બ્રિટનમાં ઋષિ સુનક વડા પ્રધાન બન્યા બાદ ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. ભારતીય મૂળના નેતા ઋષિ સુનકે વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ વિદેશ નીતિ અંગેનું પ્રથમ ભાષણ આપ્યું હતું. વિદેશ નીતિ પરના પોતાના ભાષણમાં ઋષિ સુનકે ચીન સામે સખતાઇનો અભિગમ દર્શાવ્યો હતો અને ચીની ડ્રેગન પર મોટો હુમલો કર્યો હતો. તેમણે ચીનને સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો. સુનકે કહ્યું હતું કે બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધોનો સુવર્ણ યુગ પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે ચીને બ્રિટનના મૂલ્યો અને હિતોને ‘વ્યવસ્થિત’ પડકાર આપ્યો છે, જેનો બ્રિટન યોગ્ય સમયે જવાબ આપશે. તેમણે શાંઘાઈમાં સરકારી નીતિઓનો વિરોધ કરી રહેલા પત્રકારને માર મારવાની પણ નિંદા કરી હતી. સુનકે કહ્યું હતું કે ચીન દુનિયામાં પોતાનો પ્રભાવ વધારવા માટે પોતાની તમામ સરકારી શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જી-20 સમિટમાં સુનક અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક થવાની હતી, પરંતુ તે થઇ શકી નહોતી.
સુનાકે જણાવ્યું હતું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અર્થતંત્ર અને સુરક્ષાને અલગ કરી શકાય નહીં. તેમની સરકારની પ્રાથમિકતા સહયોગી દેશો સાથેના વેપાર અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવાની છે.
નોંધનીય છે કે લિઝ ટ્રુસ સામેના વડા પ્રધાન પદના તેમના દાવા દરમિયાન ટ્રુસે તેમના પર વૈશ્વિક તખ્તે ચીન અને રશિયા સામે નબળા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઋષિ સુનકે વચન આપ્યું હતું કે જો તેઓ વડા પ્રધાન પદની રેસ જીતશે તો તેઓ ચીન સામે કડક વલણ અખત્યાર કરશે.
આ દરમિયાન, સુનકે ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે બ્રિટનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.