ENG vs IND: ઈંગ્લેન્ડને હરાવી ભારતે જીતી વનડે સિરીઝ રોહિત શર્માની ટીમે ઇતિહાસનું પુનરાવર્તન કર્યુ

સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ સામે ત્રીજા વનડેમાં ભારતની 5 વિકેટથી શાનદાર જીત થઇ છે. જીત સાથે જ ભારતીય ટીમે વનડે સીરીઝ 2-1 થી જીતી લીધી છે. આ જીત સાથે કેપ્ટન રોહિત શર્માના નામે એક રેકોર્ડ નોંધાઇ ગયો છે. રોહિત ઈંગ્લેન્ડમાં ODI અને T20I બંને શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. રોહિત હવે ભારતનો એવો ત્રીજો કપ્તાન બન્યો છે, જેના નામે ઇંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ જીતવાનો રેકોર્ડ નોંધાયો છે. રોહિત પહેલા આવી કમાલ માત્ર બે ભારતીય કેપ્ટન જ દાખવી શક્યા છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન વર્ષ 1990માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-0થી જીતવામાં સફળ રહ્યો હતો. આ સિવાય ભારતે 2014માં એમએસ ધોનીની કપ્તાનીમાં વનડે શ્રેણી 3-1થી જીતી હતી.
ત્રીજી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. પહેલા રમતા ઇંગ્લેન્ડે 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિકે 4 વિકેટ ઝડપી હતી જ્યારે ચહલને 3 વિકેટ મળી હતી. આ સિવાય સિરાજે 2 વિકેટ લીધી હતી. બાદમાં ભારતે આ મેચ 42.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. ભારત માટે પંતે 125 રનની અણનમ ઇનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી હતી. આ સિવાય હાર્દિકે 55 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી, બંનેએ પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી.
ખરાબ ફોર્મને લઈને ચર્ચાનું કેન્દ્ર બનેલા કોહલીને વિલી પર ત્રણ ચોગ્ગા ફટકારીને મોટી ઈનિંગ રમવાની આશા હતી પરંતુ ટોપલીના બોલને ડ્રાઈવ કરવાનો પ્રયાસ કરતા તે વિકેટ પાછળ કેચ થઈ ગયો હતો.
ભારતીય સુકાની ભારતની જીતથી ખુશ હતો અને તેણે હાર્દિક પંડ્યા અને ઋષભ પંતના મેચ વિનિંગ યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.