેમની પવિત્રયાત્રા કરાવવાનો વાયદો કર્યો છે. દેશમાં ચાલી રહેલા મોટા આર્થિક કૌભાંડોના વિદેશ નાસી જતા સૂત્રધારોને ભાજપે જ પનાહ આપી હોવાની વાત રાહુલ ગાંધીએ તમામ મતદારોને વારંવાર કહી છે, ઉપરાંત ભાજપ માટે આજકાલ તેમને જે અઘરા પ્રશ્નો પૂછવાની ટેવ છે એ પ્રશ્ર્નો પેપર પણ જાહેરસભાઓમાં રજૂ તો કર્યું જ છે. આ સ્થિતિ દર્શાવે છે કે ભાજપ પાસે પૂરતા મુદ્દાઓ નથી. ઓછું હોય તેમ કેજરીવાલ પણ ત્રિ-પાંખિયો જંગ લડવાની તૈયારી કરી રહ્યા છે. એવામાં મેઘાલય અને ત્રિપુરામાં સંતોનું આગમન ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ બનીને રહેશે.
ત્રિપુરામાં એક સમયે સામ્યવાદીઓનો જબરજસ્ત દબદબો હતો. પચીસ વર્ષ સુધી સામ્યવાદીઓએ સત્તા ભોગવી છે. સામ્યવાદીઓને હરાવવા અને સત્તામાંથી હટાવવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. છતાં આપખુદશાહીના ગઢને ભારતીય જનતા પક્ષે ધ્વસ્ત કર્યો હતો. ત્રિપુરામાં વિધાનસભાની કુલ ૬૦ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૩૧ બેઠકોની જરૂર રહે છે. ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપે ૫૧ બેઠકો પર ઉમેદવારો રાખ્યા હતા. ૯ બેઠક સાથી પક્ષોને ફાળવી હતી. પરિણામો આવ્યા ત્યારે ભાજપે ૩૬ બેઠકો જીતી લીધી હતી. ભાજપના સાથી પક્ષોને ૮ બેઠક મળી હતી. એ હિસાબે ભાજપના નામે ૪૪ બેઠકો હતી. સામ્યવાદીઓ માત્ર ૧૬ બેઠક જ મેળવી શક્યા હતા. આ રાજ્યમાં ભાજપની હાલત કેવી હતી? ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક પણ મળી નહોતી. એ વખતની ચૂંટણીમાં ભાજપ પચાસ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ ૫૦માંથી ૪૯ ઉમેદવારોએ તો પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. માત્ર પાંચ જ વર્ષમાં ભાજપે આખું ચિત્ર પલટાવી નાખ્યું હતું. ભાજપે ગુજરાતની જેમ ત્રિપુરામાં પણ ‘નો રિપીટ થિયરી’ના ઓઠા તળે આખી બાજી પલ્ટી નાખી. ગુજરાતમાં ચૂંટણી પહેલા રૂપાણીને સ્થાને પટેલનો રાજ્યાભિષેક થયો તેમ ત્રિપુરામાં પણ ભાજપે ૨૦૨૧માં મુખ્યમંત્રી બિપ્લવ દેબને હટાવી દીધા હતા અને સ્વચ્છ છબિ ધરાવતા માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બિપ્લવ દેબને મેઘાલયમાં ચાલતા સરહદ વિવાદ અંગેનો તેમનો બેફામ વાણી વિલાસ નડી ગયો અને માણિક સાહાને ફળી ગયો. ભાજપે સમયસર ઓપરેશન કરીને વાતાવરણને પોતાની ફેવરમાં કરી લીધું હતું.
મેઘાલયમાં પણ વિધાનસભાની ૬૦ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૩૧ બેઠકોની જરૂર પડે છે. ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે કૉંગ્રેસ ૨૧ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો હતો. જો કે, કૉંગ્રેસને સરકાર બનાવવામાં સફળતા મળી નહોતી. ૨૦ બેઠકો મેળવનાર કોનરાડ સંગમાની નેશનલ પિપલ્સ પાર્ટીએ ચાર નાના પક્ષો અને અપક્ષોનો સાથે લઇને સરકાર બનાવી હતી. ભાજપને આ રાજ્યમાં ગણીને બે બેઠકો મળી હતી. ભાજપે પણ કોનરાડ સંગમાની સરકારને ટેકો આપ્યો હતો. કુલ ૬૦ ધારાસભ્યોમાંથી અત્યારે કોનરાડ સંગમાને ૪૦ ધારાસભ્યોનો સાથ છે.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગયા વર્ષે મેઘાલયમાં મોટો ખેલ પાડી દીધો હતો. કૉંગ્રેસના ૧૭માંથી ૧૨ ધારાસભ્યો એકસામટા કૉંગ્રેસ છોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં ખેંચી લીધા. મેધાલયમાં તૃણમૂલ કૉંગ્રેસની હાજરી જ નહોતી. કૉંગ્રેસના ધારાસભ્યો આવી ગયા એટલે તૃણમૂલ કૉંગ્રેસ રાતોરાત મેઘાલયમાં બીજા નંબરની પાર્ટી બની ગઇ હતી. બીજા રાજ્યોની જેમ જ મેઘાલયમાં પણ કૉંગ્રેસની બેદરકારીના કારણે પક્ષનું ધોવાણ થઇ ગયું છે. ભાજપને આ વખતે મેઘાલયમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે. પૂર્વોત્તરના રાજ્ય નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. સરકારે આ બધા વચ્ચે ચીનના પડકારો સામે તૈયાર રહેવાનું તો છે જ, એ સાથે પૂર્વોત્તરના રાજ્યોના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે. ત્યારે જોવાનું રહેશે કે સંતોના ધાર્મિક પ્રભાવથી પૂર્વોત્તર રાજ્યમાં ભાજપ વિજયની મૌક્તિકમાલા પૂર્ણ કરી શકશે કે નહીં! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular