Homeએકસ્ટ્રા અફેરઋષિ સુનક નસીબના બળિયા સાબિત થયા

ઋષિ સુનક નસીબના બળિયા સાબિત થયા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

યુ.કે.ના વડા પ્રધાનપદેથી એલિઝાબેથ ઉર્ફે લિઝ ટ્રસનાં રાજીનામાં પછી યુ.કે.ના વડા પ્રધાનપદે કોણ આવશે એ સસ્પેન્સનો દિવાળીની સાંજે અંત આવી ગયો. લિઝ ટ્રસ દોઢ મહિના પહેલાં વડાં પ્રધાન બન્યાં ત્યારે તેમની સામે હારી ગયેલા ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે એ નક્કી થઈ ગયું ને એ સાથે જ ઇતિહાસ રચાઈ ગયો છે. ઋષિ સુનક બ્રિટનના ઈતિહાસમાં વડા પ્રધાનપદે પહોંચનારી ભારતીય મૂળની પહેલી વ્યક્તિ બનશે.
સુનક સામે પહેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોનસન મેદાનમાં ઉતરેલા ને પછી પેન્ની મોરડોન્ટ કૂદેલાં. જો કે રવિવારે સવારે બોરિસ જોનસને નામ પાછું લઇ લીધું ને હથિયાર હેઠાં મૂકી દીધાં પછી સુનક સામે પેન્ની જ મેદાનમાં રહ્યાં હતાં.
બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના ૩૫૭ સાંસદ છે. ક્ધઝર્વેટિવ પાર્ટીના નિયમ પ્રમાણે વડા પ્રધાનપદની રેસમાં ઉતરવા માટે સો સાંસદોનો ટેકો તો જોઈએ જ. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોનસન પાસે ૬૦ સાંસદોનો ટેકો હતો. જોનસને પહેલાં તો સુનકને મનાવીને ફરી વડા પ્રધાન બનવા હવાતિયાં મારી જોયાં. જોનસને પોતાની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનક સાથે શનિવારે એટલે કે ૨૨ ઓક્ટોબરે મોડી રાત સુધી મંત્રણા કરી હતી પણ સુનકે મચક ન આપી.
જોનસનને મળ્યા પછી તરત સુનકે વડા પ્રધાનની ચૂંટણી લડવાની જાહેરાત કરી નાખી હતી. જોનસને એ પછી બીજાં ઉમેદવાર પેન્ની મોર્ડોન્ટ સાથે પણ વાટાઘાટો કરીને તેમને બેસાડી દેવા મથામણ કરી. પેન્ની બેસી જાય તો તેના સમર્થકો પોતાને ટેકો આપીને સો સાંસદો સુધી આંકડો પહોંચાડી દે એવી જોનસનની ગણતરી હતી પણ પેન્ની પણ ના માનતાં છેવટે જોનસને પીછેહઠ કરવાનો નિર્ણય કરવો પડ્યો.
પેન્નીને કેટલા સાંસદોનો ટેકો છે એ સ્પષ્ટ નહોતું જ્યારે સુનકને ક્ધઝર્વેટિવ પાર્ટીના ૩૫૭ સાંસદોમાંથી લગભગ ૨૦૦ સાંસદોનું સમર્થન હતું. પેનીને સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં સો સાંસદોનો ટેકો મેળવવા કહેવાયેલું પણ પેન્ની ૨૬ સાંસદોનો ટેકો જ મેળવી શકતાં તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી ને સુનક ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટાઈ ગયા.
સુનકને ૨૦૦ સાંસદોનું સમર્થન હતું જ પણ ઔપચારિકતા પૂરી કરવા આ સાંસદો પાસે ઑનલાઇન મતદાન કરાવીને નવા વડા પ્રધાનની પસંદગી કરવામાં આવી ને સત્તાવાર રીતે સુનકના નામની જાહેરાત કરવામાં આવી. હવે સુનક ૨૮ ઓક્ટોબરે વડા પ્રધાનપદના શપથ લેશે અને ત્યાર પછી ૨૯ ઓક્ટોબરે કેબિનેટની રચના કરવામાં આવશે. સુનક દોઢ મહિના પહેલાં ફેંકાઈ ગયેલા ને દોઢ મહિના પછી હવે વડા પ્રધાન બનશે એ જોતાં નસીબના બળિયા સાબિત થયા છે.
સુનક વડાપ્રધાન બનશે એ સાથે બ્રિટનના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થશે પણ સુનક માટે નવા પડકારોની શરૂઆત પણ થશે. વડા પ્રધાન તરીકે ટ્રસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આર્થિક મોરચે મળેલી નિષ્ફળતા છે. ટ્રસે બ્રિટનના અર્થતંત્રની કાયાપલટ કરવાની શેખી મારી હતી પણ ફાવ્યાં નથી. બ્રિટનમાં અત્યારે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે પણ ટ્રસ મોંઘવારીને કાબૂમાં ના લાવી શકતાં જવું પડ્યું.
સુનક આ મોરચે સફળ થશે એવી આશા રખાય છે. કોરોના કાળ પછી બ્રિટનમાં આર્થિક અસ્થિરતા હતી ત્યારે બોરિસ જોનસન સરકારના નાણામંત્રી તરીકે સુનક ઇકોનોમિક બેલ આઉટ પ્લાન લાવ્યા હતા. આ પેકેજ મિડલ ક્લાસ માટે મોટી ભેટ હતી તેના કારણે સુનકની સૌએ નોંધ લેવી પડી. સામાન્ય લોકોમાં પણ તેમની લોકપ્રિયતા વધી ગઈ. વડા પ્રધાન તરીકે સુનક એ જ ચમત્કાર ફરી કરે એવી આશા રખાય છે. સુનક પ્રોફેશનલ બેંકર છે અને જોનસન સરકારમાં તેઓ નાણામંત્રી રહી ચૂક્યા છે તેથી આર્થિક મોરચે સફળ થશે એવી સૌને આશા છે.
સુનકની ક્ધઝર્વેટિવ પાર્ટીને પણ સુનક પાસેથી મોટી અપેક્ષાઓ છે. વારંવાર વડા પ્રધાન બદલાવાથી ક્ધઝર્વેટિવ પાર્ટીની છાપ ખરાબ થઈ રહી છે. વિપક્ષ લેબર પાર્ટીની પાર્ટીની લોકપ્રિયતા ૨૫ ટકા જેટલી વધી છે. બ્રિટનમાં આગામી ચૂંટણી ૨૦૨૫માં છે એ જોતાં બે વર્ષ જેટલો સમય છે. આ બે વર્ષમાં સુનક સારો વહીવટ કરીને પાર્ટીને ફરી જીતાડે એવી સૌને આશા છે. ક્ધઝર્વેટિવ પાર્ટીના સાંસદો પણ ફરી ચૂંટણી નથી ઈચ્છતા તેથી સુનકને પડખે રહેશે તેથી રાજકીય સ્થિરતા આવશે.
સુનક યુ.કે.ના વડા પ્રધાન બન્યા તેથી ભારતીયો ખુશખુશાલ છે. ભારતીયો હવે દુનિયાના બીજા દેશો પર પણ રાજ કરી રહ્યા છે ને સુનકે ભારતનું નામ રોશન કર્યું છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે પણ સુનક યુ.કે.ના વડાપ્રધાન બને તેમાં ભારતે ગર્વ લેવા જેવું કંઈ નથી કેમ કે સુનક ભારતીય મૂળના છે પણ ભારતીય નથી.
ઋષિ સુનકના દાદા પંજાબના રહેવાસી હતાં પણ કેન્યા જતા રહ્યા હતા. તેમના દાદા વિદેશમાં સ્થાયી થયા હતા તેથી ભારત સાથેનો સંબંધ ક્યારનો તૂટી ગયો. સુનકના પિતા યશવીર કેન્યામાં જન્મ્યા ને તેમના માતા ઉષા તાન્ઝાનિયામાં જન્મ્યાં છે. તેમની માતા ફાર્માસિસ્ટ છે અને યુ.કે.ની નેશનલ હેલ્થ સર્વિસમાં નોકરી કરે છે. સુનકના પિતા ડોક્ટર છે અને બ્રિટનમાં જ જનરલ પ્રેક્ટિશનર છે.
સુનકનો પોતાનો જન્મ યુકેના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. સુનકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને ગ્રેજ્યુએશન કર્યું છે. રાજકારણમાં જોડાતા પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી હતી પણ એ બધું યુકે અને યુએસમાં જ કર્યું છે. એ રીતે જોઈએ તો ત્રણ પેઢીથી સુનક પરિવારને ભારત સાથે કંઈ લેવાદેવા નથી તેથી ભારતીયોએ ગર્વ લેવા જેવું કશું નથી.
ઋષિ સુનક ભારતની જાયન્ટ આઈ.ટી. સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિનાં પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે અને બંનેએ ૨૦૦૯માં લગ્ન કર્યાં હતાં. ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ છે, જેમનાં નામ કૃષ્ણા અને અનુષ્કા છે. સુનકને અક્ષતાના કારણે ભારત સાથે સંબંધ છે કેમ કે નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ તો ભારતીય છે જ પણ અક્ષતા પણ ભારતીય છે. અલબત્ત સુનક પોતે શત પ્રતિશત બ્રિટિશ છે ને તેમણે મેળવેલી સિદ્ધિમાં ભારતનું કોઈ યોગદાન પણ નથી તેથી તેમની સફળતાથી ભારતીયોએ ફુલાવાની જરૂર નથી.

RELATED ARTICLES

Most Popular