ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતને કારણે પંતને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. ભારતે 2023માં જ ODI વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. આવી સ્થિતિમાં, ભારતીય ચાહકોએ પ્રાર્થના કરવી જ જોઇએ કે પંત ત્યાં સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે થડાયા બાદ કારમાં આગ લાગી હતી. પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ પંતને પગ અને માથામાં ઘણી ઇજા થઇ છે.
પંત સાથેની આ ઘટનાએ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. ભારતને આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેમાં પંતની ભૂમિકા મહત્વની બનવાની હતી. હવે આ શ્રેણીમાં પંતના ભાગ લેવાની શક્યતાઓ સમાપ્ત થઇ ગઇ છે. પંત 2023ના ODI વર્લ્ડ કપમાં ભાગ લઇ શકે એ માટે પણ ભગવાનને પ્રાર્થના જ કરવી રહી.
એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યા પછી, ભારતીય ટીમને એવા ખેલાડીની જરૂર હતી જે વિકેટકીપિંગની સાથે બેટિંગમાં પણ તબાહી મચાવી શકે. ઉપરાંત જેનામાં નેતૃત્વના પણ સારા ગુણ હોય. ઋષભ પંત આ ત્રણે બાબતોમાં ફીટ બેસે છે. ટેસ્ટ ક્રિકેટમાં એ જે રીતે બેટિંગ કરે છે, જે જોઇને ધોનીની કમીનો અનુભવ થતો નથી. ઋષભ પંતને ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદનો દાવેદાર પણ માનવામાં આવે છે. તે હજી માત્ર 25 વર્ષનો જ છે. રોહિત શર્મા બાદ ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે કેપ્ટનની જરૂર પડશે, ત્યારે ઋષભ પંત જ એ ભૂમિકામાં ફીટ થશે. પંત પાસેથી ODI અને T20 ઈન્ટરનેશનલ મેચોમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ તે માત્ર થોડા પ્રસંગોમાં જ સફળ થઈ શક્યો હતો. ODI અને T20 ક્રિકેટમાં, હાર્દિક પંડ્યા ચોક્કસપણે પંત પર ઉપરી હાથ ધરાવે છે.
પંતને લઈને BCCI દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ, આ ક્રિકેટરના કપાળ પર બે કટના નિશાન છે અને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે. આ સાથે ઋષભ પંતને અંગૂઠા, એડી, કાંડા, પગ અને પીઠ પર ઇજા થઇ છે. તેને સાજા થતાં છ મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં રિષભ પંત ક્યારે વાપસી કરશે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.
રિષભ પંતે અત્યાર સુધી 66 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 22.43ની એવરેજથી 987 રન બનાવ્યા છે. આ દરમિયાન પંતે T20 ઈન્ટરનેશનલમાં 3 અડધી સદી ફટકારી છે અને તેનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન છે. વન ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો પંતે 30 મેચમાં 34.60ની એવરેજથી 865 રન બનાવ્યા છે. પંતે 33 ટેસ્ટમાં 43.67ની એવરેજથી 2271 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 11 અર્ધસદી સામેલ છે.