રોહિતાશ ગૌડ ટીવી ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ કે જેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર કોમિક ટાઈમિંગના કારણે તેમણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તેમના દ્વારા ભજવવામાં આવેલા અનેક કેરેક્ટર આજે પણ લોકોના દિલોદિમાગમાં તાજા જ છે. એક્ટરના જન્મદિવસ પર આજે તેમની રિયલ લાઈફ વિશે કેટલીક ખાસ અને રસપ્રદ બાબતો જાણીએ.
રોહિતાશનો જન્મ વર્ષ 1966માં કાલકામાં થયો હતો અને અભિનયની દુનિયામાં પગ મૂકતા પહેલા તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી તેની ટ્રેનિંગ લીધી હતી. ત્યાર બાદ એક્ટર બનવાના સપનાને સાકાર કરવો માટે તેઓ મુંબઈ આવી ગયા અને તેમના શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષભર્યા રહ્યા હતા.
2001માં તેઓ વીર સાવરકરમાં કો-એક્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ ‘પિંજર’, ‘ધૂપ’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘અ વેનસ્ડે’, ‘3 ઈડિયટ્સ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’ અને ‘પીકે’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મોમાં તેમને નાની ભૂમિકાઓ મળી હતી. આ ફિલ્મોમાં તેમનું પાત્ર ભલે થોડા સમય માટેનું હોય, પરંતુ પોતાના અભિનયથી લોકનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યા હતા.
રોહિતાશ બોલિવૂડમાં ઘણા સમયથી એક્ટિવ છે, પરંતુ તેમને સાચી ઓળખ તો ટીવીએ અપાવી હતી અને તેમના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ‘લાપતાગંજ’ સિરિયલને કહી શકાય. 2009માં આવેલા આ શોમાં તે મુનકુંડીલાલના પાત્રમાં જોવા મળ્યા હતા અને લોકોના દિલ જીતી લીધા હતા. આ સિરિયલમાં તેનો અભિનય એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે તેમને તેના માટે ત્રણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ શો પછી તે ‘ભાબી જી ઘર પર હૈં’માં જોવા મળ્યા અને આ શોમાં તેમના દ્વારા ભજવવામાં આવેલા મનમોહન તિવારીના પાત્રથી તેઓ ઘર-ઘરમાં જાણીતું બની ગયા.
રિયલ લાઈફની વાત કરીએ તો રોહિતાશના અંગત જીવનની વાત કરીએ તો તે એક સરળ વ્યક્તિ છે અને તેમની પત્નીનું નામ રેખા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પત્ની કેન્સર રિસર્ચમાં કામ કરે છે. રોહિતાશ વાસ્તવિક જીવનમાં ખૂબ જ રોમેન્ટિક છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેની પત્નીને રસોડામાં ચોક્કસ મદદ કરે છે. અભિનેતાના એક નિવેદનમાં તેમના રોમાંસની ઝલક પણ જોવા મળે છે. એકવાર તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું રેખા (પત્ની)ને રસોઈ બનાવવામાં મદદ કરું છું. આ એક અઘરું કામ છે, પરંતુ આ કામ કરવાથી મને તેમની સાથે સમય વિતાવવાની તક મળે છે, જે મારા વ્યસ્ત શેડ્યૂલને કારણે મને ઘણી વાર નથી મળતી…
સો હેુપ્પી બર્થડે લાપતાગંજના મુનકુંડીલાલ, તુમ જિયો હઝારો સાલ સાલ કે દિન હો પચાસ હઝાર…