રીત રિવાજ ઈન્સાનકી સહુલિયત કે લિયે બનાયે જાતે હૈ, ઈન્સાન રીત રિવાજ કે લિયે નહીં હૈ…

મેટિની

રંગીન ઝમાને-હકીમ રંગવાલા

એક વખત એવું બન્યું, ગુજરાતી ફિલ્મ સંગીતનું અમર ગીત “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણીનું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હતું અને તે જ વખતે હિન્દી ફિલ્મનો પ્રિન્સ રાજ કપૂર હાજર હતો, અને રાજજીના પગ ગીતની ધૂન પર થિરકવા લાગ્યા! રાજ કપૂરએ અજીત મર્ચન્ટને કહ્યું કે આ ગીતની ધૂન તમે મને આપો અને અજીત મર્ચન્ટએ મનાઈ કરી! રાજ કપૂર કહે કે તમે મને આ ધૂન આપો કે ન આપો હું આ જ ધૂન વાપરવાનો છું!
રાજ કપૂરએ તેને ગમી ગયેલી આ ધૂન તેના ફિલ્મમાં વાપરી અને સુપરહિટ ગઈ, “મેરા જૂતા હે જાપાની એ પતલુન હિન્દુસ્તાની… શ્રી ૪૨૦નું આ ટાઇટલ ગીત અજીત મર્ચન્ટની ધૂન વાપરીને રાજ કપૂરએ બનાવ્યું, શંકર જયકિશનના સંગીતમાં!
“ખાનદાન નામની એક હિન્દી ફિલ્મમાં ગીત હતું “તુમ્હી મેરે મન્દિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હો! તે ગીત માં એક કડી હતી કે “બહોત રાત બીતી, ચલો મેં સુલાદુ, પવન છેડે સરગમ મેં લોરી સુના દુ…
અને પછી “હમિંગ હતું હુઉઊંઉઉંમમ હું, હુઉઊંઉઉંમમ હું.
રાજ કપૂરને ગમી ગયું એટલે વર્ષો પછી તેણે બનાવેલી ફિલ્મ “પ્રેમરોગના સુપરહિટ ગીતનો ઉપાડ તેણે “ખાનદાન ના ગીતના હમિંગથી કર્યો.
હુઉઊંઉઉંમમ હું, હુઉઊંઉઉંમમ હું, ભંવરે ને ખિલાયા ફૂલ ફૂલ કો લે ગયા રાજકુંવર!
રાજ કપૂર જેટલા સંગીતના જ્ઞાતા હતા એટલા જ ફિલ્મ ડિરેક્શન અને ફિલ્મ એડિટિંગના પણ મહારથી હતા. વર્ષો સુધી રાજ કપૂરનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરનાર રાહુલ રવૈલ લખે છે કે, ડિરેકટર તરીકે એ એક્ટર્સની આજુબાજુ એક જાળ ગૂંથતા, જેની અસરમાં સંમોહિત થઈને એક્ટર્સ પોતાનો શ્રેષ્ઠ અભિનય આપવાનો પ્રામાણિક પ્રયત્ન કરતા. કેવી રીતે હલનચલન કરવું કે કોઈ શોટ માટે ચહેરા પર કેવા હાવભાવ લાવવા એનો પૂરતો અભ્યાસ કરાવતા અને એ તમામ બાબતો વિશે એક્ટર્સને વિગતવાર સમજાવતા. એમ છતાં જો એક્ટર્સને અઘરું લાગતું હોય તો રાજસા’બ પોતે એ કરી બતાવતા અને કહેતા કે, જો હું આ કરી શકું છું તો તમે કરી જ શકો.’
ડિરેક્ટરનું વિઝન અને એડિટરની સ્કીલનું મિશ્રણ એ રાજસા’બની વિલક્ષણતા હતી. તેઓ સાયલન્સનો પણ બખૂબી ઉપયોગ કરી જાણતા. એમનું કહેવું હતું કે વાર્તાના પ્રવાહને અસરકારક બનાવવામાં સાયલેન્સ પણ ખૂબ મહત્ત્વનું યોગદાન આપે છે. કોઈપણ શોટ પહેલાં આવતો સાયલેન્ટ પોઝ સીનની અસરને વધુ પ્રબળ બનાવે છે. કેટલાક સીન સંવાદ વગરના હોવા છતાં વાર્તા માટે ખૂબ મહત્ત્વના હોય છે. એવા સીન એક ડિરેકટર ક્રિએટ કરે છે પણ એને વાર્તાના પ્રવાહમાં યોગ્ય રીતે રજૂ કરવાનું કામ એડિટરનું છે. ઘણીવાર મૌન શબ્દો કરતા વધુ બોલકું સાબિત થાય છે.
રાજ કપૂરે ફિલ્મસર્જનની બધી આવડત હસ્તગત કરેલી. એમની ડિરેક્ટ કરેલી અને એડિટિંગ કરેલી ૧૯૮૨ની ફિલ્મ ‘પ્રેમરોગ’ રાજ કપૂરનું ક્લાસિક સર્જન છે. ‘પ્રેમ રોગ’ ફિલ્મની સ્ટોરી ઓલ ઇન્ડિયા રેડિયોમાં રેડિયો ના ટીકા કરતા કામના ચંદ્રા એ લખી અને પટકથા જૈનેન્દ્ર જૈન એ લખી. આ કામના ચંદ્રા માટે પહેલી તક હતી અને આગળ જતાં કામના ચંદ્રાએ ‘ચાંદની’, ૧૯૪૨ એ લવ સ્ટોરી જેવી ફિલ્મો લખી અને ટીવી શો પણ કર્યા. કામના ચંદ્રાની દીકરી અનુપમા વિધુ વિનોદ ચોપરાને પરણીને અનુપમા ચોપરા બની ગઈ જે આજે ફિલ્મો વિશે લખે છે અને બીજી દીકરી તનુજા ચંદ્રા ફિલ્મની ડિરેકટર બની ગઈ છે. દીકરો વિક્રમ ચંદ્રા જાણીતો અંગ્રેજી લેખક છે.
દેવધર અને મનોરમાની અદ્ભુત લવ સ્ટોરી એ ‘પ્રેમરોગ’ ફિલ્મનું મૂળ છે અને ઊંચી જાત અને નીચી જાત જેવા ભારતીય માનસ પર જબરદસ્ત કટાક્ષ સાથે ચાબુક ફટકાર્યા છે અસલી સર્જક રાજક પૂરજી એ! ફિલ્મની મુખ્ય હિરોઇન પદ્મિની કોલ્હાપુરે સાથે રાજ કપૂરે પોતાની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં કામ કરેલું એક બાળ કલાકાર તરીકે અને પદ્મિની કોલ્હાપુરે પોતાની ૧૫ વર્ષની ઉંમરે બી.આર.ફિલ્મ્સની ‘ઇન્સાફ કા તરાઝુ’ ફિલ્મમાં બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીતી લીધેલો અને ૧૭ વર્ષની ઉંમરે રાજ કપૂરે ‘પ્રેમરોગ’ની મુખ્ય હિરોઈન બનાવી અને એ વર્ષે પદ્મિનીએ બેસ્ટ એક્ટ્રેસનો ઍવોર્ડ જીતી લીધો !
ઋષિ કપૂર, પદ્મિની કોલ્હાપુરે, શમ્મી કપૂર, તનુજા, નંદા, રઝા મુરાદ, કૂલભુષણ ખરબંદા, વિજયેન્દ્ર, સુષ્મા શેઠ, બિંદુ વગેરે કલાકારો લઈને રાજ કપુરે બનાવેલી ફિલ્મ ‘પ્રેમરોગ’ એક સીમા ચિન્હ રૂપી ફિલ્મ છે સામાજિક ક્રાંતિ કરવા ઈચ્છતા યુવાઓ માટે અને ક્લાસિક ફિલ્મ માટે પણ !
રાજ કપૂરે “પ્રેમરોગ ફિલ્મના સંગીત માટે લક્ષ્મીકાંત પ્યારેલાલને જવાબદારી સોંપી અને ‘મેરી કિસ્મત મેં તું નહીં શાયદ…’ ગીત ગીતકાર આમિર કઝલબક્ષ પાસે લખાવ્યું અને ‘ભવરેને ખીલાયા ફુલ, ફુલ કો લે ગયા રાજકુંવર…’ ગીત ગીતકાર નરેન્દ્ર શર્મા પાસે લખાવ્યું. બાકીના બધા જ ગીતો ગીતકાર સંતોષ આંનદ એ લખ્યા. ગાયક અનવર અને સુધા મલ્હોત્રા પાસે ‘યે પ્યાર થા યા કુછ ઔર થા…’ ગીત ગવડાવ્યું જે એક માત્ર ગીત ઓછું જાણીતું થયું જે પરદા પર આશા સચદેવ અને ઋષિ કપૂર ગાય છે. બાકીના બધા જ ગીતો સુપરહિટ થયા અને ગલી ગલીમાં ગુંજયા. એ બધા ગીતોના ગાયક લતાજી અને સુરેશ વાડકર હતા. જ્યારે સંગીતના જ્ઞાતા રાજ કપૂર પદ્મિની કોલ્હાપુરે પર લતાજીનાં અવાજમાં ‘યે ગલીયા યે ચૌબારા, યહાં આના ના દૌબારા…’નું ફિલ્માંકન કરવા જઈ રહ્યા હતા ત્યારે એમણે પદ્મિની કોલ્હાપુરેને કહેલું કે, યાદ રાખજે, આ ગીત જિંદગીભર તારો પીછો છોડવાનું નથી! અને રાજજી શબ્દસ: સાચા હતા.
રાબેતા મુજબ રાજ કપૂરની ફિલ્મોના સિનેમેટોગ્રાફર રાધુ કર્માકરે જ ‘પ્રેમરોગ’ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી અને જબરદસ્ત કરી છે. આર.કે બેનરની શરૂઆતની ફિલ્મોમાં એડીટિંગની જવાબદારી જી.જી.મયંકર સંભાળતા પણ પછીથી રાજ કપૂર પોતે જ પોતાની ફિલ્મોનું એડિટિંગ કરવા લાગ્યા. રાજ કપૂરના બેસ્ટ એડિટિંગનો પુરાવો ‘પ્રેમરોગ’ ફિલ્મ છે.
૩૦મો ફિલ્મફેર ઍવોર્ડ જ્યારે જાહેર થયા ત્યારે ‘પ્રેમરોગ’ ફિલ્મને ૧૨ નોમિનેશન મળેલા અને એમાંથી ચાર ઍવોર્ડ પ્રાપ્ત કર્યા. (૧) બેસ્ટ ડિરેકટર – રાજકપૂર (૨) બેસ્ટ એક્ટ્રેસ – પદ્મિની કોલ્હાપુરે (૩) બેસ્ટ લીરીકસ – સંતોષ આનંદ મહોબ્બત હૈ કયા ચીજ… (૪) બેસ્ટ એડિટિંગ – રાજ કપૂર
૧૯૮૨ની ફિલ્મોમાં એવોર્ડ અને કમાણીની રેસમાં દિલીપકુમાર અને અમિતાભની ‘શક્તિ’ પણ સામીલ હતી. કમાણીમાં પ્રથમ નંબરે ગુલશન રાયની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘વિધાતા’ હતી અને એ ફિલ્મની હિરોઇન પણ પદ્મિની કોલ્હાપુરે હતી. ‘વિધાતા’ ફિલ્મની કુલ કમાણી ૧૬ કરોડ હતી અને બીજે નંબરે ‘પ્રેમરોગ’ જેની કુલ કમાણી તેર કરોડ હતી, પણ ‘વિધાતા’નું બજેટ આઠ કરોડ હતું જ્યારે ‘પ્રેમરોગ’ એકથી દોઢ કરોડના બજેટમાં તૈયાર થયેલી. એટલે ખરા અર્થમાં બ્લોકબસ્ટર કમાણી કરનાર ફિલ્મ ‘પ્રેમરોગ’જ હતી. ઓલ ટાઈમ ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ ‘પ્રેમરોગ’ સર્જક રાજ કપૂરની કાબેલિયતનો ઝળહળતો નમૂનો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.