બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
માગશર મહિનાનું રાત્રિ-આકાશનું બીજું ભવ્ય તારકસમૂહ-નક્ષત્ર-રાશિ વૃષભ રાશિ છે. તે મૃગ નક્ષત્રની બાજુની રાશિ જ છે. તેમાં અંગ્રેજી અક્ષર ટ આકારનું તારક સમૂહ છે. તેના એક છેડે લાલ તારો છે. તે સહેલાઇથી ઓળખી શકાય છે. પૂરું તારકસમૂહ સ્પષ્ટપણે ઓળખી શકાય છે. તે લાલ તારાનું નામ રોહિણી છે. રોહિણી તારો વૃદ્ધ તારો છે. તેની સપાટીનું ઉષ્ણતામાન ૩૦૦૦ અંશ સેલ્સિઅસ છે તે ગમે ત્યારે બે એક અબજ વર્ષમાં મૃત્યુ પામી શકે. તે ઘણીવાર વૃશ્ર્ચિક રાશિના તારા જયેષ્ઠા કે મંગળસૂત્ર તરીકે ભૂલથી ઓળખી જવાય છે. રોહિણી જેવો બીજો લાલ તારો તે ભરત તેની નજીકમાં જ છે. ભરત વિશે આપણે આ પહેલાંના લેખમાં ચર્ચા કરી હતી.
પૌરાણિક કથા પ્રમાણે દક્ષ પ્રજાપતિને ૨૭ પુત્રીઓ હતી એટલે કે ૨૭ નક્ષત્રો. તેણે તે ૨૭ પુત્રીઓને ચંદ્ર સાથે પરણાવી. ચંદ્ર દરરોજ એક નક્ષત્રમાં રહે છે જે ૨૭ દિવસના ચંદ્રનું આકાશમાં ચક્ર બનાવે છે. પણ ચંદ્ર રોહિણીની તદ્દન બાજુમાં જાય છે, એટલે કે ચંદ્ર રોહિણીને બહુ પ્રેમ કરે છે. ચંદ્રનું આ વર્તન બીજી ચંદ્રની ૨૬ પત્નીઓને ખૂબ જ ખરાબ લાગ્યું, ઉપેક્ષા સમાન લાગ્યું. તેથી તેણીઓએ તેમના પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી કે ચંદ્ર તેમને અન્યાય કરે છે. દક્ષે આ બાબતે ચંદ્રને એમ નહીં કરવા ચીમકી આપી. પણ બીજા જ મહિને વળી પાછો ચંદ્ર રોહિણીની તદ્દન નજીક ગયો. વળી પાછી ચંદ્રની બીજી ૨૬ પત્નીઓએ દક્ષને ફરિયાદ કરી. આ સાંભળીને દક્ષ ક્રોધાયમાન થઇ ગયા કે હજુ પણ ચંદ્ર તેના વર્તનમાં સુધર્યો નથી અને તેણે તેની ધમકીને પણ ગણકારી નથી. તેથી તેણે ચંદ્રને શાપ આપ્યો કે તેનો ક્ષય થઇ જાય. હવે તો ચંદ્રનો કૃષ્ણપક્ષમાં ક્ષય થવા લાગ્યો. ચંદ્રની બીજી ૨૬ પત્નીઓ ખૂબ ડરી ગઇ. તેમને લાગ્યું કે હવે ચંદ્ર મૃત્યુ પામશે. તેથી બધી ચંદ્રની ૨૭ પત્નીઓ દક્ષ પ્રજાપતિ પાસે ગઇ અને તેને આજીજી કરી કે તે તેનો શાપ પાછો લઇ લે. પણ દક્ષે કહ્યું કે તે હવે શક્ય નથી. પણ તેને કહ્યું કે ચંદ્ર મહાદેવની તપશ્ર્ચર્યા કરી તેને પ્રસન્ન કરે તો ચંદ્ર પરનો શાપ ઉતરે. પછી ચંદ્ર અહીં ગુજરાતમાં પ્રભાસ-પાટણ પાસે આવે છે અને મહાદેવની તપશ્ર્ચર્યા કરી તેને પ્રસન્ન કરે છે. મહાદેવે ચંદ્રને કહ્યું કે તે દક્ષનો શાપ પૂર્ણ રીતે તો નહીં ઉતારી શકે પણ જેવો તે અમાસને દિવસે ક્ષય પામશે કે તરત જ મહિનાના શુકલપક્ષના પ્રથમ દિવસે તે તેને જીવતો કરશે. મહિનાના શુકલપક્ષમાં ચંદ્ર દિવસે દિવસે વધતો જાય છે અને પૂર્ણિમાને દિને પૂર્ણ થઇ જાય છે, પછી તેનો ક્ષય થવા લાગે છે. શંકર ભગવાને રાજી થઇને બીજના ચંદ્રને તેની જટામાં રાખ્યો. તેથી શંકર ભગવાનનું બીજું નામ ચંદ્રશેખર છે જેની જટામાં (માથા પર) ચંદ્ર છે. ચંદ્રે જયાં મહાદેવની તપશ્ર્ચર્યા કરી હતી તે ક્ષેત્ર એટલે સોમનાથ તીર્થ. પછી ચંદ્રે ત્યાં શંકર ભગવાનની સ્થાપના કરી તે ભારતનું દ્વાદશ જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. ત્યાં ભગવાન કૃષ્ણે પણ શંકર ભગવાનની પૂજા કરી હતી, તેટલું જ નહીં પણ દુવાર્સાએ શકુંતાલાને જે શાપ આપ્યો હતો તેનું નિવારણ કરવા શકુંતલાના પાલક પિતા એવા મહર્ષિ કણ્વ હિમાલયનો તેનો આશ્રમ છોડી સોમનાથ ભગવાનની તપશ્ર્ચર્યા કરવા સોમતીર્થ આવેલા તેટલો મોટો પ્રભાવ સોમનાથ મહાદેવ અને તેના સોમતીર્થનો છે. અગિયારમી સદીના પ્રથમ ચરણમાં ગઝનીએ તેને લૂંટયું હતું અને ખંડિત કર્યું હતું. સોમનાથ મંદિરની ત્યારે જાહોજલાલી જબરદસ્ત હતી. તેમાં દરરોજ સેંકડો બ્રાહ્મણો પૂજા કરતાં હતાં, આરતીઓ થતી હતી અને નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હતી. મહંમદ ગઝની આવ્યો ત્યારે હજારેક બ્રાહ્મણો સોમનાથના દ્વારો બંધ કરી અંદર પૂરાઇ ગયા અને માનવા લાગ્યાં કે મહાદેવ તેમને અને મંદિરને બચાવશે. એવું બન્યું નહીં અને ગઝનીએ બધા બ્રાહ્મણોની કત્લેઆમ કરી અને મંદિરના દ્વારો તોડી મહાદેવની મૂર્તિને ખંડિત કરી સેંકડો મણ સોનું લૂંટી ગયો. શંકર
ભગવાન એ પૂજારીઓ અને બ્રાહ્મણોના કરતૂતથી પ્રથમથી જ નારાજ હતા. માટે તેઓ મરણને શરણ થયાં. એક પરમાર હતા, જે લગ્ન કરીને જ જાન પાછી આવી હતી. તે પરમાર સોમનાથના મંદિરને બચાવવા મીંઢળબંધા હાથે સોમનાથ આવ્યા અને ગઝની સાથે લડીને સમર્પણ કર્યું. જેની ખાંભી સોમનાથ મંદિરના પરિસરમાં છે. તે અજર-અમર થઇ ગયા. મંદિરમાં પૂરાઇ રહેલા ૧૦૦૦ બ્રાહ્મણોને ગઝનીએ મારી નાંખ્યા. તેમને કોઇ યાદ પણ કરતું નથી.
તેઓ ગઝનીના હાથે કૂતરાના મોતે મર્યાં. ભગવાન શંકરની એ મૂર્તિ ઘેલા સોમનાથમાં સ્થાપવામાં આવી છે અને તે લિંગમાં ગઝનીનાં લશ્કરના પ્રહારો દેખાય છે. મીનળદેવીએ એ સોમનાથ ભગવાનની લિંગ ઘેલા સોમનાથ તરીકે સ્થાપના કરી છે. સરદાર વલ્લભભાઇ પટેલે, કનૈયાલાલ મુનશી અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સોમનાથનો પુનરુદ્ધાર કર્યો. વચ્ચે પણ સોમનાથ મંદિરનો ઘણીવાર મુસ્લિમ સરદારોનાં હાથે ધ્વંસ થયો હતો. મહારાણી અહલ્યાબાઇએ પણ સોમનાથ મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. સોમનાથ મંદિરના પરિસરમાં મહારાણી અહલ્યાબાઇએ બંધાવેલ સોમનાથનું મંદિર આજે પણ છે. સોમનાથ મંદિરનો ધ્વંસ ભારતીયોની નબળાઇઓ સ્પષ્ટ કરે છે. હજુ પણ ભારત સુધર્યું નથી. તેનો અંજામ તેને ભોગવવો પડશે. જો તે નહીં સુધરે તો આ ચંદ્રની કથા રસપ્રદ છે.
હજુ પણ ચંદ્ર સુધર્યો નથી. તે રોહિણીની ખૂબ પાસે જાય છે. હવે પ્રજાપતિની બીજી ૨૬ પુત્રીઓ તે માટે વાંધો લેતી નથી. હકીકતમાં તે ચંદ્રનો આકાશમાં માર્ગ જ છે, જે ચંદ્ર બદલી શકે નહીં. બિચારો ચંદ્ર શું કરે? તેને દર મહિને રોહિણીની નજીક જવું જ પડે, અને તેને કુદરતના નિયમોનું પાલન કરવું જ પડે.
વૃષભ રાશિમાં બીજું આપણું ધ્યાન ખેંચે તેવું કૃત્તિકા નક્ષત્ર છે. તે વૃષભ રાશિમાં છ કે સાત તારાનું, દ્રાક્ષનું ઝુમખું હોય તેવું ઝુમખું છે. મોટા દૂરબીનમાંથી જોતાં તેમાં ૪૦૦ નવા જન્મેલા તારા છે. તેની ફરતે જેમ જન્મેલું નવું બાળક બાળોતિયામાં લપેટાયેલું હોય તેમ આ નવા જન્મેલા તારા ફરતે હજુ પણ વાયુના વાદળો લપેટાઇ રહ્યાં છે, જાણે કે વાયુના વાદળોરૂપી બાળોતિયામાં લપેટાઇ રહેલા બાળતારાઓ, તે જાણે હજુ ઘોડિયામાં સૂતેલા અને વાયુના વાદળોરૂપી બાળોતિયામાં લપેટાયેલા લાગે. ખગોળવિદો આ કૃત્તિકાના બાળતારાઓ પ્રત્યે સહાનુભૂતિથી જોવે છે.
કૃત્તિકાના બાળતારાની વય ૪૦ કરોડ વર્ષ છે. આપણા સૂર્યની વય ૪.૬ અબજ વર્ષ છે. જે કૃત્તિકાના તારાની વય કરતાં લગભગ પચાસગણી વધારે છે. એટલે કે સૂર્ય તેના જીવનની અડધી વયે પહોંચેલો પ્રૌઢ તારો છે. માટે કૃત્તિકાના તારાને ખગોળવિદો બાળતારા કહે છે.
કૃત્તિકા તારાનું ઓપન કલ્સ્ટર (જ્ઞાયક્ષ ભહીતયિિં) છે. તે તારા નબળા ગુરુત્વાકર્ષણથી એકબીજા સાથે બંધાયેલા છે, માટે કલ્સ્ટરના છેવાડે આવેલાં તારા ગમે ત્યારે કલ્સ્ટરને રામ રામ કરી શકે છે. કલ્સ્ટરને છોડી તેમાંથી વિદાય લઇ શકે તેમ છે. આપણો સૂર્ય પણ એક સમયે તારાના આવા કલ્સ્ટરનો સભ્ય હતો અને તે પોતાના કલ્સ્ટરમાંથી છૂટો પડી એકલો અટૂલો અંતરિક્ષમાં આકાશગંગામાં વિહાર કરે છે.
કૃત્તિકાના નરી આંખે દેખાતા છ કે સાત તારા ઋષિ-પત્નીઓ, પ્રદર્શિત કરે છે. જ્યારે સાત ઋષિ ક્રતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રી, અંગીરા, વશિષ્ટ અને મારીચી હિમાલયમાં તપ કરવા ગયા ત્યારે વશિષ્ઠની પત્ની અરુધન્તી વશિષ્ઠ ઋષિ સાથે તેમની સાર-સંભાળ રાખવા હિમાલય ગઇ હતી અને બીજી છ ઋષિઓની પત્ની તેમના આશ્રમમાં રહી હતી. તેઓ તેમના પતિ સાથે હિમાલયની વિષમ પરિસ્થિતિમાં ગઇ ન હતી. કૃત્તિકા નક્ષત્રના છ તારા આ ઋષિ પત્નીઓને પ્રદર્શિત કરે છે. તેઓ કદાચ ભેગી થઇને સ્ત્રીપ્રિય કૂથલી કરતી હશે.