Homeરોજ બરોજમાલદીવ્સમાં ભડકેલી ભારતવિરોધી લાગણી: ચીનની ચંચુપાત ક્યારે બંધ થશે?

માલદીવ્સમાં ભડકેલી ભારતવિરોધી લાગણી: ચીનની ચંચુપાત ક્યારે બંધ થશે?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

કોરોનાના આગમન બાદ “વાઇરસ અને વાયરલ શબ્દ વીજળીવેગે લોકજીભે ચડી ગયા. કોઈ પણ ઘટના જે દુર્ઘટના ફટાફટ વાયરલ પણ થઈ જાય અને તેમાં વાઇરસનો અચૂક ઉલ્લેખ થાય. માલદીવ્સમાં આ બન્ને શબ્દો યથાર્થ થયા. આજે માલદીવ્સ મિત્રમાંથી શત્રુ બનવા અગ્રેસર થયું છે એટલે જ બેવફાઈનો નવો વાઇરસ સક્રિય થયો છે. પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવના કટ્ટરવાદી નેતા અબ્બાસ અલી રિઝાએ ટ્વીટ કરી કે, ‘તેમના દેશમાં આગજની અને હુમલા થાય છે તેનો વળતો ઉત્તર આપવો જોઈએ, પરંતુ હવે તેની શરૂઆત ભારતીય દૂતાવાસથી કરો…’ જોવાની ખૂબી એ છે કે, આ અબ્બાસ જે ઘટનાનો બદલો લેવાની વાત કરે છે તે ૧૨ વર્ષ પહેલાં બની હતી. તો હવે કેમ અબ્બાસભાઈને પેટમાં ચૂંક ઉપડી છે. નેતાને પોલિટિક્સમાં ટકી રહેવા શું કરવું પડે? રાજકારણ! અને રાજકારણ કરવા મુદ્દો જોઈએ. આ વર્ષે માલદીવ્સમાં પ્રમુખ પદની ચૂંટણી યોજાશે. મુદ્દા વિહીન પ્રચાર તો નિષ્ફ્ળ નીવડે એટલે ભારતની બલી ચડાવી દેવાની?
માલદીવ્સમાં રાજનેતાઓની ઉજાગરાની મોસમ ચાલુ થઇ ગઈ છે. ઉજાગરા અને જાગરણમાં તફાવત છે. ટીવી ચેનલોની વર્તમાન વર્તણુક એવી છે કે જાણે લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ થોડાક જ કલાકોમાં આપી દેવાના હોય. માલદીવ્સમાંના સામાન્ય નાગરિકોનું ધ્યાન આ વર્ષની ચૂંટણી પરત્વે હોય કે નહિ, વિશ્ર્વના ઘણાં દેશોનું ધ્યાન માલદીવ્સની ચૂંટણી પર છે. વૈશ્ર્વિક સ્તરે, આર્થિક રીતે, રાજકીય રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ માલદીવ્સનું વજન ઘણું વધારે છે માટે જ કેન્દ્રની આગામી ચૂંટણી અતિ મહત્ત્વની સાબિત થઇને રહેવાની છે.
માલદીવ્સની ઓળખ દુનિયાભરમાં સુંદર પર્યટન સ્થળ તરીકેની છે. દેશવિદેશના અને ખાસ તો સમગ્ર એશિયાના સહેલાણીઓ માલદીવમાં ફરવા માટે આવતા હોય છે. હાલના સંજોગોમાં માલદીવનું મહત્ત્વ એક પ્રવાસન સ્થળ કરતા વિશેષ છે. અડધું બોલીવુડ, પોણું હોલીવૂડ અને આખું કોલીવૂડ નિયમિતપણે માલદીવ્સમાં વેકેશન ગાળવા આવે છે અને તેમનું ઇન્સ્ટાગ્રામ માલદીવ્સના પર્યટન સ્થળોથી છલકાઈ જાય છે. જેને કારણે વિશ્ર્વભરના નવપરણિત યુગલો પણ માલદીવ્સમાં પ્રણયક્રીડા કરવાના સપનો સેવતાં થયાં છે. દુનિયાના જે કેટલાક પૃથક ભૌગોલિક સ્થિતિ ધરાવતા દેશો છે તેમાં માલદીવ્સનો સમાવેશ થાય છે. સમુદ્રની સપાટીથી સૌથી ઓછી ઊંચાઈએ આવેલી ભૂમિ તો માત્ર માલદીવ્સમાં જ છે અને તે એક કુદરતી વિક્રમ છે. માલદીવ્સ માત્ર ૪ લાખની વસ્તી અને ૧૧૯૮ જેટલા ટાપુઓથી બનેલો દેશ છે. તે દરિયાની સપાટીથી સરેરાશ ૫ ફૂટનું અંતર ધરાવે છે. ૨૫૦ ટાપુઓ પર માનવ વસતિ પથરાયેલી છે અને ૫૦ ટાપુઓ તો લગભગ ડૂબવામાં છે. માલદીવ્સના વિલિન્ગ્લી આઇલેન્ડનું દરિયાની સપાટીથી અંતર ૨.૪ મીટરનું છે. જો ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાની સપાટી વધતી રહેશે તો થોડાક દાયકાઓમાં જ તેનું અસ્તિત્વ નામશેષ થઈ જશે તેવી શકયતા છે. છતાં માલદીવ્સના રાષ્ટ્રપતિ એચ.ઇ. ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ધૃતરાષ્ટ્ર બની ગયા છે. વિપક્ષ ભારત સાથેના સંબંધો પર અણછાજતા નિવેદન આપીને વૈશ્ર્વિક સ્તરે માલદીવ્સની છબીને ખરડે છે. છતાં સોલિહ આ મુદ્દે મૌન સેવીને જિનપિંગ સાથે મંત્રણા કરવા મજબૂર થયા છે. આવું કેમ? ચીનમાંથી છૂટેલો બેવફાઈનો વાઇરસ હવે સોલિહને ભરખી ગયો છે.
સોલિહ ગત ચૂંટણીમાં થયેલી ભૂલને પુનરાવર્તિત કરી રહ્યા છે. પાંચ વર્ષ પૂર્વે માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ચૂંટણી પૂર્વે મોટો ખજાનો હાથ લાગ્યો હોય એમ લોકકલ્યાણના કામમાં છુટ્ટે હૈયે ફંડની લહાણી કરી હતી. કારણ કે ચીન પોતાની દાણા વેરવાની અને પંખીઓને જાળમાં ફસાવવાની નીતિ પ્રમાણે માલદીવ્સમાં કામે લાગી ગયું હતું. ચૂંટણી શરૂ થવાના ૮ મહિના પહેલા વડા પ્રધાન મોદીની માલદીવ્સ મુલાકાતે આવવાના હતા. એ સમયે પણ અબ્બાસભાઈ એન્ડ પાર્ટીએ હુલ્લડ મચાવ્યું હતું. જેથી ભારતના વિદેશ મંત્રાલયના નાકને ઘસરકો લાગ્યો હતો, અને મંત્રાલયે ઘણા ઉત્પાત મચાવ્યા છતાં માલદીવ્સના બહાનાબાજીથી મોદીની મુલાકાત રદ કરાવી હતી. સ્વાભાવિક છે કે એ ગોરખધંધા ચીનના જ હતા.
સાબરમતી નદીના કિનારે હિંચકે બેસવા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવ્યા ત્યારે સીધા અમદાવાદ આવ્યા હતા અને તેઓ શ્રીલંકા અને માલદીવ થઇને જ આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ જિનપિંગના એ પ્રવાસમાર્ગનો નકશો પણ એક વાર જોયો હોત તો તેમને ઘણો બોધ પ્રાપ્ત થાત. જિંગપિંગના પાળીતા પોપટ અબ્દુલ્લા યામીને ભારત વિરુદ્ધ બકવાસ કરવાનો એક પણ મોકો જવા દીધો ન હતો. તેઓ જિનપિંગની જેમ આજીવન મલદીવ્સના સર્વેસર્વા બનવા માગતા હતા અને બંધારણમાં ફેરફાર કરવા ચાહતા હતા. અબ્દુલ્લા યામીન એવા પણ વ્યાખ્યાનો કરી ચૂક્યા હતા કે કાશ્મીરના આતંકવાદીઓને માલદીવ્સનું ખુલ્લું સમર્થન છે. ચૂંટણી સમયે તો ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં ફાટી નીકળી અને ચીનની જાળમાં પ્રજા ફસાયેલી હતી. ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામ તદ્દન વિપરીત આવ્યું. નવોદિત સોલિહ રાષ્ટ્રપતિ બન્યા.
૨૦૧૯માં ડેમોક્રેટિક પાર્ટીના સોલિહ સંસદની ૮૭માંથી ૬૫ બેઠકો મેળવીને પ્રમુખ બન્યા હતા. યામીનનો પક્ષ ફક્ત પાંચ બેઠકમાં સમેટાઈ ગયો. સોલિહ ભારતના સમર્થક છે. વડા પ્રધાન મોદી પણ તેમના શપથવિધિ સમારંભમાં ખાસ હાજર રહ્યા હતા. પરંતુ તેમના પૂર્વજોએ કરેલા ગંદવાડને તેઓ એક બાદ સાફ કરવામાં ખુદ દલદલમાં ફસાઈ ગયા. અબ્દુલ્લા યામીને તેમના શાસનકાળમાં લીધેલી કરોડો ડૉલરની લોન પરત કરવાના ફાંફા પડી રહ્યા છે. માલદીવનો જીડીપી ૪.૯ અબજ ડૉલર છે, જ્યારે દેવું ૩.૨ અબજ ડૉલર છે. આ વર્ષે ચીનને લોન પરત કરવાની થશે, પરંતુ તેઓ માલદીવ્સ પાસે તો પાસે પૈસા નથી. આ સ્થિતિ વચ્ચે ચીને ઉઘરાણી માટે ધોકો પછાડવાનું શરૂ કર્યું છે. માલદીવ્સ ચીનની નાગચૂડમાં એવું ફસાયું છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. દેવા ઉપરાંત અનેક ફાઈવ સ્ટાર હોટલ-રિસોર્ટમાં ચીનની કંપનીઓની ભાગીદારી છે અને એ રીતે માલદીવ્સમાં ચીનની મજબૂત હાજરી છે. માલદીવ્સનો એક ટાપુ ચીને લિઝ પર લીધો છે. આ સંજોગોમાં પણ પ્રેસિડેન્ટ સોલિહે તેમની ભારત ફર્સ્ટ નીતિ યથાવત્ રાખવી પડશે. એ માટે જ તેમણે ચીનની કઠપૂતળી સમા પૂર્વ પ્રમુખ યામીનને અદાલતે ભ્રષ્ટાચાર બદલ ૧૧ વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદાના દિવસે જ અબ્બાસે ભારત સામે બદલો લેવાનું આહવાન કર્યું તે સૂચક છે.
ભારતના માલદીવ્સ પર અનેક ઉપકાર છે. રાજીવ ગાંધીની હત્યાની વ્યૂહરચના માલદીવ્સના કિનારે જ ઘડાઈ હતી. ૧૯૮૮માં શ્રીલંકાના પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઇઝેશન ઓફ તમિળ ઇલમના આતંકીઓએ દરિયાઈ માર્ગે માલદીવ પર હુમલો કર્યો હતો. અચાનક જ ત્રાટકેલા આ આતંકીઓએ રાજધાની માલે, એરપોર્ટ, બંદર, સરકારી કચેરીઓ, રેડિયો સ્ટેશન અને પ્રેસિડેન્શિયલ પેલેસનો કબજો લઈ લીધો હતો. એ સમયે ગુપ્ત સેફ હાઉસમાંથી પ્રમુખ મોમૂન અબ્દુલ ગયૂમે શ્રીલંકા, પાકિસ્તાન, સિંગાપોર, અમેરિકા અને યુ.કે.ને મદદ માટે અપીલ કરી હતી છતાં યુક્રેનની જેમ કોઈ તેમની મદદે ન આવ્યું અંતે રાજીવ ગાંધીએ સહકાર આપ્યો અને ભારતીય વાયુસેનાના ૫૦૦ જવાનોએ નવ જ કલાકમાં આતંકીઓનો ખાતમો કરી દીધો. આ ઘટના રાજીવની હત્યાનું કારણ બની.
૨૦૦૪માં માલદીવ્સમાં ત્સુનામી ઉત્તુંગના મોજાઓએ અણધાર્યા વિનાશ વેર્યો હતો ત્યારે ભારતે મદદ પૂરી પાડી હતી. માલદીવ્સના સૌથી લાંબા ૬.૭ કિલોમીટર લાંબા પુલના નિર્માણ માટે ભારતે ૧૦ કરોડ ડૉલરની મદદ કરી હતી. માલદીવ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હેલ્થ કેર સેક્ટર તેમજ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે ભારતનું મહત્તમ યોગદાન છે. માલેમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલ પણ છે. માલદીવના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ભારત સ્કોલરશિપ આપે છે. કોરોના મહામારી સમયે ભારતે રસીના ૩.૧૨ લાખ ડૉઝ ઉપરાંત ૨૫ કરોડની સહાય પણ કરી હતી.આટઆટલું કર્યા પછી પણ માલદીવમાં ભારત વિરોધી લાગણી જોર પકડી રહી છે. આજે માલદીવ્સના મુખ્ય વિપક્ષો તેમજ કેટલાક ધાર્મિક અને કટ્ટરવાદી સંગઠનોએ ‘ઇન્ડિયા આઉટ’ નામે એક અભિયાન શરૂ કર્યું છે. અને તેમાં જિનપિંગની કામગીરીના ભારે વખાણ કરવામાં આવે છે.
પોતાની આદત અનુસાર દક્ષિણ ચીની સમુદ્રથી આગળ વધીને હિન્દ મહાસાગરમાં ચાઈનીઝ ડ્રેગન હવે માલદીવ ટાપુઓ સુધી આવી પહોંચ્યો છે. દક્ષિણ ચીની સમુદ્ર એના નામ પ્રમાણે જ ચીનનો જ માલિકીનો દરિયો છે એમ કહેનારુ ચીન હવે એમ જાહેર કરવા ચાહે છે કે હિન્દ મહાસાગર કંઇ હિન્દુસ્તાનનો નથી અને એ યુદ્ધઘોષ જેવા ઉચ્ચારો કરવા માટે ચીનને માલદીવ્સનો સહકાર જોઈએ છે. ચીન ક્રમિક આક્રમણ અને ચૂપકિદીપૂર્વકની આગેકૂચનું હિમાયતી છે એટલે ધીમે ધીમે પોતાની માલદીવ્સમાં પોતાની જાળ બિછાવે છે. ચીનની શિકારી મનોવૃત્તિ છે, એ પહેલા દાણા નાખે છે પછી પંખીઓ ઉતરાણ કરે અને છેલ્લે ખ્યાલ આવે કે પગ તો જાળમાં ફસાઇ ગયા છે. માલદીવ્સ પણ શ્રીલંકાની જેમ દેવા તળે દબાઈ ગયું છે ત્યારે જોવાનું રહેશે કે રાષ્ટ્રપતિ સોલિહ ધર્મસંકટમાં ભારતનો સાથ આપશે કે ચીનની આતંકી યોજનાનો શિકાર બનશે! ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular