Homeઆમચી મુંબઈઅંધેરીમાં નોટાને હરાવીને વિજયી બન્યાં ઋતુજા લટકે

અંધેરીમાં નોટાને હરાવીને વિજયી બન્યાં ઋતુજા લટકે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક પરથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષની ઉમેદવાર ઋતુજા લટકેનો એકપક્ષી જંગમાં વિજય થયો હતો તેમને ૬૬,૫૩૦ મત મળ્યા હતા, પરંતુ તેમના વિજયથી વધુ ચર્ચા નોટા (નન ઓફ ધ અબાઉ-ઉપરમાંથી એકેય નહીં)ને મળેલા મતોની થઈ હતી કેમ કે નોટાને જંગી ૧૨,૮૦૬ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કુલ ૮૬,૫૭૦ મત પડ્યા હતા.
નોટાનો વિકલ્પ મતદારોને એકેય ઉમેદવાર પસંદ ન હોય ત્યારે ઉપયોગ કરવા માટે રાખવામાં આવ્યો છે.
રાજ ઠાકરેની વિનંતી બાદ ભાજપે પોતાના ઉમેદવાર મુરજી પટેલની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવા છતાં લટકેની સામે કુલ છ ઉમેદવાર હતા. ઋતુજા લટકેના પતિ અને તત્કાલીન વિધાનસભ્ય રમેશ લટકેનું નિધન થતાં આ બેઠક પર પેટા-ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણી માટે ત્રીજી નવેમ્બરે મતદાન કરવામાં આવ્યું હતું. વિધાનસભ્યના કાર્યકાળ દરમિયાન તેમનું મૃત્યુ થાય અને તેમના પરિવારજન ચૂંટણી લડતા હોય તો આ ચૂંટણી બિનવિરોધ કરવી એવી પરંપરાને અનુસરીને ભાજપે ઉમેદવાર પાછો ખેંચી લીધા બાદ આ ચૂંટણી ફક્ત ઔપચારિકતા હતી, કેમ કે ઋતુજાનો વિજય સ્પષ્ટ હતો.
મહારાષ્ટ્રમાં સત્તાના પતન બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મશાલ ચિહ્ન સાથે આ પહેલી ચૂંટણી હોવાથી તેમના માટે આ વિજય ઉત્સાહવર્ધક હતો. શિવસેનાના વિધાનસભામાં ૫૬ વિધાનસભ્યો હતા અને મે મહિનામાં લટકેના મૃત્યુ બાદ આ આંકડો પંચાવન થઈ ગયો હતો. જૂન મહિનામાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ૪૦ શિવસેનાના વિધાનસભ્યોનું નવું જૂથ તૈયાર થયું છે.

મશાલ સળગી, ભગવો લહેરાયો: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: અંધેરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષની ઋતુજા લટકેના વિજય બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મશાલ સળગી, ભગવો લહેરાયો.
માતોશ્રીમાં ઋતુજાની સાથે પત્રકારોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ચિહ્ન ગમે તે હોય વિજય અમારો નિશ્ર્ચિત છે. જનતા અમારી સાથે છે એ આજના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે. લડાઈની શરૂઆત ભવ્ય વિજય સાથે થઈ છે અને હવે પછીની બધી જ ચૂંટણીઓમાં અમે વિજય મેળવીશું. અમારું નામ અને ચિહ્ન ફ્રીઝ કરાવી નાખ્યું, પરંતુ જે ચૂંટણી માટે આ બધું કર્યું તે ચૂંટણી જ વિરોધીઓ લડ્યા નહીં. પરાજયનો અંદાજ આવી ગયો હોવાથી તેમણે પીછેહઠ કરી હતી. નોટાને જે મતો મળ્યા છે એટલા જ હરીફોને મળ્યા હોત, એવો ટોણો પણ તેમણે લગાવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે જમીન પરના પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા અને હવામાં રહેલા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવ્યા. હવે ગુજરાતની ચૂંટણી જાહેર થયા બાદ હવે મહારાષ્ટ્ર માટેનો વડાપ્રધાનનો પ્રેમ બહાર આવ્યો છે અને હવે મહારાષ્ટ્ર માટે કેટલાક હવામાં રહેલા પ્રોજેક્ટ આપવાની જાહેરાત કરી છે.
—–
જનતાએ ભાજપના ઘોડા બજારના
રાજકારણને નકાર્યાનો પુરાવો: પટોલે
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રવિવારે જણાવ્યું હતું કે અંધેરી (પૂર્વ) વિધાનસભા મતદારસંઘની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારના વિજયે સ્પષ્ટ કર્યું છે કે જનતાએ ભાજપની ઘોડા-બજારી અને રાજકીય હરીફોને ડરાવવાની રાજનીતિને નકારી કાઢી છે.
ઋતુજા લટકેના વિજય બાદ બોલતાં તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં કૉંગ્રેસ સાથી પક્ષો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને એનસીપી સાથે મળીને ભાજપનો પરાજય કરશે.
તેમણે એમ પણ કહ્યું હતુંં કે આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે લોકોને ઈડી (શિંદે-ફડણવીસ)ની સરકાર પર વિશ્ર્વાસ નથી. આ મતદારસંઘના લોકોએ મહાવિકાસ આઘાડી સરકારને તેમના મતદાન દ્વારા સમર્થન જાહેર કર્યું છે.
તત્કાલીન વિધાનસભ્ય રમેશ લટકેના નિધનને કારણે ઉમેદવાર ન આપ્યો હોવાની ભાજપની દલીલ ખોટી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં વિધાનસભ્યોના મૃત્યુને કારણે ખાલી પડેલી કોલ્હાપુર, દેગલુર અને પંઢરપુરની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર આપ્યા જ હતા.
—-
રમેશ લટકેના કામનો વિજય: આદિત્ય ઠાકરે
ઋતુજા લટકેનો જ્વલંત વિજય થયો અને તેમની સામે ઊભા રહેલા બધા જ ૬ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. આ વિજય શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના કામનો અને શિવસૈનિકોના જોશનો વિજય છે. ઉદ્ધવસાહેબમાં લોકોને જે વિશ્ર્વાસ છે તેનો આ વિજય છે. આ વિજયથી પેદા થયેલી ઊર્જાની લહેર આખા મહારાષ્ટ્રમાં ફેલાશે એની ખાતરી છે, એમ ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
—-
ઋતુજાના સ્વરૂપમાં લટકે પરિવારમાં સળંગ ત્રીજી વખત વિધાનસભ્યપદ
ઋતુજા લટકેના સ્વરૂપમાં લટકે પરિવારમાં સળંગ ત્રીજી વખત વિધાનસભ્યપદ આવ્યું છે. ઋતુજાના પતિ રમેશ લટકેએ નગરસેવકપદની હેટ્રિક માર્યા બાદ હવે તેમના ઘરમાં વિધાનસભ્યપદની પણ હેટ્રિક લાગી છે. ૧૯૯૭માં તેઓ પહેલી વખત મુંબઈ મનપામાં નગરસેવક બન્યા હતા, ત્યારબાદ ૨૦૦૨ અને ૨૦૦૯માં તેઓ ફરી નગરસેવક બન્યા હતા. ૨૦૧૪માં ભાજપના સુનીલ યાદવને હરાવીને પહેલી વખત તેઓ વિધાનસભ્ય બન્યા હતા અને ૨૦૧૯માં અપક્ષ ઉમેદવાર મુરજી પટેલને હરાવીને તેઓ વિધાનસભ્ય બન્યા હતા. હવે તેમની પત્ની વિધાનસભ્ય બની છે.
—-
આ વિજય મારા પતિનો: ઋતુજા લટકે
આ વિજય મારો નથી મારા પતિ રમેશ લટકેનો છે. મારા હૃદયમાં અત્યારે એક દુ:ખ છે કે મને મારા પતિની જગ્યા પર ચૂંટણી લડવી પડી હતી. રમેશ લટકેએ પોતાની આખી જીંદગી જનતાની સેવા કરી હતી અને મતદારોએ તેમના કામનો વળતો બદલો આપ્યો છે.

ભાજપને કારણે ઋતુજાનો વિજય: ભાજપ
અંધેરી (પૂર્વ) વિધાનસભા મતદારસંઘની પેટાચૂંટણીમાં ઋતુજા લટકેનો વિજય ભાજપને કારણે થયો હોવાનો દાવો કરતાં મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે એવો દાવો કર્યો હતો કે અમે ઉમેદવાર પાછો ખેંચી લીધો હોવાથી ઋતુજા જીતી ગઈ હતી. જો ભાજપે ઉમેદવાર આપ્યો હોત તો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નો પરાજય નિશ્ર્ચિત હતો. ઋતુજાને વિજય માટે અભિનંદન. કૉંગ્રેસ, એનસીપી, કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય અડધો ડઝન જેટલી પાર્ટીઓએ ટેકો આપ્યો હોવા છતાં તેમને વધુ મતદાન થયું જ નથી. જો ભાજપ ચૂંટણી લડી હોત તો લટકેનો પરાજય નિશ્ર્ચિત હતો. તેમણે યાદ અપાવ્યું હતું કે ગયા વખતની ચૂંટણીમાં રમેશ લટકેને ૬૨,૭૭૩ મત મળ્યા હતા અને અપક્ષ તરીકે લડતા હોવા છતાં મુરજી પટેલને ૪૫,૮૦૮ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર તરીકે મુરજી પટેલ ચોક્કસ વિજયી થયા હોત.
—-
ઉમેદવાર પાર્ટી મત
ઋતુજા લટકે ઉદ્ધવ ઠાકરે જૂથ ૬૬,૫૩૦
બાળા વ્યંકટેશ નાડાર આપકી અપની પાર્ટી ૧,૫૧૫
મનોજ શ્રાવણ નાયક રાઈટ ટુ રિકોલ પાર્ટી ૯૦૦
નીના ખેડેકર અપક્ષ ૧,૫૩૧
ફરહાના સિરાજ સૈયદ અપક્ષ ૧,૦૯૩
મિલીંદ કાંબળે અપક્ષ ૬૨૪
રાજેશ ત્રીપાઠી અપક્ષ ૧,૫૭૧
નોટા ૧૨,૮૦૩
કુલ ૮૬,૫૭૦
ગેરલાયક મતો ૨૨

RELATED ARTICLES

Most Popular