ગીર જંગલમાં નદી-નાળાં છલકાયાં: લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસતા મછુન્દ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઈ ગીરગઢડા પાસે આવેલો પ્રખ્યાત દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમના આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ નજારો જોવા આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઉમટી પડ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં છેલ્લા બે દિવસથી કાળાં ડીબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગીર જંગલમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી તેનું પાણી નદી નાળાઓ મારફત ગીરગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતુ થયું હતું. જેના પગલે આ નદી ઉપર પ્રખ્યાત દ્રોણેશ્ર્વર ધામ નજીક આવેલો દ્રોણેશ્ર્વર ડેમ છલકાયો હતો. જેથી આહલાદક દૃશ્યો જોવાં મળ્યાં હતાં. આ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફ્લો થયો હતો. મછુન્દ્રી નદીમાં ધસમસતા નવાં નીરના કારણે ડેમ છલકાતાં આહલાદક નજારો જોવા મળ્યો હતો. તો વરસાદી માહોલના લીધે ડેમ અને નદીની આસપાસના વિસ્તારોમાં કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે. ત્યારે આ ડેમના અદ્ભૂત દૃશ્યો જોવાં માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.