અમદવાદ કે ખાડાબાદ: જ્યાં ભુવો પડ્યો ત્યાં આજે ફરી રોડ બેસી ગયો, AMCએ કહ્યું માત્ર 23944 જેટલા જ ખાડા પડ્યા છે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ખરાબ રોડ રસ્તા અંગેની અનેક રજુઆતો છતાં AMC દ્વારા નક્કર કામગીરી કરાઈ નથી રહી છે જેને કારણે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો ક્યારેક ગંભીર અકસ્માત પણ સર્જાય છે. થોડા દિવસો પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો પિલર નંબર 129 પાસે મસમોટો ભુવો(Sinkhole) પડ્યો હતો. AMC ભૂવામાં પુરણ કરી રોડનું સમારકામ કર્યું હતું ત્યારે આજે બપોરે એજ જગ્યાએ રોડ બેસી જતા ઊંડો ખાડો(Pothole) સર્જાયો હતો. આ ખાડામાં AMTS બસ, એક સ્કૂલ બસ સહીત અન્ય વાહનોના વ્હીલ ફસાયા હતા. સ્થાનિક લોકો મળી વાહનોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
AMCની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આજે દાવો કર્યો હતો કે, શહેરના રોડ પર નાના અડધા ફૂટનો ખાડા અને મોટા 5 ફૂટના ખાડા ગણીને માત્ર 23,944 જેટલા જ ખાડા પડ્યા છે. 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધીમાં 15200થી વધુ ખાડા પુરી દીધા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને હજી 30 ટકા જેટલા ખાડા પુરવાના બાકી છે.

અમદાવાદના રોડની હાલત

કોર્પોરેશને આપેલા આંકડા સાબિત થાય છે કે અમદાવાદમા વિકાસ ખાડે ગયો છે. કોર્પોરેશન એવા તો કેવા રોડ બનાવે છે કે ખાડા પૂરવા માટે થીંગડા અભિયાન શરૂ કરવુ પડે છે. રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં 15 સપ્ટેમ્બર પહેલા ખાડા પૂરી દેવામાં આવશે. અત્યાર સુધી કોલ્ડ મિક્સથી ખાડા પૂરાતા હતા. 1 સપ્ટેમ્બરથી હોટ મિક્સ પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે, હવે હોટ મિક્સથી ખાડા પૂરાશે.

AMCની કામગીરીનો નમુનો

અમદાવાદના રસ્તા પર પડેલા ખાડાઓ જોઈ લોકો એવી ટીખળ કરી રહ્યા છે કે અમદવાદના રસ્તા પર નીકળતા એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે રોડ પર ખાડા છે કે ખાડા વચ્ચે રોડ બનાવ્યો છે. શહેરનું નામ બદલી ‘ખાડાબાદ’ કરી દેવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.