Mumbai: ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું BCCIએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં લિસેસ્ટરશાયર સાથે વોર્મઅપ મેચ રમી રહી છે. બે દિવસ સુધી રોહિત શર્મા ટીમમાં સામેલ હતાં, પરંતુ ત્રીજા દિવસે મેદાનમાં તે દેખાયો ન હોવાથી ક્રિકેટજગતમાં જાતજાતની ચર્ચા થઈ રહી હતી.
જોકે, રવિવારે સવારે BCCIએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રોહિત શર્મા કોરોના પોઝિટિવ છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી-20 સિરીઝ રમાવાની છે, જેની શરૂઆત પહેલી જુલાઈથી થશે. સૌથી પહેલા ટેસ્ટ મેચ રમવામાં આવશે. આવી સ્થિતિમાં ટીમના કેપ્ટનનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવતાં ભારત માટે ઝટકો સાબિત થઈ શકે છે.
આ અંગે BCCIએ વધુમાં જણાવ્યું હતું કે, રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોટલના રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે અને મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. તેને કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતાં. હાલમાં તેની તબિયત સારી છે. થોડા દિવસ બાદ ફરીથી તેનો ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવશે તો ટીમમાં સામેલ કરવામાં આવશે.